• વાઘોડિયા તાલુકામાં નર્મદા નહેરમાં ઝંપલાવી બે પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
  • મૃતક યુવક-યુવતી મૂળ પંચમહાલના હાલોલના વતની હોવાનું સામે આવ્યું
  • યુવકના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થઈ જતાં પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું
  • ઘટનાની જાણ થતાં જરોદ આઉટ પોસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી, યુવકની મોટરસાયકલ સ્થળ પરથી કબજે કરાઈ

WatchGujarat. વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે બે પ્રેમી પંખીડાએ નહેરમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ત્યારે જરોદ આઉટ પોસ્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતની મોટરસાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગતરોજ જરોદ આઉટ પોસ્ટ પોલીસને રાજપૂરા ગામ પાસે નર્મદા નહેરમાં એક પ્રેમી યુગલે ઝંપલાવ્યા હોવાની ફોન પર માહિતી મળી હતી. જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક દિલીપભાઈ રાઠવા અને યુવતીનું નામ ઉર્મિલા રાઠવા હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપભાઈ ધનાભાઈ રાઠવા (ઉ.વ.19) પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતો હતો. જ્યાં તેના જ ફળિયામાં ઉર્મિલા છેલસિંગ રાઠવા (ઉ.વ.18) રહેતી હતી. સમય જતાં દિલીપ અને ઉર્મીલા વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

જોકે આ વાતથી અજાણ દિલીપના પરીવારજનોએ તેના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કર્યા હતા. દિલીપના લગ્ન આગામી 7 એપ્રિલના રોજ નિર્ધારીત કરવામાં આવ્યા હતા. જેથી દિલીપના પરીવાજનો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ઉલ્લેખનીય છે કે દિલીપના લગ્નની કંકોત્રીઓનું વિતરણ ચાલી રહ્યું હતું તે દરમિયાન દિલીપ પોતાની પ્રેમિકા ઉર્મિલા સાથે મોટરસાયકલ લઈને ભાગી ગયા હતાં. આ વાતની જાણ પરિવારજનોને થતાં તેઓએ બન્નેની શોધખોળ શરૂ કરી હતી.

મહત્વનું છે કે દિલીપ પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયા તાલુકાના જરોદ નજીક આવેલ રાજપૂરા ગામ પાસે પહોંચ્યા હતા. જ્યાં ગામના પાદર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં દિલીપ અને ઉર્મિલાએ પડતું મૂકતા બન્નેનું મોત નિપજ્યું છે. નહેરમાં કોઈએ ઝંપલાવ્યાની જાણ થતાં સ્થાનિકોના ટોળા ભેગા થયા હતા. આ વિશે જરોદ આઉટ પોસ્ટ પોલીસને જાણ થતાં કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી મૃતક દિપીલની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબ્જે કરી છે. આ મામલો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners