• કલ્પેશ પટેલે ફરિયાદી ઉપેન્દ્ર શાહ પાસેથી રૂ. 25 લાખ ટુકડે ટુકડે રોકડેથી લીધા હતા
  • પૈસા પરત ચુકવણી કરવા માટે રૂ. 25 લાખને ચેક આપ્યો હતો, જે બાઉન્સ થતા મામલે કોર્ટમાં પહોંચ્યો હતો
  • આજે કોર્ટે કલ્પેશ પટેલને રૂ. 25 લાખના ચેક બાઉન્સ મામલે એક વર્ષની સજા ફટકારી છે, અને રૂપિયા જમા કરાવવા 60 દિવસનો સમય આપ્યો છે

WatchGujarat. વડોદરામાં ભાજપના માંજલપૂર વિસ્તારના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને રૂ. 25 લાખના ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની સજા ફટકારી છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ હવે ઠગ કોર્પોરેટર સામે શું પગલા લે છે તે જોવું રહ્યું.

વડોદરા શહેરના માંજલપૂર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર તરીકે કલ્પેશ પટેલ (હરિદર્શન, પુરૂષોત્તમનગર સોસાયટી, ભાથુજી મંદિર પાસે, માંજલપુર) ઉર્ફે જય રણછોડ ચૂંટાઇને આવ્યા છે. તેઓ દ્વારા ફરિયાદી ઉપેન્દ્ર શાહ પાસેથી ધંધાર્થે રૂ. 25 લાખ ટુકડે ટુકડે રોકડેથી લેવામાં આવ્યા હતા. જેની અવેજમાં રકમ પરત કરવા માટે ઉપેન્દ્ર શાહને રૂ. 25 લાખનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આજે કોર્ટે આ મામલે ચુકાદો આપતા કલ્પેશ પટેલને એક વર્ષની સજા ફટકારી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી ઉપેન્દ્ર જવાહરભાઇ શાહ (રહે. ભાવના પાર્ક સોસાયટી, અમીતનગર ની બાજુમાં, સમા-સાવલી રોડ) એ કોર્ટમાં કરેલી ફરિયાદ અનુસાર, તેઓ સગા નટવરલાલ છોટાલાલ મારફતે કલ્પેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા. કલ્પેશ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો. કલ્પેશ પટેલને પૈસાની જરૂરત થતા જાન્યુઆરી – 2016 માં નટવરલાલ શાહ મારફતે ઉપેન્દ્ર શાહ મારફતે મળી રૂ. 25 લાખ માંગ્યા હતા. અને જણાવ્યું હતું કે, નવો પ્રોજેક્ટ ચાલુ કરેલો છે. તે પ્રોજેક્ટ પુરો થતા રકમની ચુકવણી કરશે. તથા જે નફો થશે તેમાંથી નફો પણ આપવાનું જણાવ્યું હતું.

જે બાદ જાન્યુઆરી – 16 અને સપ્ટેમ્બર – 16 સુધી ઉપેન્દ્ર શાહે, કલ્પેશ પટેલના ટુકડે ટુકડે રૂ, 25 લાખ નટવરલાલ શાહની હાજરીમાં રોકડા આપ્યા હતા. આ રકમની ચુકવણી માટે કલ્પેશ પટેલે તેની ધી બરોડા સીટી  કો ઓપરેટીવ બેંકની માંજલપૂર શાખાનો રૂ. 25 લાખનો ચેક ઉપેન્દ્ર શાહનના નામનો તા. 25.02.18 નો આપ્યો હતો. ચેક પર સહિ કરી ચેકની પાછળ ચેકની રોકડ રકમ મળી છે તેમ લખી તેની નીચે સહિ કરી હતી. જો કે નિયત સમયે ચેક જમા કરાવતા તે બાઉન્સ થયો હતો. જે બાદ ઉપેન્દ્ર શાહે આ મામલે કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ઘા કરી હતી.

આ અંગે ઉપેન્દ્ર શાહના વકીલ જમીલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે કોર્ટે કલ્પેશ પટેલના રૂ. 25 લાખના ચેક બાઉન્સના કેસમાં ચુકાદો આપ્યો છે. જેમાં કલ્પેશ પટેલને એક વર્ષની સજા અને 60 દિવસમાં પૈસા ભરપાઇ કરવા જણાવાયું છે.

Facebook Comments Box

Videos

Our Partners