• ડેસર તાલુકાના પીપરછટ ગામમાં આવેલ ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
  • આગના બનાવમાં એક પછી એક ચારથી પાંચ ગેસના બોટલ ફાટ્યા
  • એજન્સીના સંચાલકોની ઘોર બેદરકારીના પગલે 13થી 14 લોકો દાઝ્યા
  • ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

WatchGujarat. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપરછટ ગામમાં આવેલ ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં ગત રાત્રીએ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા એક પછી એક ચારથી પાંચ ગેસના બોટલ ફાટ્યા હતા. તેમજ આ બનાવમાં 13થી 14 લોકો દાઝ્યા હતા. તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવને લઈ એજન્સીના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે.

ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, ડેસર તાલુકાના પીપરછટ ગામ ખાતે આવેલ ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં ગત રોજ સાડા દસ વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગતાજ એજન્સીના સંચાલકોની ઘોર બેદરકારી ખુલ્લી પડી હતી. પ્રથમ સ્થળ પર હાજર લોકોએ આગને બુઝાવવા પ્રયત્નો પણ કર્યા હતા. મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનામાં 13 થી 14 લોકો દાઝી ગયા હતા. તમામને નજીકની હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.જે બાદ આગ કાબુ બહાર નિકળી જતા ઘણા સમય બાદ ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી. ફાયર વિભાગને બનાવની જાણ થતાજ તેઓ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગયા હતા.

સુત્રોએ ઉમેર્યું હતું કે, આ બનાવમાં એક પછી એક ચાર થી પાંચ ગેસના બોટલ ફાટ્યા હતા. જો કે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. મોડી રાતના આ બનાવમાં ગેસના બોટલ એક પછી એક એવા ફાટવાને કારણે  જાણે કોઈ બોમ્બ ફાટ્યાનો અવાજ હોય તેવું નજીકના ગ્રામજનોને સંભળાતું હતું. જેના કારણે ગામવાસીઓમાં ભય માહોલ વ્યાપી ગયો હતો. આ આગ સોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ માનવામાં આવી રહ્યુ છે. ફાયર ફાયટરોએ ચાર કલાકથી ઉપરાંતની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. અને સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી.

લોકોનો જીવ જોખમમાં મુકનાર અને ગ્રામજનોમાં દહેશત ઉપજાવનાર ધટનાના અંગે એજન્સીના સંચાલકો ભેદી મૌન સેવી રહ્યા છે. એજન્સીના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે ઘણા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

Facebook Comments Box

Videos

Our Partners