• ગતમોડી રાત્રે ગોરવા વિસ્તારમાં આવેલી ગુલમહોર સોસાયટીમાં રહેતા 70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણાને ગાયે ભેટી મારતા અકસ્માત સર્જાયો
  • ગોરવા પોલીસ પાસે આવેલા રબારીવાસમાંથી ગાયોના ટોળા નીકળતા ગોરવા ડી સ્ટાફના પી.એસ.આઇ. કે.જી. ચાવડા તેમજ સ્ટાફે 12 જેટલા વાછરડા-ગાયોને પકડી કોર્ડન કરી દીધી
  • કોર્પોરેશનની ઢોર પાર્ટી આવે તે પહેલાંજ વાછરડા-ગાયોના માલિકો સહિતનું ટોળું પોલીસે પકડેલી ગાયો-વાછરડા છોડાવવા માટે ધસી આવી હોબાળો મચાવ્યો

WatchGujarat. શહેરના ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃધ્ધને ભેટીયે ચઢાવતા ગોરવા પોલીસે નજીકના રબારીવાસમાંથી નીકળેલા ગાયોના ટોળા પૈકી 12 જેટલી ગાયોને કોર્ડન કરીને એક સ્કૂલમાં કમ્પાઉન્ડ મુકી દીધી હતી. આ અંગેની જાણ ગૌપાલકોને થતાં તેઓ ગાયો છોડવાવ માટે ધસી આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે ગૌપાલકોના ટોળાને વિખેરવા માટે લાઠી ચાર્જ કરતા ગૌપાલકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં એક પી.એસ.આઇ. સહિત ત્રણને ઇજા પહોંચી હોવાની વિગતો સામે આવી રહી છે

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગતમોડી રાત્રે ગોરવા વિસ્તારમાં આવેલી ગુલમહોર સોસાયટીમાં રહેતા 70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણા ઘર પાસે હતા. તે દરમિયાન તેઓને ગાયે ભેટીયે ચઢાવતા થાપામાં ફેક્ચર થયું હતું. આ બનાવ અંગે ગોરવા પોલીસે વૃધ્ધને ભેટીએ ચઢાવનાર ગાય માલિક સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. બીજી બાજુ ગોરવા પોલીસ પાસે આવેલા રબારીવાસમાંથી ગાયોના ટોળા નીકળતા ગોરવા ડી સ્ટાફના પી.એસ.આઇ. કે.જી. ચાવડા તેમજ સ્ટાફે 12 જેટલા વાછરડા-ગાયોને પકડી કોર્ડન કરી દીધી હતી. અને કોર્પોરેશનની ઢોર પાર્ટીને ગાય-વાછરડા લઇ જવા માટે ફોન કરી દીધો હતો.

જોકે, કોર્પોરેશનની ઢોર પાર્ટી આવે તે પહેલાંજ વાછરડા-ગાયોના માલિકો સહિતનું ટોળું પોલીસે પકડેલી ગાયો-વાછરડા છોડાવવા માટે ધસી આવી હોબાળો મચાવ્યો હતો. ગૌપાલકોનું ટોળું વધી જતાં પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. અને ગૌપાલકોના ટોળાંએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ગૌપાલકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ડી સ્ટાફના પી.એસ.આઇ. કે.જી. ચાવડાને પગમાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત બે ગૌપાલકોને પણ ઇજાઓ પહોંચી હતી.

ગૌપાલકોએ પોલીસ તંત્રને બાનમાં લેવા માટે ઇજાગ્રસ્તને રોડ ઉપર સુવડાવી ચક્કાજામ કરી દીધો હતો. અને પોલીસે પકડેલી ગાયો-વાછરડા લઇ જવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે કોર્પોરેશનની ઢોર પાર્ટી આવી જતાં પોલીસે પકડેલી ગાયો-વાછરડા લઇને રવાના થઇ ગઇ હતી.

Facebook Comments Box

Videos

Our Partners