• કેનેડાનું વન-વે ભાડું ત્રણ ગણું વધીને દોઢ લાખથી વધારે થઈ ગયું
  • એડમિશન ઈનટેકનો સમય હોવાને કારણે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કેનેડાની ટિકિટ ઉપલબ્ધ જ નથી
  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાયા, વાલીઓ દોઢ લાખ ભાડું ભરવા મજબૂર બન્યા
  • કોરોના પછી સ્પેશિયલ ફ્લાઈટ ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓએ ત્રણ ગણું વધારે ભાડું ચૂકવવું પડશે

WatchGujarat. હાલમાં મોટી સંખ્યામાં લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહ્યા છે. પરંતુ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહેલા લોકો માટે એક માઠા સમાચાર છે. જો તમે પણ કેનેડાની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય અને જાન્યુઆરી મહિનામાં જવાનો પ્લાન હોય તો તમારે વધારે ખિસ્સા ખંખેરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે કેનેડાની ટિકિટ ત્રણ ગણી વધારે મોંઘી થઈ ગઈ છે. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે.

જાન્યુઆરી મહિનામાં એડમિશન ઈનટેક હોવાને કારણે કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. આ કારણે ટોરન્ટોનું ભાડું આસમાને પહોંચ્યું છે. એડમિશન ઈનટેકનો સમય હોવાથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કેનેડાની ટિકિટ ઉપલબ્ધ જ નથી. પાછલા થોડા સમયથી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ કેનેડા અભ્યાસ કરવા જવાનો ક્રેઝ વધી ગયો છે. જેથી કોરોના પછી સ્પેશિયલ ફ્લાઈટ ચાલતી હોવાને કારણે વિદ્યાર્થીઓએ ત્રણ ગણું વધારે ભાડું ચૂકવવું પડશે. મહત્વનું છે કે અત્યારે વન-વેની ટિકિટની કિંમત દોઢ લાખથી વધી ગઈ છે. જ્યારે સામાન્ય દિવસોમાં આ વન-વે ટિકિટ 45થી 50 હજારની વચ્ચે હોય છે.

હાલમાં ભારતથી જનારી તમામ ખાનગી એરલાઈન્સના ભાવ ઘણાં વધારે છે. ઉપરાંત કોરોનાની સ્થિતિને કારણે ફ્લાઈટ ગમે ત્યારે કેન્સલ પણ થઈ શકે છે. આવી સ્થિતીમાં વિદ્યાર્થીઓ એર ઈન્ડિયાની ફ્લાટમાં જવાનું વધારે પસંદ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાએ પાછલા એક અઠવાડિયાથી આઈટા રજિસ્ટર્ડ એજન્ટોનું બુકિંગ બંધ કર્યું છે. જેના કારણે જો અત્યારે કોઈએ ટિકિટ લેવી હોય તો એર ઈન્ડિયાની વેબસાઈટ પરથી અથવા તો ઓફિસ પર જઈને લેવી પડે છે. વેબસાઈટ પરથી બુકિંગ કરવાનું કામ મુશ્કેલ હોવાને કારણે મોટાભાગના લોકો ઓફિસે જતા હોય છે. જેથી હાલ એર ઈન્ડિયાની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે.

એક વિદ્યાર્થીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા વિઝા આવી ગયા છે અને 10 જાન્યુઆરી સુધી પહોંચવુ જરુરી છે. મને એર ઈન્ડિયાની ટિકિટ મળતી નથી. મજબૂરીમાં મારે પ્રાઈવેટ એરલાઈનમાં ટિકિટ બુક કરાવવી પડશે. એડમિશન ઈનટેકના સમયમાં જ કેનેડાની ટીકિટો મોંઘી થતા વાલીઓ ત્રણ ગણુ ભાડું ચૂકવવા મજબૂર બન્યા છે. જોકે દેશભરના ટ્રાવેલ એજન્ટના બુકિંગ સિસ્ટમ કેમ બંધ કરવામાં આવ્યા છે તેની જાણકારી હજી એર ઈન્ડિયા તરફથી આપવામાં નથી આવી. નોંધનીય છે કે થોડા સમય પહેલા કેનેડાની ટિકિટ અઢીથી ત્રણ લાખની થઈ ગઈ હતી. હાલમાં પણ કેનેડાનું ભાડુ વધતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud