• દેશના 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરાયા
  • ગુજરાતની સ્કેટિંગ ગર્લ અને સ્વીમર બોય પણ રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત
  • પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિજેતા બાળકો સાથે વાતચીત કરી
  • દેશના જુદા-જુદા રાજ્યોના અસાધારણ ક્ષમતાઓ ધરાવતા બાળકોને પીએમ મોદી દ્વારા સન્માનિત કરાયા

WatchGujarat. આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશના 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021 થઈ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુરસ્કાર મેળવનારા 32 બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકોમાં ગુજરાતના પણ બે બાળકોને સન્માનિત કરાયા છે. જેમાં અમદાવાદની ખુશી પટેલ અને રાજકોટના મંત્ર હરખાણીને પુરસ્કાર મળ્યું છે. પુરસ્કાર મેળવનારા બે બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મહત્વનું છે કે રાષ્ટ્રીય બાળ પુરસ્કારનું સન્માન પ્રધાનમંત્રી મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અપાયું છે. ગુજરાતના બે બાળકોમાં એક અમદાવાદની ખુશી પટેલે રાષ્ટ્રીય સ્તરે સ્કેટિંગમાં નામ રોશન કર્યું છે. તથા બીજા રાજકોટના મંત્ર જીતેન્દ્ર હરખાણીએ સ્પે. કેટેગરી સ્વિમિંગમાં દેશમાં એક માત્ર 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે આ બાળ પુરસ્કાર એવાં બાળકોને આપવામાં આવે છે, જે અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હોય અથવા જેમને ઈનોવેશન, એકેડેમિક્સ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સોશિયલ સર્વિસ, બહાદુરી સહિત અન્ય ક્ષેત્રોમાં વિશેષ ઓળખ મળી હોય.

પ્રધાનમંત્રી મોદીએ પુરસ્કાર મેળવનાર તમામ 32 બાળકો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકો તમે જે કામ કર્યું છે.. આપને જે પુરસ્કાર મળ્યા છે તે એટલા માટે પણ ખાસ છે કે આપે આ કામ કોરોના કાળમાં કર્યું છે. આટલી નાની ઉંમરમાં પણ આપનું આ કામ આશ્ચર્યમાં મૂકનારું છે.

ગુજરાતની સ્કેટિંગ ગર્લ ખુશી પટેલ વર્ષ 2010થી જ સતત સ્ટેટ ચેમ્પિયન રહી છે

ગુજરાતની સ્કેટિંગ ગર્લ તરીકે ખ્યાતિ પામનાર ખુશી પટેલ વર્ષ 2010થી સ્કેટિંગમાં સતત સ્ટેટ ચેમ્પિયન રહી છે. તેણીએ માત્ર 13 વર્ષની ઉંમરે વર્ષ 2016માં ચીનના લિશુઈ ખાતે યોજાયેલી 17મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમા ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખુશીએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ 3 ગોલ્ડ મેડલ અંકે કરીને ઈતિહાસ સર્જી દીધો હતો. જે વુમન સ્કેટિંગ ક્ષેત્રે એક અભૂતપૂર્વ ઘટના છે. વર્ષ 2018માં દક્ષિમ કોરિયાના નામવૉનમાં યોજાયેલી 18મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં મોકલાયેલી ટીમ ઈન્ડિયાનો પણ ખુશી હિસ્સો રહી હતી. તે અંડર 19 એઈજ ગ્રુપમાં સૌથી નાની વયની સ્પર્ધક હતી.

ગુજરાતનો સ્વીમર બોય ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે

બાળ પ્રતિભા પુરસ્કાર મેળવનાર રાજકોટનો મંત્ર જીતેન્દ્ર હરખાણી ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે. આમ છતાં 2021નો વિજેતા રાજકોટનો મંત્ર જીતેન્દ્ર હરખાણી છે. તથા તેણે સ્પે. કેટેગરી સ્વિમિંગમાં દેશમાં એક માત્ર 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે. જેમાં આજે તેને સર્ટિફિકેટ મેડલ અને એક લાખ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તથા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેની સાથે ઓનલાઈન વાતચીત કરવામાં આવી છે. ગુજરાતના આ બંન્ને બાળકોએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners