• ગંદી થયેલી વિશ્વામિત્રીની ગંદકી દૂર થતી નથી ત્યાં વધુ ડહોળુ પાણી છોડાતા તંત્રની લાલ આંખ
  • બોરીંગ બનાવતા પહેલા માટીવાળુ ડહોળું પાણી બિલ્ડર-ડેવલપર દ્વારા નજીકની વરસાદી ગટરમાં છોડાતું હતુ
  • સજાગ સ્થાનિક અને કાર્યકરોએ આ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી

WatchGujarat. વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં નવી તૈયાર થઇ રહેલી સુપ્રીમસ-2ની નવી કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર-ડેવલપરે પાલિકાની વરસાદી ગટરમાં બોરીંગનું ડહોળું પાણી છોડવા અંગે ફરિયાદ થતાં પાલિકા તંત્ર દ્વારા સુપ્રીમસ-૨માં બિલ્ડર-ડેવલપર પાસેથી 25 હજારના દંડની વસુલાત કરતા નવા બિલ્ડર-ડેવલપરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અંગે બિલ્ડર-ડેવલપરને માત્ર એનઓસી સિવાય અન્ય કોઇ પરવાનગી પાલિકા તંત્ર દ્વારા નહીં આપવા પણ અગાઉ નોટીસમાં જણાવ્યું હતુ.

મળતી માહિતી મુજબ વોર્ડ નં.11ની ગોત્રી સ્થિત કચેરીની બાજુમાં નવી સાઇટ સુપ્રીમસ-2 શરૂ થઇ છે. આ સાઇટનાં બાંધકામમાં જરૂરી પાણી અંગે બોરીંગની કાર્યવાહી શરૂ કરાઇ હતી. પરિણામે બોરીંગ બનાવતા અગાઉ નીકળતું માટીવાળુ ડહોળું પાણી બિલ્ડર-ડેવલપર દ્વારા નજીકની વરસાદી ગટરમાં ચાલાકીથી છોડી દેવામાં આવતું હતુ પરિણામે સજાગ સ્થાનિક રહીશો- સામાજીક કાર્યકરોએ આ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી.

જેથી એક્શનમાં આવેલી કોર્પોરેશન દ્વારા જરૂરી ચકાસણી કરાઇ હતી. ત્યાર બાદ બિલ્ડર ડેવલપરને આ અંગે નોટીસ ફટકારી હતી. જેમાં જણાવ્યું હતુ કે કન્સ્ટ્રકશન સાઇટ સુપ્રિમસ-2ના બોરીંગનું ડહોળુ પાણી વરસાદી ગટરમાં છોડવામાં આવે છે જેથી વરસાદી ગટર બ્લોક થવાની પુરેપુરી સંભાવના છે. જે અંગે વારંવાર ટેલિફોનિક અને મૌખિક સૂચના આપી હતી. છતાં પણ કોઇ કાર્યવાહી બિલ્ડર -ડેવલપર દ્વારા કરાઇ ન હતી. જેથી આ સાઇટ અંગે એનઓસી સિવાય પીસી,ઓસી સહિત સીસી જેવી કોઇ પરવાનગી નહીં આપવા પણ વહીવટી વોર્ડ-11નાં નાયબ કાર્યપાલક ઇજનેરે નોટીસમાં જણાવ્યું હતુ. ત્યાર બાદ કોર્પોરેશને દ્વારા બિલ્ડર-ડેવલપર પાસેથી આ અંગે 25 હજાર રૂપિયાનાં દંડની વસૂલાત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની એક માત્ર પવિત્ર ગણાતી વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી અને કેમિકલયુક્ત પ્રવાહી છોડીને ઔદ્યોગિક એકમોના દ્વારા પહેલેથી જ દૂષિત કરી દીધી છે. વધુમાં હવે તો બિલ્ડરો અને ડેવલપરો પણ પાલિકાની વરસાદી ગટરોમાં બોરીંગના ડહોળા પાણી છોડવામાં જરાય પીછે હઠ કરતા નથી.ત્યારે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવાની ફરજ પડે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud