• વેક્સિન ખૂટી પડતા શાળાઓમાં વેક્સિનેશન કામગીરીને બ્રેક લાગી
  • તમામ શાળાઓમાં વેક્સિનેશન કામગીરી બંધ
  • સોમવારથી વેક્સિનેશન શરૂ થાય તેવી શક્યતા

Watchgujarat.સુરતમાં 15થી 18 વર્ષની વયના કિશોરોને મૂકવામાં આવતી કોવેક્સીન વેક્સિન ખૂટી પડતા શાળાઓમાં વેક્સિનેશન કામગીરીને બ્રેક લાગી ગઇ છે. આજે કેટલીક શાળાઓમાં પાલિકાની ટીમ પહોંચી શકી નહોતી. આવતીકાલે તમામ શાળાઓમાં વેક્સિનેશન કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પાલિકાએ 15થી18 વર્ષની વયના 1.92 લાખ કિશોરને વેક્સિન મૂકવા સોમવારથી અભિયાન શરૂ કર્યું છે .આ અભિયાન અંતર્ગત ચાર દિવસમાં 1.27 લાખ કિશોરને રસી મૂકવામાં આવી છે. દરેક શાળમાં વેક્સિનેશન ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ સામે ચાલીને રસીકરણ ઝુંબેશમાં ભાગ લેતા પાલિકાએ ચાર જ દિવસમાં 1.27 લાખ કિશોરને રસી મૂકી દીધી છે.

રાજ્ય સરકારે કિશોરોને રસી મૂકવા માટે પાલિકાને એક લાખ ડોઝની ફાળવણી કરી હતી. આજ રોજ રસીનો ડોઝ પૂરો થઇ જતા કેટલીક શાળાઓમાં રસીકરણ કામગીરી અટકાવવી પડી હતી. બપોર પછીના સેશનમાં કેટલીક શાળાઓમાં વેક્સિનેશન કામગીરી થઇ શકી ન હોતી. રાજ્ય સરકારે એક થી બે દિવસમાં કોવેક્સિનનો જથ્થો ફાળવવાની ખાતરી આપી છે. કોવેક્સિન વેક્સિનનો જથ્થો હૈદરાબાદથી સુરત આવે ત્યારબાદ કિશોરને વેક્સિનેશન કામગીરી શરૂ કરી શકાશે. સંભવત: સોમવારથી શાળાઓમાં વેક્સિનેશન કામગીરી ફરી હાથ ધરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ શહેરના 39032 કિશોરને રસી મૂકવામાં આવી હતી. પાલિકાની ટીમે શાળાઓમાં જઇને 15થી 18 વર્ષની વયના કિશોરને રસી મૂકી હતી. આજ રોજ વરાછા ઝોનમાં 6046, સરથાણા ઝોનમાં 5991, કતારગામ ઝોનમાં 6422, લિંબાયત ઝોનમાં 4734, ઉધના ઝોનમાં 4419, અઠવા ઝોનમાં 5250 તથા સેન્ટ્રલ ઝોનમાં 1917 કિશોરને રસી મૂકવામાં આવી હતી. દરમિયાન આવતીકાલે કોવિશિલ્ડ વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. શહેરના 84થી વધુ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે કોવીશિલ્ડ રસીકરણની કામગીરી યથાવત રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud