• રાજકોટ શહેર-જિલ્લામાં આટલા કેસો આવ્યા પરંતુ છતાં શહેરમાં 114 અને જીલ્લામાં 129 દર્દીઓ દાખલ છે
  • કઈ હોસ્પીટલમાં જવું, દવા -ઈન્જેકશનની માહિતી-ડોકટરોની માહિતી વિગેરે સંદર્ભે બે દિવસમાં કલેકટર કચેરીમાં ખાસ કંટ્રોલ રૂમ, વોર રૂમ શરૂ કરી રહ્યા છીએ – જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબૂ
  • શહેરના પાંચ સ્થળોએ 24 કલાક ટેસ્ટિંગ બુથ કાર્યરત કરવામાં આવ્યું છે

WatchGujarat. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોના કેસોમાં ચારગણો વધારો નોંધાતા મનપા અને કલેક્ટર તંત્ર અંતે સફાળું જાગ્યું છે. તેમજ IMAનાં ડોક્ટર્સ સાથે બેઠક કરવાની સાથે કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા કચેરી ખાતે સ્પે. ‘વોરરૂમ’ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બીજીતરફ મનપા દ્વારા 50 ધન્વંતરી રથ દોડાવી શહેરમાં ચાર સ્થળોએ 24 કલાક ટેસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધી દરરોજ 40 આસપાસ નવા કેસ નોંધાતા હતા. જેની સામે ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં 141 કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે.

રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબૂએ આજે પત્રકારોને જણાવ્યુ હતું કે, કોરોનાના કેસો વધી રહ્યા હોય, લોકોને જરૂર પડયે કઈ હોસ્પીટલમાં જવું, દવા -ઈન્જેકશનની માહિતી-ડોકટરોની માહિતી વિગેરે સંદર્ભે બે દિવસમાં કલેકટર કચેરીમાં ખાસ કંટ્રોલ રૂમ, વોર રૂમ શરૂ કરી રહ્યા છીએ. જેના માટે અલગથી ફોન નંબર અને સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ઓફિસમાં દરેક સ્ટાફ અને આવનાર અરજદાર માટે માસ્ક ફરજીયાત બનાવી રાખ્યુ છે. આ ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ઝડપી સ્પ્રેડ થાય છે, પરંતુ તે એટલા ઘાતક નથી અને 90 ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે, જે એક રાહતની બાબત છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં આટલા કેસો આવ્યા પરંતુ છતાં શહેરમાં 114 અને જીલ્લામાં 129 દર્દીઓ દાખલ છે. ત્યારે જરૂર પડશે તેમ સમરસ, કેન્સર કોવીડ હોસ્પીટલ, સૌ. યુનિ.નું કોવીડ કેર સેન્ટર, અન્ય આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાશે. હળવા લક્ષણવાળા અને મધ્યમ લક્ષણવાળાને આ બધી હોસ્પીટલોમાં આવરી લેવાશે. માત્ર ગંભીર અસરવાળા દર્દીઓને જ પીડીયુમાં મોકલાશે, જેથી કરીને સીવીલ હોસ્પીટલ ઉપર ભારણ વધે નહીં. સાથે જ હાલ દવા-ઈન્જેકશન ઓકસીજન વિગેરેનો પુરતો સ્ટોક અને સરકારી હોસ્પીટલોમાં પૂરતો સ્ટાફ હોવાનું પણ તેમણે કહ્યું હતું. અને સ્પે. કોરોનાની સારવાર માટે જૂનીયર ડોકટરોની સંખ્યા વધારવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ ભરતી કરવાની તૈયારી તેમણે દર્શાવી હતી.

બીજીતરફ કોરોના કેસનો રાફડો ફાટતા મનપાનું તંત્ર સફાળુ જાગ્યું છે. અને વધુ 50 ધન્વંતરી રથ દોડાવવા નિર્ણય લીધો છે. શહેરના પાંચ સ્થળોએ 24 કલાક ટેસ્ટિંગ બુથ કાર્યરત કરવામાં આવ્યું છે. 3 દિવસમાં 56 ટકા બાળકોએ વેક્સિન અપાઇ છે. 18થી વધુ વયના 9.36 લાખ લોકોને રસી અપાઇ છે. હાલમાં કોરોનાની કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેમનો આ પ્લાન જાહેર કર્યો છે. સાથે દરરોજ સાંજે 7 વાગ્યે તમામ વિભાગો સાથે કોવિડને લઈને બેઠક બોલાવાશે અને જે રીતે બીજી લહેરમાં ચર્ચા થતી હતી તેવી જ ચર્ચાઓ કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud