• રાજ્યમાં થોડા જ દિવસમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો વધી રહ્યા છે
  • મોડાસાના પ્રાંત અધિકારીએ મહિલા તાબે ન થતા ફોટો વાયરલ કરવાની અને મારી નાખવાની આપી ધમકી
  • મહિલાએ ફરિયાદ નોંધાવતા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મોડાસા પ્રાંત અધિકારીની આજે ધરપકડ કરાઈ
  • છેલ્લા એક વર્ષથી મહિલાના ખાનગી ફોટો પતિ અને સાસરિયાઓને મોકલતો હતો

WatchGujarat. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને કરવામાં આવી રહેલા દાવા હવે પોકળ સાબિત થતાં હોય એવું લાગી રહ્યું છે. તહેવારના સમયમાં જ રાજ્યમાં એક નહિં બે નહીં પણ અનેક દુષ્કર્મના ગુના નોંધાયા છે. ગમે તેટલા દાવા છતાં કુકર્મીઓ અટકવાનું નામ નથી લેતા. હવે સરકારી કચેરીમાં પણ મહિલા સુરક્ષિત નહિ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આજે અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રાંત અધિકારીની પરિણીતાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. મોડાસાના ડેપ્યુટી કલેક્ટર વિરૂદ્ધ પરિણીતા દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છેલ્લા એક વર્ષથી મહિલાને કરતો હતો પરેશાન

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આજે અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમ મોડાસા પહોંચી હતી. જ્યાં મોડાસાના ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલની ધરપકડ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી મંયક પટેલ પર એક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પીડિતાએ જણાવ્યા મુજબ, અધિકારી મયંક પટેલ અને મહિલા ઘણા સમય પહેલા કોઈ કારણોસર પરિચયમાં આવ્યાં હતાં. પરિચયમાં આવ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલ પીડિતાને વારંવાર પરેશાન કરતો હતો. એટલું જ નહીં મહિલા તથા તેના પરિજનને સોશિયલ મીડિયા પર બિભસ્ત ફોટા અને મેસેજ મોકલી હેરાન કરતો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મહિલા તાબે ન આવતા અધિકારી દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે મયંક પટેલ છેલ્લા એક વર્ષથી મહિલાને સતત પરેશાન કરતો હતો.

મહિલાના ખાનગી ફોટો પતિ અને સાસરિયાઓને મોકલતો હતો

આ બનાવમાં મહિલા પરણીત હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણીતાને હેરાન કરતા અધિકારી મયંક પટેલે પીડિતાના ખાનગી ફોટો તેના પતિ અને સાસરિયાઓને પણ મોકલ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. પીડિયાએ જણાવ્યું છે કે આરોપી તેના માતા-પિતાને પણ માનસિક ત્રાસ આપતો હતો. જાણવા મળી રહ્યું છે કે મહિલા મોડાસાની સરકારી કર્મચારી હતી. આ મામલે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા પુરાવા એકઠા કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમજ અધિકારી પીડિતા સિવાય અન્ય મહિલા કર્મચારીને પરેશાન કરતો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે. આ મામલે આરોપીની સઘન પૂછપરછ બાદ જ હકિકત સામે આવશે.

પ્રાંત અધિકારી મયંક પટેલની હેરાનગતીથી કંટાળીને આખરે મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આજે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા આરોપી મયંક પટેલને મોડાસાના સ્થાનિક પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં નોંધ કર્યા બાદ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. નોંધનીય છે તે આરોપી સામે સાયબર બુલીંગ, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે સાયબર ક્રાઈમની ટીમને મોબાઈલમાંથી મહિલાના બિભસ્ત ફોટો સહિતના પુરાવા હાથે લાગ્યા છે. જોકે પ્રાથમિક તપાસમાં ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલ એકતરફી પ્રેમમાં પરિણીતાને પરેશાન કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં આ અંગે હજી અન્ય વિગતો સામે આવી શકે છે. સાથે આરોપીના ફોનમાંથી પણ અનેક ખુલાસા થઈ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud