• આણંદ શહેરના 80 ફુટના રોડ પર આવેલી સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતા જતીન મહેશભાઈ પટેલની જૈમન એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે
  • એક વર્ષ પહેલા કોરોનાની બીજી લહેર દરમિયાન નકલી રેમડેસિવિરના વેપલામાં જતીન મહેશ પટેલની વડોદરા પોલીસે ધરપકડ કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો
  • જતીન જેલમાં હતો તે દરમિયાન કોર્ટમાંથી જામીન મળતાં ન હતાં
  • જેલમાંથી જ કોઈએ તેને આશીષ પ્રબોધ શાહ સારા વકીલોના સંપર્કમાં છે અને તે જામીનની વ્યવસ્થા કરી આપશે, તેવી વાત જાણવા મળી
  • આશીષ શાહે જામીનના બદલામાં પેરોલ પર છોડાવી દેવાની વાત કરી હતી. જે પેટે રૂ. અઢી લાખ નક્કી કર્યાં

WatchGujarat. આણંદ શહેરના 80 ફુટના રોડ પર રહેતા અને કોરોના કાળ દરમિયાન રેમડેસિવિરના વેપલાના કૌભાંડમાં વડોદરા પોલીસે ધરપકડ કરેલા વેપારીને પેરોલ પર છોડાવવા અમદાવાદના ગઠિયાએ રૂ.અઢી લાખ પડાવી હાઈકોર્ટનો બોગસ ઓર્ડર આપી દીધો હતો. આ ઘટનામાં છેતરપિંડી થઇ હોવાનુ ખુલતા વેપારીએ આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ગઠિયાને પકડવા ચક્રોગતિમાન કર્યાં છે. જોકે, ગઠિયો પકડાઇ તો બોગસ ઓર્ડરનું મસમોટુ નેટવર્ક બહાર આવે તેવી શક્યતાં છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, આણંદ શહેરના 80 ફુટના રોડ પર આવેલી સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતા જતીન મહેશભાઈ પટેલની જૈમન એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે. એક વર્ષ પહેલા કોરોનાની બીજી લહેર દરમિયાન નકલી રેમડેસિવિરના વેપલામાં જતીન મહેશ પટેલની વડોદરા પોલીસે ધરપકડ કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો. જતીન જેલમાં હતો તે દરમિયાન કોર્ટમાંથી જામીન મળતાં નહોતાં.

આ દરમિયાન જેલમાંથી જ કોઈએ તેને આશીષ પ્રબોધ શાહ (રહે.દેવળ એપાર્ટમેન્ટ, વાસણા, અમદાવાદ)નું નામ આપ્યું હતું અને આ આશિષ શાહ સારા સારા વકીલોના સંપર્કમાં છે અને તે જામીનની વ્યવસ્થા કરી આપશે, તેવી વાત જાણવા મળી હતી. આથી, જતીને જેલના જ પીસીઓ બુથ પરથી આણંદ તેમના પિતા મહેશને ફોન કરી આશીષ શાહનો મોબાઇલ નંબર આપ્યો હતો અને જામીન બાબતે વાત કરી હતી.

આથી, મહેશભાઈએ ફોન કરી આશીષ શાહને જામીન અંગે વાત કરી હતી. જોકે, તે સમયે આશીષ શાહે જામીનના બદલામાં પેરોલ પર છોડાવી દેવાની વાત કરી હતી. જે પેટે રૂ. અઢી લાખ નક્કી કર્યાં હતાં. આ વાતચીત બાદ મહેશભાઈને વડોદરા કોર્ટમાં આશીષે બોલાવ્યાં હતાં. જ્યાં વાતચીત બાદ આણંદ આવીને રૂ. અઢી લાખ આશિષને પેરોલના કામ માટે આપ્યાં હતાં.

આ રકમ ચુકવ્યા બાદ 18મી નવેમ્બર,2021ના રોજ આશીષે સોશિયલ મીડિયા થકી ગુજરાત હાઈકોર્ટના હુકમની પીડીએફ ફાઇલ મોકલી આપી હતી. બાદમાં ફોન કરી મહેશભાઈને જાણ કરી કે, આપેલી પીડીએફની પ્રીન્ટ કાઢી જેલ પર જઇ આપી દેજો. જેથી તમારા દીકરાને પેરોલ પર મુક્ત કરશે. આથી, મહેશભાઈએ તુરંત પ્રીન્ટ કઢાવી વડોદરા મધ્યસ્થ જેલ પર પહોંચ્યાં હતાં. અલબત્ત, જેલ પર ફરજના અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી ગુજરાત હાઈકોર્ટમાંથી તેનો આ ઓર્ડર અંગેનો કોઇ મેઇલ આવ્યો નથી. જેથી મેઇલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરીશું. આથી, મહેશભાઈ પરત આવી હુકમ અંગે તપાસ કરતાં ગુજરાત હાઈકોર્ટનો હુકમ બનાવટી હોવાનું જાણવા મળતાં ચોંકી ગયાં હતાં. આશીષ શાહે તેની સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

અલબત્ત જતીન પટેલ 29મી ડિસેમ્બર 21ના રોજ જેલમાંથી મુક્ત થઇ ઘરે આવ્યો હતો. આ સમયે તેના પિતા મહેશભાઈએ આશિષ શાહે કરેલી છેતરપિંડી અંગે વાત કરી હતી. આથી, જતીન પટેલે આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં આશીષ શાહ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમારે સંભાળી છે.

વડોદરા જેલમાંથી બહાર આવ્યા બાદ જતીન પટેલના પિતાએ આશીષ શાહે રૂ.અઢી લાખ લઇને આપેલો ઓર્ડર બોગસ હોવાનું જણાવ્યું હતું. આમ છતાં જતીને હાઈકોર્ટની વેબસાઇટ તપાસી હતી. તેમાં પણ આશીષ શાહે આપેલો ઓર્ડરની કોઇ નોંધ જોવા મળી નહોતી.

Facebook Comments Box

Videos

Our Partners