• કોરોનાની બીજી લહેરથી લઇને આજદિન સુધી આપણે સતત જોતા આવ્યા છીએ કે સામાન્ય પ્રજા પર માસ્ક પહેરવાના નામે અથવા તો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાના નામે અનેક નિયમો ઠોકી બેસાડ્યા
  • જાહેર કાર્યક્રમોમાં માસ્ક નહિ પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ ના જાળવી જાહેરમાં શક્તિ પ્રદર્શન કરીને  ગાઇડલાઇનના ધજાગરા ઉડાડવા જેવા અનેક ઉલ્લંઘન નેતાઓ દ્વારા રાજ્યમાં યોજાયેલી ગત પંચાયતની ચુંટણીથી કરવામાં આવે છે
  • ગતરોજ વડોદરામાં પ્રધાનમંત્રી મોદીના કાફલાના સુરક્ષામાં મોટી ચુક થવા બદલ  સમુહમાં મહામૃત્યુંજય જાપનું સમુહગાન કરવામાં આવ્યું
  • ગઇ કાલે ભીડ ભેગી કરવાની અને આજે પીપીઇ કીટ પહેરીને એસએસજી હોસ્પિટલમાં પહોંચવું બંને વાતોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે

Watchgujarat. વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. કોરોના એ હદે તેજીથી આગળ વધી રહ્યો છે કે, સ્થિતીને ધ્યાને રાખીને કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ રદ્દ કરવી પડી છે. આટલેથી પણ આપણા સમજૂ રાજકારણીઓ નથી સુધર્યા અને તેઓ તેમની મનમાની જ કરે છે. ગતરોજ શહેર ભાજપ દ્વારા યોજયેલા કાર્યક્રમમાં શહેરના અગ્રણી નેતાઓ સાંસદ, મહિલા મંત્રી, કેબિનેટ મંત્રી તથા શહેર ભાજપ પ્રમુખ સહિત મોટા સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે પહેલા મહા મૃત્યુંજય મંત્રનો જાપ અને ત્યારબાદ સાંજે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા કરી મશાલ રેલી યોજી હતી.

કોરોનાની બીજી લહેરથી લઇને આજદિન સુધી આપણે સતત જોતા આવ્યા છીએ કે સામાન્ય પ્રજા પર માસ્ક પહેરવાના નામે અથવા તો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાના નામે અનેક નિયમો ઠોકી બેસાડ્યા છે. નિયમોનું પાલન નહિ કરવા પર દંડ પણ વસુલવામાં આવે છે. પરંતુ આ બધા નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે છે, રાજનેતાઓને જાણે સરકારીની કોરોના ગાઇડલાઇનમાંથી મુક્તિ મળી હોય તેમ રોજે રોજ નવા તાયફા કરતા જોવા મળે છે. જેમ કે, જાહેર કાર્યક્રમોમાં માસ્ક નહિ પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ ના જાળવી જાહેરમાં શક્તિ પ્રદર્શન કરીને  ગાઇડલાઇનના ધજાગરા ઉડાડવા જેવા અનેક ઉલ્લંઘન નેતાઓ દ્વારા રાજ્યમાં યોજાયેલી ગત પંચાયતની ચુંટણીથી કરવામાં આવે છે. આજદિન સુધી કોઇ નેતા પર કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ કોઇ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાખલો સામે આવ્યો નથી. તો બીજી તરફ પ્રજાએ માસ્ક નહિ પહેરવાથી લઇને ભીડ ભેગી કરતા સુધી અનેક ટાણે દંડાયા છે.

ગતરોજ આયોજિત રેલીમાં સાંસદ, ડે.મેયર સહિતની અનેક લોકોએ ભાગ લીધો હતો (તસ્વીર- સાંસદ રંજનબેન ભટ્ટના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી)

ગતરોજ વડોદરામાં પ્રધાનમંત્રી મોદીના કાફલાના સુરક્ષામાં મોટી ચુક થવા બદલ  સમુહમાં મહામૃત્યુંજય જાપનું સમુહગાન કરવામાં આવ્યું હતું. તો ત્યાર બાદ સાંજે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓની હાજરીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષા મંત્રી મનીષાબેન વકીલ, કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે આ કાર્યક્રમમાં જાહેર રસ્તા પર એકત્ર થનારા તમામ સત્તાપક્ષના હતા.

કોરોના ગાઇડલાઇનના નિયમ ભંગ બદલ તેમની સામે કોઇ કાર્યવાહી નહિ થાય તે બાબતે તેઓ નિષ્ચિંત હોય તેવું જોવા મળ્યું હતુ. અને કંઇ થયું પણ નહિ. તો બીજી તરફ આજરોજ વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ, કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર તથા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પીપીઇ કીટ પહેરીને પહોંચ્યા હતા. અને તૈયારીઓને સમીક્ષા કરી હતી.

આજરોજ સાંસદ, કેબીનેટ કક્ષાના મંત્રી અને શહેર ભાજપ પ્રમુખ એસએસજી હોસ્પિટલ પહોંચ્યા (તસ્વીર- સાંસદ રંજનબેન ભટ્ટના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી)

ગઇ કાલે ભીડ ભેગી કરવાની અને આજે પીપીઇ કીટ પહેરીને એસએસજી હોસ્પિટલમાં પહોંચવું બંને વાતોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી વેવના ભણકારા વચ્ચે રાજકારણીઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું કેવી રીતે ચુક્યા તે તો કોઇ જાણતું નથી. પરંતુ ગઇ કાલે જે થયું તે કોરોનાને આમંત્રણ આપે તેવું હતું. આજે એસએસજી હોસ્પિટલ પહોંચી મંત્રીની હાજરીમાં સમીક્ષા કરવું કશું ખોટું નથી. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી વેવની દહેશત વચ્ચે ભીડ ભેગી કરવી ખોટું છે. રાજકારણીઓ હવે સમજે તો સારૂ, નહિ તો આખરે ભોગવવાનું તો પ્રજાને જ આવશે.

કોરોનાની વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તેવા સમયે લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે જવાબદારી સામાન્ય નાગરીકથી લઇને ચુંટાયેલા પ્રતિનીધી તમામની છે. કોરોનાની ગાઇડલાઇન અંગે જવાબદારપુર્ણ વર્તન કરવું જરૂરી છે. માત્ર વાતો કરવાથી કોરોનાનો ફેલાવો અટકાવી શકાતો નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud