• હર્ષ સંઘવીની મુલાકાત પહેલા અને વિદાય બાદ શહેરમાં બે એવી ઘટનાઓ ઘટી જેમાં પોલીસની કામગીરીના લીરેલીરા ઉડ્યા હતા
  • મોડી રાત્રે ઘટેલી બીજી શર્મજનક ઘટનામાં સોના-ચાંદીના વેપારીના ઘરે લુંટારૂઓએ લુંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું
  • ઘર બહાર વેપારી ગાડીમાંથી ઉતરતી વેળાએ રાત્રે 10 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવી અને સાહેબજી સાહેબજી કહીને ઝપાઝપી શરૂ કરી દીધી

WatchGujarat. ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા. તેમની મુલાકાત પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી લાખોની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. તો તેમની વિદાય બાદ શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા સોની ના ઘરે પહોંચી લુંટારૂઓએ લુંટના ઇરાદે દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હતું. જો કે, વેપારીની સતર્કતાને લુંટ થતા બચી હતી, પરંતુ વેપારીને પગે ગોળીથી ઇજાઓ પહોંચતા મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ગતરોજ રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીની મુલાકાત પહેલા અને તેમની વિદાય બાદ શહેરમાં બે એવી ઘટનાઓ ઘટી હતી જેમાં પોલીસની કામગીરીના લીરેલીરા ઉડ્યા હતા. પહેલી ઘટનામાં ગૃહમંત્રીના આગમન પહેલા શહેરના વિવિધ બે વિસ્તારોમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. અને સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. મોડી રાત્રે ઘટેલી બીજી શર્મજનક ઘટનામાં સોના-ચાંદીના વેપારીના ઘરે લુંટારૂઓએ લુંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જો કે, વેપારીની સતર્કતાના કારણે લુંટનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો. પરંતુ વેપારીએ વિરોધ કરતા તેના પગમાં ગોળી વાગી હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવેશભાઇ સોની (ઉં-43) શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહે છે. અને છાણી ગામ ખાતે શ્રી અંગે જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગતરોજ તેઓ દુકાન બંધકરીને હોટલમાંથી જમવાનું પાર્સલ લઇને ઘરે પરત ફર્યા હતા. ગાડીમાંથી ઉતરતી વેળાએ રાત્રે 10 વાગ્યાની આસપાસ માસ્ક પહેરેલા બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવી અને સાહેબજી સાહેબજી કહીને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. અજાણ્યા ઇસમોનો બદઇરાદો પારખી જઇ વેપારીઓ ગાડીનો દરવાજો બંધ કરી દીધો હતો. દરમિયાન અજાણ્યા ઇસમોએ વેપારીની ગાડીમાં મુકેલો દુકાનનો થેલો લુંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ત્રણેય વચ્ચે ભારે ઝપાઝપી થઇ હતી. અને વેપારીઓ હાથમાં રાખેલું જમવાનું પાર્સલ લુંટારૂઓને મારી દીધું હતું.

ફાયરિંગ કર્યા બાદ લોકો એકત્ર થતા લુંટારૂઓ નાસી છુટ્યા

દરમિયાન લુંટારૂઓ પૈકી એકે પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં વેપારીના પગે ઇજાઓ થવા પામી હતી. પિસ્તોલના ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકત્ર થવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારે અન્ય બે અજાણ્યા ઇસમો મોટરસાકલ પર આવી જઇ બે લુંટારૂઓને લઇ ગયા હતા. ત્યાર બાદ તમામ પલાયન થઇ ગયા હતા. દિવાળી પહેલા સોની પર લુંટના ઇરાદે ફાયરિંગ થવાને કારણે વેપારી આલમમાં ફફડાટની સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. મોડી રાત્રે ફતેગંજ પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લુંટારૂઓએ દેશી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યાનું અનુમાન

ગતરોજ સોનીની લુંટ કરવાના ઇરાદે અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે, લુંટારૂઓએ દેશી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગની જાણ થતા એસએસએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને જરૂરી સેમ્પલો લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, તથા ડોગ સ્કવોર્ડ પણ તપાસમાં જોડાઇ

મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ. કરમુરે Watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, હાલ એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, તથા ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ ચાલી રહી છે. ઉપરાંત લુંટારૂઓની ભાળ મેળવવા માટે સીસીટીવી ફુટેજની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. લુંટારૂઓને ઝડપી પાડવા માટે અમારી ટીમ કામે લાગેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud