• વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં બનેલી ઘટની
  • 80 હજારની ચોરી કર્યા બાદ તે થોડા સમય સુધી બેન્કમાં જ ઉભો રહ્યો
  • 80 હજારની ચોરી કરી રિક્ષામાં બેસી ગાંધીનગર પહોંચ્યો
  • સીટી પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્સોની ધરપકડ કરી પુરેપુરી રકમ રિકવર કરી

WatchGujarat. વડોદરા શહેરના ભરચક વિસ્તાર એવા માંડવી સ્થિત આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં એક ચોરીની ઘટના બની હતી. જે અંગે સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરીયાદ નોંધી ભેજાબાજ ટોળકીને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી હતી. જોકે ગણતરીના કલાકોમાં સીટી પોલીસે આ રૂપિયા ચોરી કરનાર શખ્સને ગાંધીનગરથી ઝડપી પાડ્યો હતો. તથા વડોદરાની ગાંધીનગર સુધી પહોંચવામાં મદદગારી કરનાર શખ્સની પણ પોલીસે ધરપકડ કરી પુરેપુરી રકમ રિકવર કરી છે.

જાણો શું હતો સમગ્ર મામલો

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા 68 વર્ષી અરવિંદભાઇ પટેલ માંડવી સ્થિત મહેશ મસાલા નામની દુકાનમાં કામ કરે છે. નજીકમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં તેમની દુકાનનુ ખાતુ છે. જેથી તેઓ નિયમીત રૂપિયા જમા કરાવવા જતા હતા. એજ પ્રમાણે તેઓ ફરી એક વખત બેન્ક ઓફ બરોડામાં દુકાનના રૂ. 80 હજાર જમા કરાવવા માટે સવારે 10 વાગે બેન્કમાં પહોંચ્યાં હતા. અરવિંદભાઇએ નિયમ મૂજબ ટોકન નંબર લીધો અને લાઇનમાં ઉભા રહીં ગયા હતા.

અરવિંદભાઇની આગળ હજી બેથી ત્રણ ખાતેદારો લાઇનમાં ઉભા હતા. જેથી તેમણે થોડો સમય લાઇનમાં ઉભુ રહેવું પડ્યું. આ દરમિયાન તેમણે પોતાની પાસે રહેલી રોકડ રકમ એક થેલીમાંથી કાઢી બીજીમાં મુકી હતી. તેવામાં બેન્કમાં ફરી રહેલો એક શખ્સ તેમની પાસે ફોર્મ ભરાવવા માટે આવ્યો, પરંતુ અરવિંદભાઇએ ઇન્કાર કરતા તે કંઇ પણ કહ્યાં વિના જતો રહ્યો હતો. એ પછી રૂપિયા જમા કરાવવા માટે લાઇનમાં ઉભેલા અરવિંદભાઇનો વારો આવ્યો એટલે તેમણે થેલીમાં હાથ નાખતા રોકડ રકમ જોવા મળી ન હતી.

જેથી તેમણે પોતાની પાસે રહેલી બન્ને થેલીઓ તપાસતા મહેશ મસાલા મીલની કેસરી અને પીળા રંગની થેલી નીચેથી જમણી બાજુઓ બ્લેડથી ચીરો મારેલી હાલતમાં જોવા મળી હતી. જોકે આ રૂપિયા ચોરી કરવા બેન્કમાં આવેલો શખ્સ ચોરી કર્યા બાદ પણ થોડા સમય સુધી બેન્કમાં જ ઉભો રહ્યો અને ત્યારબાદ બહાર નિકળી એક રિક્ષામાં બેસી ફરાર થઇ ગયો હતો.

બેન્કમાં ચોરી કરનાર શખ્સો કંઇ રીતે ઝડપાયા

ઘટનાને પગલે સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસની એક ટીમ આ તસ્કરી ટોળકીને ઝડપી પાડવા કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા એક શકમંદ જોવા મળ્યો હતો. જોકે તેણે માથે ટોપી અને ચહેરા ઉપર માસ્ક પહેર્યું હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. બીજી તરફ પોલીસની એક ટીમ આસપાસમાં લાગેલા સીટીવી કેમેરાની ચકાસણી કરી હતી.

આ દરમિયા બેન્કના સીસીટીવીમાં કેદ થયેલા શકમંદ રિક્ષામાં બેસતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે રિક્ષા નંબરના આધારે તેના ચાલક સાનુહસન નવિશેર દિવાનની અટકાયત કરી તેની આકરી પુછપરછ કરતા તેણે વટાણા વેરી દેતા જણાવ્યું કે, બેન્કમાં રૂપિયાની ચોરી કરનાર રણજીત રામપ્રસાદ બાવરી ગાંધીનગરમાં છે. જેથી પોલીસની એક ટીમ તાત્કાલીક ગાંધીનગર રવાના થઇ અને રણજીતને દબોચી ચોરીની પુરે પુરી રકમ 80 હજાર રિકવર કરવામાં આવ્યાં હતા.

Facebook Comments Box

Videos

Our Partners