• શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી બોર્ડની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું
  • સોમવારે ધો.12 સાયન્સનું પહેલું પેપર આપ્યા બાદ વિદ્યાર્થીનીએ અંતિમ પગલું ભર્યું 
  • પરીક્ષાના કારણે તનાવમાં આવીને વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોનું રટન
  • પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી

WatchGujarat. કોરોના કાળના બે વર્ષ બાદ ગુજરાતમાં બોર્ડની પરીક્ષા યોજાઈ છે. પરંતુ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં હ્યદયરોગના હુમલાને કારણે બે વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે આજે વડોદરાની બોર્ડની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ પરિક્ષાના પ્રેશરમાં આવીને વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના આજવા રોડ પર આવેલી એ-160 ક્રિષ્ણાપાર્ક સોસાયટી, સરદાર એસ્ટેટ ખાતે રહેતા નિલેશભાઈ દેસાઈની પુત્રી નિશાબેન દેસાઈએ જીવન ટુંકાવ્યું છે. ગત રોજ બપોરે 2ઃ30 વાગ્યની આસપાસ 19 વર્ષીય નિશાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ અંગે પરિવારજનોના જણાવ્યા મુજબ, નિશા આ વર્ષે ધો.12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી રહી હતી. સોમવારના રોજ ધો.12 સાયન્સનું પહેલુ પેપર આપ્યા બાદથી નિશા માનસિક તનાવમાં હતી. જેથી બોર્ડની પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈ નિશાએ ગત રોજ જીવનનું અંતિમ પગલું ભર્યું છે.

આ બાબતની જાણ પરિવારજનોને થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ મૃતક નીશાનો મૃતદેહ પોલીસે પોસમોર્ટમ માટે એસ.એસ.જી હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસ તપાસમાં જ આપઘાત પાછળનું કારણ સામે આવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાતા વિદ્યાર્થીઓમાં થોડા ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. તાજેતરમાં અમદાવાદ અને નવસારી ખાતે બોર્ડના વિદ્યાર્થીઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. જોકે વિદ્યાર્થીઓના અવસાન પાછળ માનસિક તણાવ હતો કે શારિરીક તકલીફ હતી તે જાણી શકાયું નથી. પરંતુ હવે વડોદરાની વિદ્યાર્થીનીએ પરીક્ષાના પ્રેશરમાં આવી જીવન ટૂંકાવતાં વાલીઓ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. આવા સમયે હાલમાં વાલીઓએ પણ પરિસ્થિતિ પારખીને વિદ્યાર્થીઓને હૂંફનું વાતાવરણ આપવું એ સમયની માંગ બનવા પામી છે.

Facebook Comments Box

Videos

Our Partners