• પેડક રોડ પર પ્રેમલગ્ન કરનાર એક યુવતીના પરિવારજનોએ યુવકનાં ઘર પર હુમલો કર્યો
  • આરોપીઓએ યુવકની માતા પર હુમલો કરી ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો સામે આવ્યો
  • સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી 

WatchGujarat. પેડક રોડ પર પ્રેમલગ્ન કરનાર એક યુવતીના પરિવારજનોએ યુવકનાં ઘર પર હુમલો કર્યો હતો. આ તકે આરોપીઓએ યુવકની માતા પર હુમલો કરી ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો સામે આવ્યો છે. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, પેડક રોડ નારાયણ નગરમાં રહેતા રાહુલ કેતનભાઇ ભૂત નામના યુવાનને કોલેજમાં સાથે ભણતી રણછોડનગર વિસ્તારની નેહા વિક્રમભાઇ ડાંગર સાથે પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં નેહાએ તેના પરિવારની મંજૂરી વગર રાહુલ સાથે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતા. પુત્રીના પ્રેમલગ્ન બાદ નારાજ નેહાના પરિજનો અવારનવાર રાહુલને ધાક-ધમકીઓ દેતા રહેતા હતા. જેને કારણે રાહુલે અગાઉ બી ડિવિઝન પોલીસમાં આ અંગે અરજી આપી હતી.

આ દરમિયાન ગત રવિવારે પોતે, પત્ની નેહા અને માતા ગીતાબેન સહિતનાઓ સાથે ઘરે હતો. ત્યારે નેહાના કૌટુંબિક કાકા મહિપતભાઇ ડાંગર, રામદેવભાઇ ડાંગર અને એક અજાણ્યો શખ્સ તલવાર સાથે ઘરે ધસી આવ્યા હતા. ઘરમાં ઘૂસેલા આ ત્રણેય શખ્સે ઘરના દરવાજા પર તલવારના ઘા ફટકારી હોબાળો મચાવ્યો હતો. અને દરવાજો ખોલતા જ નેહાના કાકાએ ગાળો ભાંડી નેહાને સાથે લઇ જવાની વાત કરી હતી. એટલું જ નહીં માતા ગીતાબેન વચ્ચે પડતા નેહાના કાકાએ માતાને તમાચા ઝીંકી માર માર્યો હતો.

બાદમાં છોકરી પાછી આપી દો નહિ તો હજુ પણ માર મારીશું સહિતની ધમકીઓ આપી હતી. જો કે અંતમાં નેહાએ સાથે જવાની ના પાડતા ત્રણેય શખ્સ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ધોળે દિવસે આ યુવતીનાં પરિવારે ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો. તેમની આ હરકતથી આસપાસના લોકોમાં પણ ભયનું લખલખું ફરી વળ્યું હતું. હાલ આ સીસીટીવીનાં આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અને આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners