• શહેરના આજવા રોડના મકાનમાં આજે મળસ્કે તસ્કરો ઘુસી આવ્યા હતા.
  • ઘર માલિકે પોલીસને જાણ કરી બુમાબુમ કરી મુકી હતી. જેથી તસ્કરો નાસી ગયા હતા
  • પોલીસે ચોરી થઈ હોવાનો મેસેજ મળતા ફક્ત 12 મિનિટમાં ત્રણ તસ્કરોને પકડી પાડ્યા હતા
  • પાણીગેટ પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે તેમની ચોતરફ સરાહના થઈ રહી છે

WatchGujarat.  વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના ઘરમાં આજરોજ મળસ્કે ચોર ઘુસ્યા હોવાની વર્ધી પાણીગેટ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનને મળતા જ તાત્કાલીક સ્થળ પર પહોંચી ચોરી કરી નાસેલા ત્રણ તસ્કરોને ફક્ત 12 મિનિટમાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પાણીગેટ પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે તેમની ચોતરફ સરાહના થઈ રહી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો મુજબ, આજે મળસ્કે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાણીગેટ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તથા પાણીગેટ મોબાઈલ-1ને કંટ્રલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે, ભાવીક ભટ્ટ(રહે, આજવા રોડ રામ નગર સોસાયટી)એ જણ કરી છે કે તેમના ઘરમાં ચાર આવ્યા છે. જે મેસેજના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના કર્મીઓ તાત્કાલીક સાત મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા.

તસ્કરો કેવી રીતે પકડાયા

જે બાદ પોલીસને સંપર્ક કરનાર ભાવીકભાઈ પાસેથી જાણવા મળ્યું હતું કે, અમારા ઘરમાં ચોરો આવ્યા હતા. અમે બુમાબુમ કરતા તેઓ ફક્ત આઈપેડ(રૂ.16 હજાર)ની ચોરી કરી નાસી ગયા છે. આ માહિતીના આધારે પોલીસે તસ્કરોની ખોજ આરંભી હતી. ભાવીકભાઈના ઘરની બાજુના ઘરમાં નવું બાંધકામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત તે ઘરની બહાર એક અજાણી બાઈક પણ જોવા મળી હતી. પોલીસને આ વાતે શંકા ઉપજી હતી. અને અન્ય કોઈ સ્થળે તપાસ કરતા પહેલા પોલીસે નવા બાંધકામ વાળા ઘરમાં જ જઈ તપાસ કરવાનું વિચાર્યું હતું.

જ્યાં તપાસ દરમિયાન ત્રણ તસ્કરો અંધારાની આડમાં ઘરની અંદર મુદ્દામાલ સાથે સંતાયેલા મળી આવ્યા હતા. જે પૈકી તુષાર જેન્કીભાઈ ઠાકોર (ઉ.વ.26)(રહે, વાડી કુંભારવાડા) તથા મુકેશભાઈ શૈલેષભાઈ વસાવા (ઉ.વ.22)(રહે, ગાજરાવાડી વાડી) અને એક સગીર હતો. પોલીસે પકડાયેલા શખ્સો વિરૂદ્ધ ચોરી સહિતની કલમો હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી તસ્કરો મેસેજ મળવાના ફક્ત 12 મિનિટમાં પકડાઈ ગયા હતા. પાણીગેટ પોલીસની આ કામગીરીથી ચોતરફ સરાહના થઈ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners