• રાજકોટ જિલ્લામાં કુપોષણની ધીમી કામગીરી, 3803 કુપોષિતમાંથી માત્ર 237 બાળક એક વર્ષમાં પોષિત થયા
 • સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર, જસદણ, ગોંડલમાં અને સૌથી ઓછા જામકંડોરણા અને વીંછિયા તાલુકામાં નોંધાયા
 • દર વર્ષે સરકાર કરોડોનો ખર્ચ કરે છે છતાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઓછો ઘટાડો

WatchGujarat. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય તરીકેની દેશભરમાં ઓળખ આપવામાં આવી રહી છે. પરંતુ રાજકોટ જિલ્લામાં કુપોષણના સામે આવેલા આંકડા પરથી આ દાવો ખોટો પુરવાર થતો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સિહત ભારતભરમાં કુપોષણનું દર ઓછું કરવા માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છતાં ગુજરાતમાં કુપોષણનું દર વધતું જાય છે. રાજકોટ જિલ્લામાં જ ડિસેમ્બર 2020ના અંત સુધીમાં 3803 કુપોષિત બાળક નોંધાયા હતા, જ્યારે માત્ર 237 બાળક પોષિત થતા ડિસેમ્બર 2021ના અંત સુધીમાં 3689 બાળક કુપોષિત નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કુપોષણને દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ તેની ધીમી કામગીરીને કારણે હજી કુપોષણને દૂર કરવામાં સફળતા મળી નથી. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ વર્ષે લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્રની ક્યાંક ઊણપને લઈ કુપોષણનું દૂષણ ટળવાનું નામ લેતું નથી.

મીડિયા અહેવાલ અનુસાર રાજકોટ ગ્રામ્યના તાલુકાઓમાં વર્ષ 2020ના અંતમાં કુલ 3803 બાળક કુપોષિત નોંધાયા હતા. જે વર્ષ 2021ના જાન્યુઆરી માસના અંત સુધીમાં અન્ય ગ્રેડમાં સ્થળાંતર થતા કે કેટલાક બાળકો કમી થતા આંક 3786 પર પહોંચ્યો હતો. પરંતુ વર્ષ 2021 દરમિયાન ફરી કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતા વર્ષ 2021ના ડિસેમ્બર માસના અંત સુધીમાં 3566 બાળક નોંધાયા હતા. નોંધનનીય છે કે વર્ષ 2021 દરમિયાન કુલ 237 બાળક જ પોષિત થયા હોવાનું નોંધાયું છે. જ્યારે રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 12 ઘટકોમાં સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર તાલુકામાં 639 ત્યારબાદ જસદણ તાલુકામાં 555 અને ત્યારબાદ ગોંડલમાં 464 નોંધાયા છે.

ડિસેમ્બર 2021માં તાલુકા પ્રમાણે કુપોષિત બાળકોની સંખ્યા

 • લોધિકા – 214
 • જસદણ – 555
 • રાજકોટ ગ્રામ્ય – 254
 • જામકંડોરણા – 181
 • પડધરી – 194
 • ઉપલેટા – 200
 • ગોંડલ – 464
 • જેતપુર – 639
 • ધોરાજી – 293
 • કોટડાસાંગણી – 390
 • વીંછિયા – 150

કેવી રીતે નક્કી થાય છે કુપોષિત બાળકોની સંખ્યા

તમને જણાવી દઈએ કે જરૂરી પોષકતત્ત્વો તથા લોહીની ઊણપ રહી ગયેલા બાળકોનો જન્મ થતા તેમને કુપોષિતની વ્યાખ્યામાં સમાવવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જેના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણો

મહત્વનું છે કે સરકાર દ્વારા દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. જેમાં કુપોષિત બાળકોનો જન્મ થતા બાળકોને સરકાર તરફથી ટેક હોમ રાશન (ટીએચઆર ) પાઉડર આપવામાં આવે છે, જેનો ઉપયોગ સુખડી, શીરો કે રોટલીમાં નાખી બાળકોને ભોજનમાં આપવામાં આવે છે. રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્ર અને અન્ય માધ્મથી 6 માસથી 3 વર્ષના બાળકોને આ પાઉડર ઘરે આપવામાં આવે છે. ઉપરાંત બાળકો સાથે, સગર્ભા બહેનો, ધાત્રી માતાને પણ આ પાઉડર આપવામાં આવે છે. સામાન્ય બાળકોને 7 પેકેટ, કુપોષિત બાળકોને દર મહિને 10 પેકેટ તથા ધાત્રી માતા, સગર્ભાને 4 પેકેટ આપવામાં આવે છે. છતાં એક વર્ષે 237 જેટલા જ બાળકો પોષિત થાય છે. રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ વર્ષે લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કુપોષિતની સંખ્યામાં ઓછો ઘટાડો થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા તંત્ર હવે સંવેદનશીલ બને તે જરૂરી છે. આ સાથે કુપોષણ અંગે લોકોમાં પણ જાગૃતી લાવવી જરૂરી છે. કારણે કે અપૂરતી માહિતીના અભાવે તેઓ સરકાર દ્વારા આપવામાં આવતા ટીએચઆર પાવડરનુ પણ સેવન કરતાં નથી. જેના કારણે જ બાળકોમાં કૂપોષણનું પ્રમાણ વધતું જાય છે.

Facebook Comments Box

Videos

Our Partners