• સાંતલપુર તાલુકાના ખેડૂત પુત્ર નવીન આહીરે સમગ્ર ગુજરાતમાં 16માં રેન્ક સાથે GPSC પરીક્ષા પાસ કરી
  • નવીને કોચિંગ ક્લાસ વિના 7 પરીક્ષાઓ પાસ કરી, આજે DYSP બનવાની સફળતા પ્રાપ્ત કરી
  • તેના પિતાજી મીઠું પકવી ઘરનું ગુજરાન ચલાવતા હતા, પુત્ર DYSP બનતા પરિવારમાં ખુશીનો માહોલ
  • પિતાની ઈચ્છા હતી કે હું મોટો અધિકારી બનું અને એ મહત્વકાંક્ષાને લઈને તનતોડ મહેનતથી આ સફળતા હાંસલ કરી- નવીન આહીર

WatchGujarat. માણસ ઈચ્છે તો તનતોડ મહેનતથી હિમાલયના શિખરો પણ સર કરી છે, માત્ર મન મક્કમ હોવું જોઈએ. આજે સાંતલપુર તાલુકાના એક ખેડૂત પુત્રે આ વાત સાચી કરી બતાવી છે. 25 વર્ષના ખેડૂત પુત્ર નવીન આહીરે તનતોડ મહેનતથી કોઈ જ કોચિંગ ક્લાસ વિના GPSC પરીક્ષા પાસ કરી સમગ્ર ગુજરાતમાં 16માં રેન્કમાં આવી DYSP બનવાની સફળતા પ્રાપ્ત કરી છે. જેને લઈને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પિતા મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા

સાંતલપુર તાલુકામાં આવેલા વૌવા ગામના વતની નવીન આહીરે સમગ્ર ગુજરાતમાં 16 રેન્ક લાવી GPSC ની પરીક્ષા પાસ કરી છે. ખેડૂત પુત્ર નવીન આહીરના DYSP બનવા સુધીની સફળતાની કહાણી યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. 25 વર્ષની ઉંમરે સફળતાના શિખરો સર કરનાર નવીન આહીરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમના પિતાજી મીઠું પકવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમજ કચ્છમાં વાડીઓમાં પણ ખેતી અને મજૂરી કામ કરતા હતા. જેના કારણે નવીનને અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરવો પડ્યો હતો.

નવીને જણાવ્યું કે, મારા પિતાની ઈચ્છા હતી કે છોકરો મોટો અધિકારી બને. તેમની આજ ઈચ્છા અને મહત્વકાંક્ષાને લઈને તનતોડ મહેનત શરૂ કરી અને આજે સફળતા મેળવી છે. નવીન આહીરે વર્ષ 2017માં કોઈ જ કોચિંગ ક્લાસ લીધા વિના જ તલાટીની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ PI ની પરીક્ષાઓ પાસ કરી નવીન આહીર ક્લાસ-2 અધિકારી બન્યો હતો. જે બાદ GPSC પાસ કરવા મહેનત શરૂ કરી હતી અને GPSCની પરીક્ષામાં ગુજરાતમાં 16મો રેન્ક મેળવી DYSP તરીકેની પરીક્ષામાં સફળતા મેળવી હતી. ખેડૂત પુત્ર નવીન આહીર આજે DYSP બનતા તેમના પરિવાર, વૌવા ગામ સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners