• બેરેકમાં બંધ થવાનું કહેતા કેદીઓએ પોલીસકર્મીઓ કર્યો હતો હુમલો 
  • હુમલા દરમિયાન પોલીસકર્મીની વર્દી પણ ફાટી ગઈ હતી
  • પોલીસકર્મીને કેદીઓએ આપી ધમકી, બહાર નીકળીને પતાવી દઇશુ 
  • સમગ્ર મામલે રાવપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં બપોરના જેલબંધી સમયે કેદીઓને બેરેકમાં બંધ થવાનું જણાવતા ઉશ્કેરાયેલા કાચા કામના ત્રણ કેદીઓએ બે પોલીસ કર્મીઓને ગડદાપાટુનો  માર મારી વર્દી ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ રાવપુરા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે કેદીઓ પર સરકારી કર્મચારી ઉપર હુમલો, મારામારી, ધાક-ધમકી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા શહેરની મધ્યસ્થ જેલના સહાયક રાજદીપ ગોહિલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ બપોરના સમયે જેલ બંધી કરવાની હોય ત્યારે અમલદાર જયેશભાઈ સુરેલા તથા સહાયક હિતેષભાઈ વસાવા એ યાર્ડ 12ના કેદીઓને બેરેકમાં બંધ થવાનું જણાવ્યું હતું. જે બાદ કાચા કામના આરોપી પ્રકાશ વિજયભાઈ રાજપુત, ચિરાગ અશોકભાઈ પંડ્યા તથા કુણાલ અંબાલાલ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા. અને અમલદાર તથા જેલ સહાયકને અપશબ્દો બોલી અચાનક આ ત્રણેય આરોપીઓએ હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન પોલીસ કર્મચારીની વર્દી પણ ફાટી ગઈ હતી. સાથે જ હુમલાખોરોએ ધમકી આપી હતી કે બહાર નીકળીશું એટલે તને પાડી દઇશું. આ સમયે ચિરાગ પંડ્યાએ પ્રકાશ રાજપૂતનું માથું લોખંડના દરવાજે બે થી ત્રણ વાર અથાડી તેને જણાવ્યું હતું કે, “હોસ્પિટલમાં દાખલ થઇ જા, જેલ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ કરવાની છે.”
આ હિંસક બનાવ દરમિયાન યાર્ડના અન્ય કેદીઓએ બૂમો પાડી શોર મચાવી દીધો હતો. યાર્ડમાં ભયનો માહોલ સર્જાઈ જતા પોલીસ કર્મચારીઓએ પોતાના બચાવ માટે વ્હિસલ વગાડી દેતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને બચાવ કર્યો હતો. આમ આ સમગ્ર મામલે ત્રણેય કાચા કામના કેદીઓ પર રાવપુરા પોલીસે સરકારી કર્મચારી ઉપર હુમલો, મારામારી, ધાક-ધમકી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud