• ગત રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ બોડેલી-ડભોઈ રોડ ઉપર પાનીયા નર્મદા માઈનોર કેનાલ પહેલા એક ડમ્પર રોડ પર ઉભુ રાખી દીધું
  • ડમ્પર ચાલકે લાઇટ અથવા તો કોઇ પણ પ્રકારનું ઇન્ડીકેટર રાખ્યું ન હતું
  • પાછળથી આવતી ઇકો કાર ચાલકને ડમ્પરનો અંદાજો ન રહ્યો અને ઇકો કાર ડમ્પરમાં પાછળથી અથડાઇ
  • સામેથી આવતી ઇનોવા કાર સાથેના અકસ્માતમાં કોઇ ઇજા નોંધાઇ નથી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે – તપાસ અધિકારી PSI એમ. એસ. સુતરીયા

 WatchGujarat. બોડેલી-ડભોઈ રોડ ઉપર પાનીયા નર્મદા માઈનોર કેનાલ પાસે ગત રાત્રીએ નિષ્કાળજીપુર્વક ઉભા કરી દિધેલા ટ્રક પાછળ ઈકો ગાડી ધડાકાભેર ભટકાઈ હતી. આટલુ જ નહીં આ અકસ્માતમાં સામેની સાઈડની આવતી વધુ એક ગાડી આ અકસ્માતનો ભોગ બની ગઈ હતી. બનાવના પગલે બે લોકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, ગત રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ બોડેલી-ડભોઈ રોડ ઉપર પાનીયા નર્મદા માઈનોર કેનાલ પહેલા એક ડમ્પર રોડ પર ઉભુ રાખી દીધું હતું. સામાન્ય રીતે ડમ્પર અથવા તો કોઇ પણ વાહન રોડ પર ઉભુ રાખવામાં આવે તો તેની નજીકમાં આડાશ અથાતો લાલ રેડીયમની લાઇટો અને કંઇ ન મળે તો ઝાડની ડાળખીઓ મુકી દેવામાં આવે છે. જેને કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકનું ઉભા રાખેલા વાહન અંગે ધ્યાન રહે અને કોઇ અનઇચ્છનીય ઘટના ન બને. પરંતુ આ ડમ્પર ચાલકે લાઇટ અથવા તો કોઇ પણ પ્રકારનું ઇન્ડીકેટર રાખ્યું ન હતું.

જેને કારણે રાત્રે પાછળથી આવતી ઇકો કાર ચાલકને ડમ્પરનો અંદાજો રહ્યો ન હતો. અને ઇકો કાર ડમ્પરમાં પાછળથી અથડાઇ હતી. જેને કારણે ઇકો કારમાં બેઠેલા ચાલક સહિતના મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇકો કાર ડમ્પરમાં પાછળથી અથડાયા બાદ સામેથી આવતી ઇનોવા કાર સાથે પણ અથડાઇ હતી. આમ ડમ્પર ચાલકની બેદકરાકીને કારણે એક પછી એક  બે વખત ગાડી ભટકાઇ હતી. સમગ્ર ઘટનામાં સુરજ રણછોડભાઇ માળી (ઉં-27) (રહે-ગદાપુરા, માળી મહોલ્લો, ગોત્રી-વડોદરા) ગોપાલ માળી, તથા રાહુલ ગાયકવાડને શરીરે ઇજાઓ પહોંચી હતી. જ્યારે રવિભાઇ માળી અને ક્રિષ્ણા માળી (બંને- રહે ગદાપુરા) ને ગંભીર ઇજાઓ થતા તેમના મોત થયા છે.

સમગ્ર મામલે સુરજ માળીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ડમ્પર ચાલકની એક ભુલે અનેકના જીવ જોખમમાં મુક્યા હતા. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામે જરૂરી તકેદારી રાખવી જોઇએ.

આ મામલે તપાસ અધિકારી PSI એમ. એસ. સુતરીયાએ જણાવ્યુ કે, ફરિયાદી સુરજ માળીને સામાન્ય ઇજાઓ પહોંચી છે. તથા આ મામલે સામેથી આવતી ઇનોવા કાર સાથેના અકસ્માતમાં કોઇ ઇજા નોંધાઇ નથી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud