• વડોદરામાં કોરોનાના કારણે અવસાન પામેલા હોમગાર્ડ જવાનને સરકાર દ્વારા રૂપિયા 25 લાખની સહાય અપાઈ
  • હોમગાર્ડમાં છેલ્લા 21 વર્ષથી સેવા આપતા સુરેશભાઇ વાઘમારેનું કોરોનાના કારણે તા.30 એપ્રિલ-021ના રોજ અવસાન થયું હતું
  • નિરાધાર બની ગયેલા હોમગાર્ડના પરિવાર માટે સરકાર દ્વારા મળેલી માતબર સહાય આશિર્વાદરૂપ પુરવાર થઇ

WatchGujarat. કોરોનાની મહામારી દરમિયાન ફરજ દરમિયાન કોરોનાના કારણે અવસાન પામેલા હોમગાર્ડ જવાનને સરકાર દ્વારા રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવી છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા ફ્રન્ટ વોરીયરમાં મુકાયેલા પોલીસ જવાનો સાથે હોમગાર્ડ જવાનનું પણ જો કોરોનામાં અવસાન થશે., તો રૂપિયા 25 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વડોદરાના હોમગાર્ડ જવાનને પણ સહાય મળતા નિરાધાર બની ગયેલા પરિવાર માટે સરકાર દ્વારા મળેલી માતબર સહાય આશિર્વાદરૂપ પુરવાર થઇ છે. કોરોનામાં અવાસન પામેલા હોમગાર્ડ જવાનને સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયથી હોમગાર્ડ જવાનોમાં નોકરી કરવાનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. તે સાથે સાથી હોમગાર્ડ જવાનને મળેલી સહાયને પગલે હોમગાર્ડ જવાનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

વડોદરા હોમગાર્ડ કમાન્ડર ઋતુરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ જવાનો જેવી હોમગાર્ડ જવાનો પણ ખડેપગે રાત દિવસ ફરજ બજાવે છે. કુદરતી આપત્તી હોઇ કે માનવ સર્જીત આપત્તીમાં પણ હોમગાર્ડ જવાન પોલીસ જવાનો સાથે ખભેખભા મિલાવીને ફરજ બજાવતા હોય છે. કોરોનાની મહામારી દરમિયાન હોમગાર્ડ જવાનોએ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી હતી. જેમાં વડોદરાના માંજલપુરના રહેવાસી અને હોમગાર્ડમાં છેલ્લા 21 વર્ષથી સેવા આપતા સુરેશભાઇ વાઘમારેનું કોરોનાના કારણે તા.30 એપ્રિલ-021ના રોજ અવસાન થયું હતું. જેઓને સરકાર દ્વારા રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવી છે.

હોમગાર્ડ જવાન સુરેશભાઇ વાઘમારેનું કોરોનામાં અવસાન થતાં તેમના પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. પરિવારના મોભી સુરેશભાઇનું કોરોનામાં મોત નીપજતાં પરિવાર ચિંતાતૂર બની ગયું હતું. બી.ઇ.માં અભ્યાસ કરતો પુત્ર અને કોલેજમાં અભ્યાસ કરતી દીકરી પણ અભ્યાસ પૂર્ણ થશે કે કેમ તે અંગે મુંઝવણમાં મુકાઇ ગયા હતા. પરંતુ, સાથી જવાનોએ ફૂલ નહિં તો ફૂલની પાંખડી પ્રમાણે આર્થિક મદદ કરી હતી. તે બાદ સરકાર દ્વારા પણ રૂપિયા 25 લાખની સહાય કરવામાં આવતા પરિવારની મુંઝવણ દૂર થઇ હતી. હોમગાર્ડ જવાન સ્વ. સુરેશભાઇ વાઘમારેના પત્ની અનિતાબહેન અને તેમના સંતાનોએ હોમગાર્ડનો આભાર માણ્યો હતો.

હોમગાર્ડ કમાન્ડરે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સહિત ગુજરાતમાં 36 હોમગાર્ડ જવાનોનું કોરોનાના કારણે અવસાન થયું હતું. જે પૈકી 27 ઉપરાંત હોમગાર્ડ જવાનોને સરકાર દ્વારા સહાય ચૂકવી દેવામાં આવી છે. જે માટે હોમગાર્ડ સરકારનો આભાર માને છે. બીજુ હોમગાર્ડ જવાનો રાત-દિવસ પોલીસની જેમ ફરજ બજાવે છે. ત્યારે ગુજરાતના તમામ કમાન્ડરો દ્વારા સંયુક્ત રીતે હોમગાર્જ જવાનોને હાલમાં પ્રતિદિન રૂપિયા 304 ભથ્થુ આપવામાં આવે છે. જેમાં વધારો કરીને પ્રતિદિન રૂપિયા 613 કરવા માટે અમદાવાદ સ્થિત હોમગાર્ડની કચેરીના વડા આઇ.પી.એસ. એડીશનલ ડી.જી. ડો. નિરજા ગોતરુંને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પગલે તેઓએ સરકારમાં પણ રજૂઆત કરી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેર હોમગાર્ડમાં 960 હોમગાર્ડ જવાનો સેવા આપી રહ્યા છે. જે પૈકી 145 મહિલાઓ છે. જ્યારે જિલ્લામાં પણ 960 જેટલા હોમગાર્ડ જવાનો સેવા આપી રહ્યા છે. વડોદરા શહેરમાં સેવા આપતી મહિલા હોમગાર્ડને નારી સંરક્ષણ ગૃહ, કોર્ટ, બાળ રિમાન્ડ હોમ જેવી જગ્યાઓ ઉપર સેવા સોંપવામાં આવે છે. જો હોમગાર્ડ જવાનોને વધુ ભથ્થુ સરકાર દ્વારા કરવામાં આવે તો અનેક લોકો હોમગાર્ડમાં જોડાઇ શકે. તેમજ બેકારીનું ભારણ પણ ઓછું થઇ શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud