• સોશિયલ મીડિયામાં લોખંડી શીરાને તોડવાનો વીડિયો વાયરલ થયો
  • વાયરલ વીડિયો પાટણના બેપાદર ગામનો હોવાનું સામે આવ્યું
  • વીડિયોમાં એક વૃદ્ધ ટાંકણા અને હથોડી વડે શીરાને તોડતા જોવા મળે છે
  • આ લોખંડી શીરા પાછળની હકિકત સામે આવી

WatchGujarat. હાલ સોશિયલ મીડિયામાં લોખંડી શીરાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ ટાંકણા અને હથોડી વડે શીરાને તોડતા જોવા મળે છે. આ વાયરલ વીડિયો પાટણના બેપાદર ગામનો હોવાનું સામે આવ્યું છે. આ લોખંડી શીરા પાછળની હકિકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

લોખંડી શીરાનો આ વાયરલ થયેલો વીડિયો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા બેપાદર ગામનો છે. જ્યાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ પર ગ્રામજનો દ્વારા શ્વાન માટે શીરો બનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે શીરો ખૂબ જ કઠણ થઈ ગયો હતો. જેના કારણે તેને હથોડી વડે તોડવાનો વારો આવ્યો હતો. આ અંગે મીડિયા સાથે વાત કરતાં ગ્રામજનોએ જણાવ્યું હતું, વર્ષોથી અમે ઉત્તરાયણ પર્વ પર પૂણ્ય કરવા અર્થે શ્વાન માટે શીરો બનાવીએ છે. પરંતુ આ વખતે શીરામાં ગોળ વધારે માત્રામાં હોવાથી શીરો પથ્થર જેટલો કઠણ બની ગયો હતો. ઉત્તરાયણ અગાઉ રાત્રે આ શીરો બનાવવામાં આવ્યો હતો. પરંતુ સવાર સુધીમાં તે થીજી ગયો હતો.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, આ શીરાને ઓગાળવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે તેને લોખંડની ટાંકણા અને હથોડી વડે તોડીને ટૂકડા કરાયા હતા. આ વીડિયો પણ ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં શીરો તોડતા નજરે પડતાં વૃદ્ધનું નામ જેશંગભાઈએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. શીરાને તોડવા માટે લોખંડનો ઉપયોગ થતા લોકોએ તેને લોખંડી શીરા તરીકે નામ આપીને રમૂજ કરી હતી. હાલ તેને લઈને સોશિયલ મીડિયામાં અનેક રમૂજી વાતો સામે આવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners