• અમદાવાદની ઉષા કપૂરે મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ પોતાના નામે કર્યો
  • અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ “વર્લ્ડક્લાસ બ્યુટી ક્વીન્સ મેગેઝીન “માં ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો
  • માત્ર 54 મહિલાની ફાઈનલમાં પસંદગી કરાઈ, જેમાં અમદાવાદની ઉષા કપૂરે બાજી મારી
  • 25 હજારથી વધુ મહિલાઓને પરંપરાગત હર્બલ પ્રોડક્ટમાંથી તાલીમ આપી આત્મનિર્ભર બનાવી છે

ડિમ્પલ વસોયા.45 વર્ષે તો મોટાભાગે મહિલાઓ બાળકો અને પરિવારોમાંથી મુક્ત થઇ જતા હોય છે એટલે વિચારે કે હવે જીવનમાં આરામ કરવાનો સમય છે. સામાજિક જવાબદારીમાં પોતાના સપનાઓ કેટલાય પાછળ છુટી ગયા હોય છે જ્યાંરે સપના પૂરા કરવાનો સમય આવે ત્યારે વિચારે હવે ઉંમર નથી. આવુ વિચારતી તમામ મહિલાઓ માટે અમદાવાદના ઉષા કપૂરે એક સચોટ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. મહિલા ધારે તે કરી શકે. એના માટે ઉંમર કે પરિસ્થિતિ ગમે તેવી હોય જો મન મક્કમ હોય તો તમને ગમતી દુનિયાની કોઇ પણ સિદ્ધી તમારા હાથમાં હોય છે. આવુ જ સાબિત કરી બતાવ્યુ છે ઉષાબહેને. તેમના કામની અમેરિકાના મેગેઝીને પણ નોંધ લેવી પડી.

વાત છે અમદાવાદનાં ઉષા કપૂરની. જેમણે મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન-2021માં મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ પોતાના શિરે લીધો છે. ઓડિસિયસ એટલે ખૂબ સાહસ લેનાર વ્યક્તિ. આ સ્પર્ધામાં ભારતના વિવિધ રાજ્યોની લગભગ 1,200 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર 54 મહિલાની ફાઈનલમાં પસંદગી કરાઈ હતી. તેમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, ક્વેશ્ચન-આન્સર જેવા ઘણાં રાઉન્ડમાંથી પસાર થયા પછી તેમણે આ ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ફર્સ્ટ જનરેશન ઉદ્યમી ઉષા કપૂર ખુબજ ડાયનેમિક અને પોઝિટિવ વિચાર સરણી ધરાવતા વ્યક્તિ છે. અને અપકેપ બ્યુટી પ્રોડક્ટ્સ નામની સફળ કંપનીના ફાઉન્ટર છે.

મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2021 કોન્ટેસ્ટ દિલ્હીમાં યોજાઇ હતી. આ કોન્ટેસ્ટની એક વિજેતા અમદાવાદની સાહસિક મહિલા મિસિસ ઉષા પરેશ કપૂરનો ઇન્ટરવ્યુ અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ
“વર્લ્ડક્લાસ બ્યુટી ક્વીન્સ મેગેઝીન “માં પ્રકાશિત થયો છે. આ મેગેઝીનના ઓનર, એડિટર, અને મોડેલ ડેરેક ટોકરઝેવ્સકી એ ઉષા કપૂરથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ડેરેક ટોકરઝેવ્સકી શિકાગો અમેરિકામાં ખૂબ જ જાણીતા એડ્ટર છે લગભગ 60 જેટલા વિવિધ મેગેઝીનનું સફળતા પૂર્વક સંપાદન કરે છે.

આ અંગે WatchGujarat.comની ટીમ સાથે વાત કરતા ઉષા કપૂરે જણાવ્યુ હતુ કે મારા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે મેગેઝીનના એડીટરે મારી કામની ખૂબ જ પ્રશંસા કરી મારો ઇન્ટરવ્યુ પ્રકાશિત કરી મારુ ગૌરવ વધાર્યુ છે. આ ઇન્ટરવ્યુ પ્રકાશિત થયા પછી લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થાઇલેન્ડથી એક ઓફર છે, જે મારી જર્ની પ્રકાશિત કરવા માંગે છે.

2003થી આ ક્ષેત્રમાં સંકળાયેલા ઉષાબહેનને 18 વર્ષનો બહોળો અનુભવ છે. ઉષાબહેન આ શાનદાર કાર્યથી ગુજરાત ગર્વમેન્ટના G.L.P.C અને G.S.D.M સાથે જોડાયેલા છે. સાથે જ તેઓ અસંખ્ય સામાજીક પ્રવૃત્તિ કરતા સંગઠનોમાં સક્રિય રસ લઇને પોતાનુ સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવી રહ્યા છે.

આપણા ઘડવૈયા આપણે જ છીએ તેવુ તટસ્થ પણે માનનાર ઉષા કપૂરે અત્યાર સુધીમાં 25 હજારથી વધુ મહિલાઓને પરંપરાગત હર્બલ પ્રોડક્ટમાંથી તાલીમ આપી આત્મનિર્ભર બનાવી છે. તેમના કાર્યના કારણે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ તેમની સાથે એમઓયુ પણ સાઈન કરેલ છે. અને તેમને સખી મંડળ દ્વારા બહેનોને સ્વનિર્ભર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે.

દુનિયાના 16 દેશોમાં ફરેલા ઉષા કપૂર માને છે કે આપણુ કામ આપણે જાતે જ કરવાનું છે. તમે જો કોઈનું સારું કરશો તો તમારું પણ સારું થશે. ગિવર્સ ગેઇન સિદ્ધાંત તેમને જીવનમાં અમલ કરેલ છે. તેઓ મહિલા સશક્તિકરણનું અદભુત ઉદાહરણ છે. આ સાથે દરેક સ્ત્રી પોતાનો નિર્ણય લેતા શીખવું જોઈએ તેવું તે ચોક્કસપણે માને છે. ઉષા કપૂર તેમની ધંધાકીય જવાબદારી સાથે પોતાના કૌટુંબિક જવાબદારીનું સંતુલન બહુજ સારી રીતે કર્યું છે.

સોશ્યિલ મિડીયાના જમાનામાં કોઇ પણ પ્રકારનો પ્રચાર કર્યા વિના માત્ર અથાગ મહેનત કરીને સિદ્ધી હાંસલ કરનાર ઉષા બહેન છેલ્લા 1 વર્ષથી વોટ્સઅપનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે મને ખોટો દેખાડો કરવામાં જરા પણ રસ નથી. બીજાને મદદ કઇ રીતે બની શકુ એ જ મારો ઉદ્દેશ્ય છે.

ઉષા બહેને જણાવ્યુ હતુ કે છોડી દેનાર માણસમાં હુ નથી. કાચબાની ગતિએ ધીરે ધીરે ચાલવામાં જ માનુ છુ. તેઓ આદર્શ અમદાવાદ, સદવિચાર પરિવાર, એરફોર્સ એસોસિએશન તથા અંધજન મંડળ સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. ઉષા કપૂરે વ્યાવસાયિક જવાબદારી સાથે કૌટુંબિક જવાબદારીનું ખૂબ સારી રીતે સંતુલન કર્યું છે. તેમના સંયુક્ત પરિવારમાં 18 સભ્યો છે. તેમના પતિ પરેશ કપૂર સફળ ઉદ્યોગસાહસિક છે અને પુત્ર ઇંગ્લેન્ડની હલ યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે.

Facebook Comments Box

Videos

Our Partners