• ઔધોગિક શહેર ગાંધીધામમાં ગંભીર અકસ્માત સર્જાયો, મુસાફરો સાથેની છકડોરિક્ષા ટ્રકની નીચે દબાઈ ગઈ
  • ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું દર્દનાક મોત, રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • કુલ કેટલા લોકો રિક્ષામાં સવાર હતા એની તપાસ ચાલુ, જેસીબી વડે ટ્રકને ઉપાડી રિક્ષામાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા

WatchGujarat. ગાંધીધામમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારે ટ્રક મુસાફરો સાથેની રિક્ષા પર ફરી વળતાં એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મીડિયા અહેવાલ મુજબ આજે સવારે 11.30 વાગ્યાની આસપાસ ગાંધીધામ શહેરથી ઝોન તરફ આગળ જતી રિક્ષા ઉપર પાછળથી આવતી ટ્રક ચડી ગઈ હતી. અને મુસાફરો સાથેની રિક્ષા ટ્રક તળે દબાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ભારે ઈજાઓ પહોંચી છે. શહેરના કાર્ગો માર્ગ પર આવેલી બાપા સીતારામ મઢી પાસે સર્જાયેલા આ અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ જમા થઈ જવા પામી હતી.

આ અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઇ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 40 વર્ષીય રિક્ષાચાલક અનવર આમદ કુંભારને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતને પગલે સ્થળ પર લોકોની ભારે બીડ એકઠી થઈ હતી. જોકે અકસ્માતમાં ઘાયલ લોકોને ઉપસ્થિત લોકોએ જેસીબીની મદદ વડે બહાર લાવી 108 એમ્બ્યુલન્સ મારફત ઈલાજ માટે ખસેડાયા છે. પરંતુ હજુ સુધી ઘાયલોનો કુલ આંકડો સામે આવ્યો નથી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા કુલ કેટલા લોકો રિક્ષામાં સવાર હતા એની તપાસ શરૂ કરાઇ છે.

Facebook Comments Box

Videos

Our Partners