• મૂળ ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાના ઘોસી તાલુકાના માઉરભુજના રહેવાસી તથા હાલમાં સુરતના ડીંડોલી ખાતે રહેતા વિશાલ ગુપ્તાની પાસેથી 61 નોટો મળી આવી
  • વિશાલ ગુપ્તાની એક નોટ બજારમાં ઘૂસેડવાના 50 રૂપિયા કમિશનની શરતે સુરતના સુરેશ જયસ્વાલ પાસેથી 75 નોટો મેળવી હોવાની કબૂલાત

WatchGujarat. વડોદરાના સોમાતળાવ ચાર રસ્તા પાસે બજારમાં રૂપિયા 200ની બનાવટી નોટો ઘુસેડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતિય યુવાનનો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 200ની બનાવટી 61 નોટો કબ્જે કરી હતી. મૂળ ઉત્તરપ્રદેશના તથા હાલમાં સુરતની ડીંડોલી ખાતે રહેતા ઝડપાયેલા યુવાને આ નોટ સુરત સ્થિત સુરેશ જયસ્વાલે આપી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના સોમાતળાવ ચાર રસ્તા પાસે એક યુવાન બનાવટી ચલણી નોટો વટાવી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે વાડી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ વોચ ગોઠવી હતી. જેમાં એક યુવાનની અટકાયત કરીને પોલીસે પૂછપરછ કરતાં તે વિશાલ કુશ ગુપ્તા ( રહે. સંતોષીનગર, ડીંડોલી, સુરત. મૂળ વતની માઉરભુજ, તા, ઘોસી, જિલ્લો મઉ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યુ હતુ. પોલીસને તેની પાસેથી 61 નંગ રૂપિયા 200ની બનાવટી ચલણી નોટો મળી આવી હતી.

પોલીસે તાત્કાલીક એફએસએલના અધિકારીઓને બોલાવી લઇને તપાસ કરતાં તમામ ચલણી નોટો બનાવટી હોવાનું જણાઇ આવ્યુ હતુ. જેના પગલે પોલીસે વધુ પૂછપરછ કરતાં સુરતના ડીંડોલી વિસ્તારમાં જ રહેતા સુરેશ જયસ્વાલ નામની વ્યક્તિએ તેને આ બનાવટી નોટો આપી હોવાની કબૂલાત કરી હતી. રૂપિયા 200ના દરના કુલ 75 નોટ આપી હતી. જેમાં એક નોટ બજારમાં વટાવે તો તેને રૂપિયા 50 કમિશન પેટે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. પોલીસે તેની પાસેથી 61 નોટ મળી આવતાં તેણે અત્યાર સુધી 14 નોટ બજારમાં વટાવી હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. પોલીસે વિશાલ ગુપ્તા અને સુરેશ જયસ્વાલની સામે ગુનો દાખલ કરીને વિશાલની ધરપકડ કરી હતી. જ્યારે સુરેશ જયસ્વાલને વોન્ટેડ જાહેર કરીને તેની તપાસ શરૂ કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners