• રાજકોટ બાદ વડોદરા પાલિકાએ લારીઓમાં ખુલ્લામાં વેચાતા નોનવેજ બંધ કરવા સૂચના આપી હતી.
  • વર્ષોથી વડોદરાના શહેરના અનેક વિસ્તારોમાં નોનવેજ લારીઓમાં વેચાય છે.
  • લારીના ભાવે શું દુકાનો મળે છે ખરી ?
  • લારી પર ખાવાથી કોઇનુ સ્વાસ્થ્ય બગડ્યું હોય તેવુ પાલિકાના ધ્યાને આવ્યું છે ખરૂ ?
  • લારીઓ પર વેચાતા ઇંડા-નોનવેજથી કોઇની આસ્થાને ઠેસ પહોંચી હોય તેવી કેટલી ફરીયાદ પોલીસ અથવા પાલિકાને મળી ?

ચિંતન શ્રીપાલી. વડોદરા સહિત દેશભરમાં સ્ટ્રીટ ફૂડ પોતાની અલગ ઓળખ ધરાવે છે. પૈસાદારથી લઇને ગરીબ વ્યક્તિમાં સ્ટ્રીટ ફૂડના સ્વાદનું અનોખુ આકર્ષણ હોય છે. ખાસ કરીને વડોદરામાં સીટી વિસ્તારમાં આવેલી ઇંડા-નોનવેજની લારીઓ પર શોખીનો ભાગ્યેજ જમવાનો લ્હાવો લેવાનું ચુક્યા હશે. તથા વડોદરામાં મોટી સંખ્યામાં મધ્યમ વર્ગ આવેલો છે. જેઓ હોટેલ-રેસ્ટોરેન્ટની જગ્યાએ લારી પર જમવાનું વધુ પસંદ કરે છે. અને તે તેમના બજેટમાં પણ આવે છે.

શહેરમાં 3000 જેટલી ઇંડા અને નોનવેજની લારીઓ છે, આ લારીઓ પર કેટલા લોકોનો પરિવાર નિર્ભર છે તેનો અંદાજો લગાવી શકાય છે. ખુલ્લામાં વેચાતા ઇંડા-નોનવેજની લારીઓ જ નહિ પરંતુ ખુલ્લામાં મળતું કોઇ પણ પ્રકારનું જમવાનું બિન આરોગ્ય પ્રદ હોય છે. આ વાત નાનું બાળક પણ જાણે જ છે. પાલિકા દ્વારા ઇંડા-નોનવેજની લારીઓ હટાવવાના સૂચનના સમર્થનમાં જમવાનુ બિન આરોગ્ય પ્રદ હોવાનુ આજારોજ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે કોરોના કાળમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સરકારે અનેક રીતે મદદરૂપ થાય તેવા નિર્ણયો કર્યા હતા. પરંતુ લારી-ગલ્લાવાળાઓ માટે કોઇ ખાસ જોગવાઇ હતી નહિ. હવે નવરાત્રી પહેલાંથી કોરોનાના કેસોમાં ઘટાડો થતા વેપાર ધંધામાં શરતી મંજૂરી મળતા પ્રાણ ફુંકાયો હતો. માંડ હવે લારીઓ શરૂ થતાં જ રાજકોટ બાદ વડોદરામાં ઇંડા-નોનવેજની લારીઓ પર તવાઇ આવવાનું શરૂ થયું છે.

જે લારીવાળાઓનો ધંધો માંડ શરૂ થયો હતો તેઓ કેવી રીતે દુકાન ખરીદશે અને ધંધો શરૂ કરશે, શું પાલિકા દ્વારા ઇંડા-નોનવેજની લારીઓને હટાવી તેઓને નજીકમાં જ શરૂ કરવા માટે કોઇ પ્રકારે મદદ કરવામાં આવશે કે નહિ તે અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. ઇલેક્શન મોડમાં આવી ગયેલા સત્તાપક્ષ દ્વારા અચાનક આપવામાં આવેલા સુચનને કારણે જે લોકોના પરિવારો ઇંડા-નોનવેજની લારી પર ચાલતા હશે તેઓ કેવી રીતે ટુંકા ગાળામાં અન્યત્રે શરૂ કરી શકશે સહિતના અનેક અણિયારા સવાલો હાલ અનઉત્તર છે. સત્તાપક્ષના નેતાઓએ આ અંગે નિવેદનો અને સૂચનની તરફેણમાં વાહવાહી કરવાનું તો શરૂ કરી દીધું. પરંતુ જે લોકોનું જીવન ઇંડા-નોનવેજની લારીઓ પર નિર્ભર છે તેઓને યોગ્ય મદદ કર્યા સિવાય આ નિર્ણયને સંપુર્ણ રીતે લાગુ કરવું હાલ તો કઠિન લાગી રહ્યું છે. સત્તાપક્ષના નેતાઓના નિવેદનો બાદ હવે જમીની હકીકત કેટલા સમયમાં બદલાશે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud