WatchGujarat. કોરોનાને કારણે છેલ્લા લાંબા સમયથી મોટા ભાગની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વચ્ચે સંક્રમણ ઘટતા શાળાઓ શરૂ થઈ હતી. પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવતા ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. પરંતુ ઓનલાઈન શિક્ષણને કારણે વાલીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ અંગે સૌ. યુનિવર્સિટી ખાતેનાં મનોવિજ્ઞાન ભવનનાં લેબ આસીસ્ટન્ટ ડો. મીરા જેપાર અને સેમ -1ની વિદ્યાર્થીની ધારિતા ઝાંખડીયાએ અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં બાળ માનસ પર થતી અસર માટે 1171 વાલીઓ પર સર્વે કર્યો હતો. જેમાં ઘણી બાળ માનસની હકીકતો સામે આવી છે. સાથે જ વાલીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા હોવાનું સામે આવ્યું છે. અમુક વાલીઓએ તો ત્યાંસુધી કહ્યું હતું કે, મારા બાળકને ભલે કોરોનાં થાય હું દવા કરાવીશ પણ ઓનલાઈન શિક્ષણ ન જોઈએ. તો અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, મોબાઈલમાં બાળક ન જોવાનું જુએ છે, આવું જોઈને ખાનદાનની આબરૂ જાય એવું કરે તો હું મારા વડવાઓને ઉપર શું મોઢું દેખાડીશ? મારા અને મારા પરિવારે આપેલ વર્ષોના સંસ્કારો આ મોબાઈલ અને ઈન્ટરનેટ તરત જ ધોઈ નાખશે માટે ઓનલાઈન શિક્ષણ તો જોઈતું જ નથી.

સર્વે દરમિયાન પૂછાયેલા પ્રશ્નો અને વાલીઓનાં જવાબ

શું તમારૂ બાળક આંખનો સંપર્ક ઓછો રાખે છે એટલે કે આંખમાં આંખ મેળવતું નથી?

જેમાં 61.40% લોકોએ હા કહી અને સાથે જણાવ્યું કે બાળકોમાં ઓનલાઈનને કારણે આંખોની સમસ્યા વધી છે.

શું તમારૂ બાળક ઓછું બોલે છે અને ઓછું સાંભળે છે?

જેમાં પણ 54.10% લોકોએ હા કહી , ઓનલાઈન એજ્યુકેશનને કારણે તેની વાતચાતુર્યતા ઘટી છે, ધૂની થઇ ગયા હોય એવું લાગે છે, બોલીએ તે ધ્યાન પર લેતા નથી.

શું તમારા બાળકોનું વર્તન આક્રમક થયું છે ?

જેમાં 50% લોકોએ હા કહીને જણાવ્યું કે ઓનલાઈન શિક્ષણ પછી પણ બાળકો મોબાઈલ કે લેપટોપમાં જ રચ્યા પચ્યા રહે છે. અને જો કઈક કહેવામાં આવે તો ગુસ્સે થાય છે.

શું તમારા બાળકમાં જીદ અને દલીલ વધી છે ?

જેમાં 63.60% લોકોએ હા કહી, પારકી માં જ કાન વીંધે એ કહેવત મુજબ શિક્ષકો પાસે જ બાળકો વ્યવસ્થિત રહે, ઘરે તો જીદ દલીલ કરીને માથાકૂટ કરતા હોય છે.

શું તમારૂ બાળક પહેલા કરતા હવે વધુ જુઠું બોલે છે ?

68.20% લોકોએ હા કહી જે સમાજ માટે ગંભીર ભય સ્થાન સમાન છે.

શું તમારૂ બાળક હવે વધુ ડરપોક અને આધારિત થયું છે?

જેમાં પણ 27.70% લોકોએ હા કહી

શું તમારૂ બાળક ચીજ-વસ્તતુઓ તમને પૂછ્યા વગર લે છે?

જેમાં 19.80% લોકોએ હા કહી અને વધુમાં જણાવ્યું કે ચોરી કરવાની વૃત્તિ ઓનલાઈન શિક્ષણ પછી વધી છે.

શું તમારા બાળકો શારીરિક ફરિયાદો જેમ કે આંખ દુ:ખવી, ડોક દુ:ખવી, કમર દુ:ખવી, પેટમાં દુ:ખવું વગેરે કરે છે?

જેમાં 27.50% લોકોએ હા કહી અને આવી ફરિયાદો વધી હોવાનું સ્વીકાર્યું હતું.

શું શાળામાં ફર્સ્ટ આવવાની સ્પર્ધાને કારણે તમારૂ બાળક ટેન્શનમાં હોય છે?

જેમાં આશરે 26 % લોકોએ હા કહી

Dr. Meera Japar and student Dharita Zankhadia

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો .યોગેશ જોગસણનાં કહેવા મુજબ, આશરે 15 થી 20% બાળકો સ્પર્ધાને કારણે એટલું બધું વાંચે છે કે તેમનું સામાજિક જીવન શૂન્ય બની જાય છે. આવા બાળકો હમેંશા ટેન્શનમાં રહે છે. તેના પર્ફોર્મન્સની વાત કરીયે તો ખાસ કરીને જે બાળક ઘણા વર્ષોથી ફર્સ્ટ આવે છે તે જાળવી રાખવાનું દબાણ હોય છે. જે બાળક પ્રથમ -બીજા ધોરણમાં પ્રથમ આવે છે તે નવમાં ધોરણમાં પણ પ્રથમ આવે તે જરૂરી નથી. તેજસ્વી વિધાર્થીઓ પણ ઉતાર-ચડાવ માંથી પસાર થાય છે. આવા બાળકોના માતાપિતાએ તેને સામાજિક બનવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સંબંધીઓ અને મિત્રો ને મળે તે માટે પ્રોત્સાહીત કરવા જોઈએ. બાળકોને અભ્યાસ ઉપરાંત બાબતો માટે જગ્યા આપો. ટાઈમ ટેબલ બનાવવું એ સારી વાત છે, પરંતુ અડધાથી વધુ સમય અભ્યાસ માટે તેમજ થોડો સમય મનોરંજન માટે… તે યોગ્ય નથી..

બાળકો વિશે વાલીઓએ જણાવેલું વિશેષ નિરીક્ષણ

 • વધુ એકટીવ થઇ ગયું છે પહેલા કરતા, વધારે ક્રોધિત થઇ ગયું છે, જિદ્દી થઇ ગયો છે,
 • મોબાઈલમાં વધારે રચ્યો પચ્યો રહે છે.
 • લોકડાઉન પછી મોબાઈલ, ટીવીનો ઉપયોગ વધ્યો છે.
 • સોશીયલ મીડિયામાં વધારે પડતો રચ્યો પચ્યો રે છે
 • કોઈપણ ઇવેન્ટમાં ભાગ લે નંબર ના આવે એટલે નાસીપાસ થાય છે.
 • કોરોના મહામારી દરમિયાન બાળકમાં ખુબ નિષેધક અસર જોવા મળી છે.
 • તે હંમેશા બીજાઓનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે.
 • સ્કુલ ન જવાને લઈ તેનો અને ઘરના લોકોનો સ્વાભાવ ચીડિયો બની ગયો છે.
 • શિક્ષકો કહે તો માને છે અને ઘરે કહીએ તો આનાકાની કરે છે.
 • અભ્યાસમાં અભિરુચિ સમાપ્ત થઇ ગઈ છે.
 • કોરોના પછી બાળકોમાં વિકૃત સમસ્યાઓ વધી ગઈ છે.
 • સતત ભય લાગે છે કે ઓનલાઈન શિક્ષણણી આડમાં પરિવારની આબરૂ ક્યાંક દાવ પર ન લાગે
 • વલ્ગર વિડીયો અને ફોટા જોતા થઇ ગયા છે.

આ સર્વેને આધારે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણે જણાવ્યું કે, બાળકોને લગતી ઘણી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ છે, જેમ કે શૈક્ષણિક, માનસિક સમસ્યા, શારીરિક સમસ્યા, શરીરમાં કોઈ ઉણપ, એગ્રતાનો અભાવ, ચીડિયાપણું વગેરે. આવી સ્થિતિમાં એ જોવું જોઈએ કે બાળક પાસે પૂરતા પ્રમાણમાં વિટામિન B12, B3છે કે નહિ અથવા હિમોગ્લોબીનની ઉણપ છે કે નહિ. જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો બાળકોમાં મિશ્ર સમસ્યાઓ એટલે કે માનસિક, શેક્ષણિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક છે.

શૈક્ષણિક સમસ્યાઓ

બાળકોને અભ્યાસ ને લગતી સમસ્યાઓ જેમકે તણાવ, ભય, નિષ્ફળતાના અપરાધ/આત્મહત્યાની વૃત્તિ વગેરેને ધ્યાનમાં રાખીને સરકારી શિક્ષણ નિતીમાં નોંધાપાત્ર ફેરફારો કરવાંમાં આવ્યા હતા. પરંતુ તેમ છત્તા, 6 થી 12 વર્ષની વયના બાળકોના શિક્ષણને લગતી કેટલીક માનસિક સમસ્યાઓ હજુ પણ રહે છે, ખાસ કરીને બાળકો તેમના માતાપિતા અને શિક્ષકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે સંઘર્ષ અનુભવે છે. બાળક માટે શિક્ષણ ખુબ જ જરુરી છે, સાથે સાથે બાળકોના હૃદય અને મગજ માં રસ અને લગાવ પેદા થાય તે પણ એટલું જ આવશ્યક છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બાળકોની શારીરિક સમસ્યા અવગણશો નહિ જે બાળકો વાંચનમાં નબળા હોય છે, તેમને માતાપિતાના ટોણા સાંભળવા પડ્યા હોય છે, તેને કારણે હીનતાનાનો ભોગ બને છે. બાળકને શીખવાની અક્ષમતા અથવા ADHD (અટેન્સન ડેફિસિત હાયપર એકટીવીટી ડિસોર્ડર ) કે ADD (અટેન્સન ડેફિસીટ ડીસોર્ડર ) હોઈ શકે છે. માતાપિતા તેમજ શિક્ષકોએ બાળકોની આ સમસ્યાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.ઓટીઝમ રોગ મગજની સિસ્ટમ સાથે પણ સંકળાયેલો છે. જેમાં પીડિત બાળકની સંવેદનાત્મક સિસ્ટમ અવ્યવસ્થિત થવાને કારણે તે સામાન્ય બાળકની જેમ જીવી શકતો નથી. આ બાળકોને પણ ખાસ કાળજી, પ્રેમ અને પ્રોત્સાહનની જરૂર હોય છે.

Asperger ‘s અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ ઓટીઝમની નાની સમસ્યા છે. આમાં બાળક આંખનો સંપર્ક ઓછો રાખે છે, ઓછું બોલે છે, ઓછું સાંભળે છે. હા – ના માં વધુ વાતો કરે છે. જેના માતપિતા સારવાર કરવા સક્ષમ નથી તેવા બાળકોની સમયસર જાણ થાય તો સારવાર શક્ય છે. આ સર્વેમાં 50% લોકોએ જણાવ્યું છે કે બાળકોમાં આંખની સમસ્યા વધી છે. સમય સાથે છોકરીઓના તરુણાવસ્થાના સમયગાળામાં ફેરફાર થયો છે. હવે છોકરીઓ 6/7માં ધોરણમાં પહોંચે છે ત્યા સુધીમાં તો તેમને પિરિયડ્સ આવવા લાગે છે. આવી સ્થિતિમાં માતાપિતા માટે તેનો સામનો કરવો પડકાર જનક બની જાય છે. શરીરના આ બદલાવને કારણે છોકરીઓ ઘણીવાર તણાવ અને હતાશ પણ થાય છે. દીકરીઓના માતાપિતા, ખાસ કરીને માતાઓ, તેમને મૂળભૂત હોર્મોનલ ફેરફારો, પીરીડ્સ આવવાના કારણો અને કાળજી, સલામત જાળવણી વગેરે વિશે સમજાવવું જરૂરી છે.

