• સુરતમાં ગઠીયાઓએ કલામંદિર જવેલર્સમાં ખોટા સોનાના બિસ્કીટ પધરાવી રૂ. 2 લાખની ખરા સોનાની ચેન ખરીદી
  • જે તે સમયે કોઈ ફરિયાદ કરાઈ ન હતી, સ્ટાફ તથા સિક્યુરીટીને બંને ઈસમો ફરી દેખાય તો જાણ કરવાની વાત કરી હતી
  • ગત રોજ બંને ગઠિયા પુનઃ ખરીદી કરવા આવતા પોલીસે ઝડપી પાડ્યા
  • આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

WatchGujarat. ઘોડદોડ રોડ પર આવેલા કલામંદિર જવેલર્સમાં સેલવાસના બે ઈસમો ખોટા સોનાના બિસ્કીટ વેચાણથી આપી તેના બદલામાં જવેલર્સમાંથી ૨.૦૫ લાખની સોનાની ચેઈનની ખરીદી કરી ફરાર થઇ ગયા હતા. જેથી આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

સુરતના ઘોડદોડ રોડ પર કલામંદિર જવેલર્સ આવેલુ છે. અહી ગત ૪-૧૧-૨૦૨૧ના રોજ સેલવાસ ખાતે આવેલી પ્રમુખ નક્ષત્ર સોસાયટીમાં રહેતા ગોટુલાલ પ્રભુજી ગુર્જર અને કીશનલાલ છગનલાલ ગુર્જર નામના બે વ્યક્તિઓ આવ્યા હતા. જે બાદમાં ત્યાં કામ કરતા લોકોને વિશ્વાસમાં લઈને ખોટા સોનાના ૪ નંગ બિસ્કીટ વેચાણથી આપ્યા હતા. અને તેના બદલામાં જવેલર્સમાંથી ૨.૦૫ લાખની કિંમતની સોનાની ૨૨ કેરેટની ચેઈન ખરીદી લીધી હતી. જો કે બંને ઈસમોએ આપેલા સોનાના બિસ્કીટ ખોટા હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ જે તે સમયે કોઈ ફરિયાદ કરાઈ ન હતી. અને સ્ટાફ તથા સિક્યુરીટીને બંને ઈસમોનો વિડીયો બનાવીને બતાવવામાં આવ્યો હતો. અને બંને ઈસમો ફરી દેખાય તો જાણ કરવાની વાત કરી હતી.

દરમિયાનમાં ગત રોજ બંને ગઠિયા પુનઃ ખરીદી કરવા આવ્યા હતા. સોનાના બિસ્કીટના બદલામાં દાગીના ખરીદવાની વાત કરી હતી. પરંતુ જ્વેલર્સના સ્ટાફે બંને ગઠિયાને વાતમાં રાખી તુરંત જ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસ ઘસી ગઇ હતી. આ બનાવ અંગે જવેલર્સમાં કામ કરતા રાજેન્દ્રસિહ બાબુસિંહ રાજપુરોહિતએ ઉમરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે. તેમજ  પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં માત્ર કલામંદિર જ્વેલર્સમાં જ નહીં પરંતુ કોસંબા, ભરૂચ અને વાપીના જ્વેલર્સને ત્યાં પણ કરતબ અજમાવ્યાની કબૂલાત કરી છે. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud