• વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં ગત મહિને એન.જી.ઓ.માં કામ કરતી યુવતિ સાથે દુષ્કર્મની ઘટના બની
  • પોલીસે અત્યાર સુધી 400 થી વધુ અલગ અલગ સીસીટીવી ફૂટેજી તપાસ્યા છે, અને હાલ પણ કામગીરી ચાલી રહી છે
  • વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચરનારા નરાધમોએ ભાગવા માટે મલ્હાર પોઇન્ટથી ચકલી સર્લક તરફ જવાના રસ્તાનો ઉપયોગ કર્યો હોય તેવી પોલીસને આશંકા

ચિંતન શ્રીપાલી. સમય બદલાતા હવે પોલીસની કામગીરી કરવાની રીત પણ બદલાઇ છે. ઇન્ટરનેટના યુગ પહેલા પોલીસ બાતમીદારો એટલે કે હ્યુમન સોર્સ તથા ગુના શોધવા માટેની ટ્રેડીશનલ મેથડ પર વધારે ધ્યાન આપતી હતી. જો કે હાલ આપણે ઇન્ટરનેટ – ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. હવે પોલીસ પાસે ગુના શોધવા માટે ટેકનોલોજીનો સહારો છે. સમય જતા સ્થિતી એવી આવી કે હ્યુમન સોર્સ (બાતમીદાર) પર ઓછું અને ટેકનીકલ નેટવર્ક તથા સર્વેલન્સ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને તેનાથી ઝડપી ગુનાઓ ઉકેલવામાં સફળતા પણ કેટલીક હદે મળી છે.

સમયની સાથે ગુનેગારો પણ બદલાયા છે. રીઢા ગુનેગારો પોલીસથી બચવા માટે ફોન સાથે રાખતા નથી. અને રાખે તો મોબાઇલ અને સીમ કાર્ડ પણ અન્યના નામનું ઉપયોગમાં લે છે. તથા સીસીટીવીથી બચવાના ઉપાયો પણ અજમાવતા હોય છે. પરંતુ આવા પ્રયાસો ગુનેગારોને બહુ સાથ આપતા નથી. ગુના શોધવામાં રાજ્યની પોલીસ એટલી સક્ષમ છે કે, ગુનો આચરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓને પણ તેઓ પકડીને પાછા લાવે છે. એટલું ચોક્કસથી કહી શકાય કે, પોલીસ હ્યુમન સોર્સ કરતા વધારે ટેકનીકલ સર્વેલન્સ પર આજના સમયમાં વધારે નિર્ભર છે.

વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં ગત મહિને એન.જી.ઓ.માં કામ કરતી યુવતિ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. યુવતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં 4 નવેમ્બરના રોજ વલસાડ સ્થિત ગુજરાત ક્વિન ટ્રેનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ રેલવે પોલીસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો આ મામલે મેરેથોન તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે અત્યાર સુધી 400 થી વધુ અલગ અલગ સીસીટીવી ફૂટેજી તપાસ્યા છે. અને હાલ પણ કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસની વિવિધ ટીમો અલગ અલગ લોકેશન પર બનાવ સંદર્ભે આરોપીઓ સુધી પહોંચવાની કડી મેળવવાના પ્રયાસો કરી રહી છે.

વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચરનારા નરાધમોએ ભાગવા માટે મલ્હાર પોઇન્ટથી ચકલી સર્લક તરફ જવાના રસ્તાનો ઉપયોગ કર્યો હોય તેવી પોલીસને આશંકા છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે તપાસ કરતી પોલીસને એક મુશ્કેલી નડી રહી છે. પોલીસનું ત્રીજું નેત્ર કહેવાતા સીસીટીવી હાલ કામ લાગી શકે તેમ નથી. વડોદરાના જુના પાદરા રોડથી ગેંડા સર્કલ સુધી શહેરનો સૌથી મોટો બ્રિજ બની રહ્યો છે. હાલ ત્રુટક ત્રુટક તેની કામગીરી ચાલી રહી છે અને પોલ પર લગાડવામાં આવેલા સીસીટીવી હાલ કાર્યરત નથી. જેથી ચકલી સર્કલ પર બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી સીસીટીવી કાર્યરત નથી. જો કે, મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને પોલીસે આસપાસના 400 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી દીધી છે અને હાલ આ કામગીરી ચાલું જ છે.

પરંતુ સ્માર્ટ સીટી, તથા વડોદરા પોલીસ દ્વારા લગાડવામાં આવેલા કેમેરા બ્રિજની કામગીરી દરમિયાન ચાલુ નહિ હોવાને કારણે પોલીસને ત્રીજા નેત્રની ખોટ પડી રહી છે. જો પોલીસ પાસે ત્રીજુ નેત્ર હોત તો કદાચ આ કેસ અત્યાર સુધીમાં ઉકેલાઇ ગયો હોત તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Facebook Comments Box

Videos

Our Partners