ટીનેજર્સ શા માટે પોતાને નુકશાન પોંહચાડે છે?

વર્તનને લાગતી સમસ્યાઓ બાળકોમાં આજે સૌથી મોટી માનસિક સમસ્યા બની ગઈ છે. એક સમય હતો જયારે ઘણા બાળકો હતા અને તેમના મોટા ભાઈ બહેનો તેમના નાના ભાઈ બહેન માટે રોલ મોડેલ બનતા હતા. જો કે હવે ન્યૂક્લીયર ફેમિલી અને સિંગલ ચાઈલ્ડ ઉછેરનો ટ્રેન્ડ ઘણો બદલાઈ ગયો છે.

બાળકોનું વર્તન આક્રમક બની ગયું છે

બાળકો માટે આક્રમક વર્તન તેમની ઈચ્છા પુરી કરવા માટેનું માધ્યમ છે. તેનામાં ધીરજનો અભાવ હોય છે. બાળકને તેના આવેગને નિયંત્રિત કરવાનું શીખવો અને તેને ભૌતિક માધ્યમોના બદલે શબ્દોમાં તેની લાગણી વ્યક્ત કરતા શીખવવું જોઈએ. આ રીતે તેના મિત્રો પણ વધુ બનશે.

બાળક સાથે ધિરજપૂર્વક વાત કરો

અસામાન્ય વર્તનના કારણો જાણવાનો પ્રયત્ન કરો. તમારી પ્રેમાળ -દયા તેની માનસિક વેદના ને શાંત કરશે. જો હાયપર એકટીવ બાળક હોય તો રોજ તેને ઘરની બહાર આઉટડોર ગેમ્સ રમાડો… જ્યાં તે મુક્તપણે રમી શકે.

સમજાવટ

બાળકોને શરૂઆત થી જ તમારી પરિસ્થિતિથી વાકેફ કરો જેથી તે સાચી ખોટી માંગણી કરતા પેલા વિચારે… જીદ નો સહારો ના લે…

જૂઠું બોલવું

બાળકના ખોટું બોલાવાની પાછળ ક્યાંક માતા-પિતા અને શિક્ષકનો કઠોર વ્યવહાર તો કારણભુત તો નથી ને તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ… માતાપિતા તેમના બાળકોને ખુલ્લું તેમજ તંદુરસ્ત વાતાવરણ આપે તો બાળકો ભાગ્યે જ જૂઠું બોલે છે

ડરપોક અને આધીન બનવું

માતાપિતા બાળકોને ખોટી બાબતોનો ભય બતાવવાનો બંધ કરે તે જરૂરી છે. જેનાથી બાળક આત્મા વિશ્વાસ ગુમાવે છે. તેની બદલે સાહસિક કથાઓ કહો.. બહાદુર અને પ્રેરણાદાયક મહાન લોકોની વાર્તાઓ કહો… અને મનોવૈજ્ઞાનિક સલાહકારની મદદ લેતા પણ અચકાશો નહિ.

કહ્યા વિના વસ્તુઓની ચોરી કરવી અથવા ઉપાડવી

કહ્યા વિના વસ્તુઓની ચોરી કરવી અથવા ઉપાડવી એ ક્લેટોમેનિયા કહે છે. તેને પ્રેમથી સમજાવી સારા ઉદાહરણ આપી બાળકને તેની ભૂલથી વાકેફ કરવાથી ચોક્કસ સુધરશે..

Facebook Comments Box

Videos

Our Partners