• જેતલપુરની મિલકતનો વિવાદ: સુનંદા પટેલની જામીન અરજી મંજૂર
  • બે ફરિયાદ પેન્ડિંગ છતાં તેની નોંધ લીધા વગર સીઆઇડીએ ગુનો દાખલ કર્યો

WatchGujarat. 80 વર્ષના વૃદ્ધા સુનંદાબહેન પટેલ સામે સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી તે ચકચારી બનાવમાં વૃદ્ધાની જામીન અરજી મંજૂર કરતાં અદાલતે પોલીસ (સીઆઇડી) સામે કડક ટિપ્પણી કરતાં નોંધ્યું હતું કે, રેકોર્ડ પરના દસ્તાવેજી પુરાવા જોતા મિલ્કત પડાવવા માટે સ્થાનિક મોટા લેન્ડગ્રેબરના ઇશારે પોલીસ કામ કરતી હોવાનું જણાય છે.

મીડિયા અહેવાલ મુજબ, આ ચકચારી કેસની વગતો અનુસાર જેતલપુરની સીમમાં આવેલી મિલકત 72 લાખમાં લીધા બાદ દસ્તાવેજમાં જણાવેલ મિલકત ના હોવા છતાં અન્ય મિલકતનો ફોટો લગાડી અને આ મિલકત જાહેર રસ્તો હોવાનું જાણવા છતાં દિલીપ શંકરભાઇ પટેલ, રમણ ભાઇ ઉર્ફે રમણિક ભાઇલાલ પટેલ તથા સુનંદાબેન રમણભાઇ પટેલે પોતાને વેચી દીધી હોવાની ફરીયાદ ધર્મવિરસિંહ જાડેજાએ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 80 વર્ષના વૃદ્ધા સુનંદાબહેન પટેલની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા સુનંદાબહેન પટેલે જામીન અરજી મુકતાં ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલી સાંભળ્યા બાદ અરજદાર વૃદ્ધાની જામીન અરજી મંજૂર કરી હતી. જામીન અરજી મંજૂર કરતાં અદાલતે પોલીસની કાર્યપદ્ધતિ સામે ગંભીર ટીકાઓ કરી હતી. કોર્ટે ચૂકાદામાં નોંધ્યું હતું કે, રેકોર્ડ પરના પુરાવા જોતાં પરમ બંગલાની મિલ્કત પાવર ઓફ એટર્ની તરીકે દીલીપ પટેલે જુલાઇ 2018માં 1.25 કરોડમાં વેંચાણ કરી હોય તો સાડા ત્રણ મહિના પછી માત્ર 72 લાખમાં ધર્મવીર જાડેજાએ ક્યાં સંજોગોમાં ખરીદી ? તેવી કોઇ હકીકત ફરિયાદીએ સીઆઇડી સમક્ષ જણાવી નથી.

સુનંદાબહેન એક માત્ર વડોદરામાં રહે છે અન્ય તમામ વિદેશમાં રહે છે ત્યારે મિલ્કતના પ્રોટેક્શનના બદલે ભૂમાફિયા દ્વારા મિલ્કતનું પઝેશન મેળવવાની પ્રેશર પ્રેક્ટીસના ભાગ રૂપે હાલની ફરિયાદ થઇ હોવાનું જણાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજ મિલ્કત સંદર્ભે વર્ષ 2018 અને વર્ષ 2019માં હાલના ફરીયાદી ધર્મવિરસિંહ જાડેજાને આરોપી તરીકે દર્શાવતી બે ફરીયાદો પોલીસમાં નોંધાઇ હતી.ત્યારબાદ હવે સીઆઇડી ક્રાઇમમાં ત્રીજી ફરિયાદ નોંધાવાઇ હતી.

સામાન્ય માણસને ફરિયાદ માટે વલખા

ચૂકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, સમાન્ય માણસને ફરિયાદ દાખલ કરાવવી હોય તો વલખા મારવા પડે છે ત્યારે રાજ્યની સર્વોચ્ચ પોલીસ એજન્સી સીઆઇડી ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમે પણ હાલના ફરિયાદી સામે અગાઉ નોંધાયેલી બે ફરિયાદ પેન્ડિંગ હોવા છતાં તેની કોઇ નોંધ જ નથી લીધી અને સીધી ફરિયાદ દાખલ કરી દીધી છે.

Facebook Comments Box

Videos

Our Partners