• રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યના 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ
  • એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડશે
  • અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેશે, મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની ઝપેટમાં
  • 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું તાપમાન નોંધાયું

WatchGujarat. કમોસમી માવઠા બાદથી રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં થોડા દિવસો થી ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધુ નીચે રહેવાની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યના 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ગઈકાલે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી ગગડીને 23.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી ગગડીને 6.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાયા હતા, આ સાથે કમોસમી માવઠાની અસર પણ જોવા મળી હતી. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં સામાન્ય વરસાદી નોંધાયો હતો. કમોસમી માવઠાની સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ફરી જોવા મળ્યું છે. ત્યારે આાગમી દિવસોમાં પણ કડકડતી ઠંડીનો લોકોને સામનો કરવો પડશે.

Facebook Comments Box

Videos

Our Partners