(નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ રેવાના લેખક – દિગ્દર્શક રાહુલ ભોળે લિખિત ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. પુસ્તક ખરીદવા માટે http://bit.ly/rahul-bhole-books પર ક્લિક કરશો. પ્રસ્તુત છે વિજ્ઞાન વિશ્વ પુસ્તકનો એક લેખ)

ખેડા જીલ્લો એતિહાસિક રીતે ભારતભરમાં એક આગવી ઓળખ ધરાવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સરદાર પટેલનું વતન, ગાંધીબાપુના બીજા સત્યાગ્રહની કર્મભૂમિ અને અમુલની શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલું ખેડા, ભારતમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ લાવવા પાછળ પણ મહત્વનો ભાગ બન્યું હતું. બીબીસીએ દુનિયામાં પહેલીવાર ટીવી પ્રસારણ શરુ કર્યું તેના પચ્ચીસેક વર્ષ પછી ભારતમાં પહેલું ટીવી આજથી ઠીક 60 વર્ષ પહેલા દિલ્હીમાં ૧૫મી સપ્ટેમ્બર ૧૯૫૯માં આવ્યું. આ સમયે ટીવી પર આખા અઠવાડિયામાં ફક્ત બે જ પ્રોગ્રામ આવતા અને તે પણ ફક્ત એક કલાક માટે જ. તેના પછીના ૧૫ વર્ષોમાં મુંબઈ, ચેન્નાઈ, લખનો, અમૃતસર, શ્રીનગર જેવા મોટા શહેરોમાં ટીવી પ્રસારણ શરુ થઇ ચુક્યું હતું પણ હજુ ભારતના હજારો ગામો માટે ટીવી ફક્ત એક સપનું હતું. જોકે ભારતના દીર્ઘદ્રષ્ટા અને ગુજરાતના સપુત વિક્રમ સારાભાઈના મગજમાં આ સ્થિતિને બદલવાના વિચારો ચાલી રહ્યા હતા.

ડૉ.હોમી ભાભાના આકસ્મિક અવસાન પછી (આટલા વર્ષો પછી થોડા વર્ષ પહેલા જ છાપાઓમાં ફરી ચર્ચાઓ છેડાઈ હતી કે ડૉ. હોમી ભાભાની મૃત્યુ પાછળ અમેરિકન એજન્સી સી.આઈ.એનો હાથ હતો) ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય એટોમિક એનર્જી કમીશનના વડા બનાવી દેવામાં આવ્યા હતા. સારાભાઈ ભારતને સ્પેસ યુગમાં લઇ જવાના સપના સેવી રહ્યા હતા અને સ્પેસ સાયન્સનો વિકાસ કરી ભારતને કોમ્યુનિકેશન, હવામાન અને શિક્ષણ ક્ષેત્રે અવ્વલ બનાવવા માંગતા હતા.

એટોમિક એનર્જી કમીશનના વડા બન્યાના એક જ વર્ષમાં સારાભાઈએ અમેરિકન એજન્સી નાસા સાથે વાર્તાલાપ શરુ કર્યા અને ભારત-અમેરિકાની પાર્ટનરશીપ કરી સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલીવીઝન એક્સ્પ્રીમેન્ટ (SITE)નો પાયો નાખ્યો. SITE હેઠળ સારાભાઈ ભારતમાં ટેકનોલોજી દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવાનો પ્રયાસ કરવા માંગતા હતા. ટીવીનું પ્રસારણ કરતો નાસાના ઉપગ્રહની મદદથી છત્રીની જેમ ખુલતા મોટા ૯ મીટર જેટલા એન્ટીના દ્વારા તેના કિરણો ઝીલી ભારતના ગામેગામ ટીવીનું પ્રસારણ થઇ શકે તે આ પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ હતો.

પહેલા એક વર્ષ માટે કોઈ એક ગામમાં આ પ્રયોગ સફળ થાય તો ભારતના દરેક ગામોમાં આં પ્રયોગ દોહરાવી શકાય તેમ હતું. ઉપગ્રહ ભલે નાસાનો હોય, પણ ટીવી સેટથી માંડીને એન્ટીના અને ઉપગ્રહ પર નવા કાર્યક્રમ સતત અપલોડ કરી શકતા સ્ટેશન ભારતે જાતે વિકસાવાના હતા. વિક્રમ સારાભાઈએ આ પ્રોજેક્ટ માટે નડિયાદ પાસેનું પીજ ગામ પસંદ કર્યું અને આ પ્રોજેક્ટનું નામ ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ આપ્યું. ટીવીનું પ્રસારણ જો ગામમાં સફળ થાય તો ટીવી પર બતાવાનું શું એ મોટો પ્રશ્ન હતો. ગામના લોકોનો રસ ટીવીમાં જળવાઈ રહે એટલા માટે સ્થાનિક ભાષા ગુજરાતીમાં જ નવા કાર્યક્રમ બનાવાનું નક્કી થયું અને તે માટે પીજ ખાતે સ્થાનિક સ્ટુડીઓ ઉભો કરવામાં આવ્યો. કાર્યક્રમને ઉપગ્રહ સાથે લીંક કરવા અમદાવાદ ખાતે સેટેલાઈટ અર્થ સ્ટેશન ઉભું કરાયું જ્યાંથી દરેક કાર્યક્રમ ઉપગ્રહ સાથે લીંક કરાય અને તે ઉપગ્રહ પછી પીજ ગામના એન્ટીના દ્વારા ગામનાં ટીવી સેટમાં દેખાય. ગામમાં રીસીવર તરીકે જે એન્ટીના મુકાયો તે આજે ઘરઘરમાં મળી આવતા DTH કરતાય ઉણો ઉતરતો હતો.

આટલું કર્યા બાદ પીજ ગામના ૩૫ કિલોમીટરના વર્તુળમાં ૬૫૧ ટીવી સેટ ભેટ કરવામાં આવ્યા. લાકડાના બોક્સમાં બનાવેલા આ ટીવી ભારતની ટેકનોલોજીની પ્રત્યેની સૂઝનો ઉત્તમ નમુના જેવા હતા. કેટલીય ગરમી, ભેજ, વોલ્ટેજ, ટ્રાન્સપોર્ટ દરમિયાન લાગતા આચકાથી પણ ટીવીના ફ્યુઝ ન ઉડી જાય તે હદે સક્ષમ અને ક્વોલિટી પ્રોડક્ટ હતા!

એતિહાસિક ક્ષણ ૧૯૭૫માં જુલાઈ મહિનાની એક સાંજે આવી જ્યારે ગામના પાદરે લગભગ ૧૦૦ લોકો ભેગા થયા હતા અને વચ્ચોવચ મુકેલા લાકડાના બોક્સ વડે બનાવેલા ટીવી સેટની બંધ સ્ક્રીન સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. અચનાક કોઈ કર્કશ અવાજ સાથે ટીવી પર કઇ ડીસ્ટર્બન્સ આવ્યું અને માત્ર ૨ જ સેકન્ડમાં ટીવીની અંદર ગુજરાતીમાં જ વાત કરતા લોકો દેખાવવા માંડ્યા. પીજ ગામના લોકો માટે આ કોઈ જાદુ સમાન હતું અને બધાએ ચિચિયારીઓ સાથે આ એતિહાસિક ક્ષણ વધાવી લીધી.

(આશ્ચર્ય સાથે ટીવી નિહાળી રહેલાં ગ્રામજનો)

ગામડાંમાં ફક્ત પ્રસારણ કરી ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ અટક્યો નહિ. સારાભાઈને એ જોવું હતું કે ગામના લોકોને આ નવી ટેકનોલોજીમાં રૂચી લે છે કે નહિ. જો ગામના લોકોને ટીવીસેટ જોતા કરી દેવાય તો સ્વાસ્થ્ય, શિક્ષણ, નિયમ-કાનુન, નાગરીકોના મૂળભૂત હક્કો વિષેના સરસ-સુંદર પ્રોગ્રામ બનાવી તેઓ દરેક ગામવાસીને જાગૃત બનાવવા માંગતા હતા. આ માટે ઈસરો ખાતે યુવાનથી લઈને વૃદ્ધ સુધી, વિજ્ઞાનીઓથી લઈને એન્જિનિયર સુધી, લોકગીત ગાનારાઓથી લઈને સાંસ્કૃતિક નૃત્ય કરનારાઓ સુધી, નાટ્યકારો અને લેખકોથી લઈને એક્સપર્ટ ફિલ્મ ડીરેક્ટરો સુધી બધાને ભેગા કરવામાં આવ્યા. દુનિયાની કોઈ પણ અવકાશ સંસ્થામાં આ હદનું વાયબ્રન્ટ વાતાવરણ ક્યારેય જોવા મળ્યુ ન હતું. અમદાવાદ ઈસરોની આખી ટીમ ભેગી થઇ ખેડાના ગામેગામમાં જઈને શુટિંગ કરવા માંડી. સ્થાનિક લોકોને જ કલાકારો તરીકે પસંદ કરાતા. એકાએક ખેડામાં એકટર્સ ઉભા થવા માંડ્યા, રોજગારી વધવા માંડી. સ્કૂલોના ૫૦ હજાર જેટલા શિક્ષકોને ટ્રેનીંગ આપવામાં આવી અને તેમના શૈક્ષણિક કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા.

ગામની મૂળભૂત સમસ્યાઓને આવરી લેતા કાર્યક્રમ બનવા માંડ્યા જે જોવાથી પ્રેક્ષકોમાં એક અલગ પ્રકારનું જુનુન આવતું. ‘દાદ ફરિયાદ’ નામની એક ગુજરાતી સીરીયલ આમિર ખાનની ‘સત્યમેવ જયતે’ને ઝાંકી પાડી દે તે હદે લોકપ્રિય થઇ હતી જેમાં ગામના લોકો પોતાની ફરિયાદો સરકારી ઓફિસરોને કહેતા અને સરકારી અધિકારીઓ દ્વારા તેના અપાતા સોલ્યુશન ટીવી પર જોવા મળતા. ‘હવે ન સહેવા પાપ’ નામની સીરીયલ ઉચ્ચ જાતિના ખેડૂતો દ્વારા હરિજનો પર થતા અત્યાચાર દર્શાવતી જેનાથી લોકો શોષણ પ્રત્યે જાગૃત થયા. ટીવી પર આવતા પ્રોગ્રામ એટલા સુંદર અને માહિતીસભર રહેતા કે જે લોકો ટીવી જોતા એ લોકો પાસે રસીકરણથી લઈને સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષે, ટીવી ન જોતા લોકો કરતા વધુ માહિતી રહેતી.

ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો કે સરકારે એક વર્ષ માટે શરુ કરાયેલા આ પ્રોજેક્ટને અચોક્કસ મુદ્દત માટે શરુ રાખવાની પરવાનગી આપી દિધી. લોકોનો ઉત્સાહ અને જાગૃતિ જોઇને બીજા જ વર્ષેથી આ પ્રોજેક્ટથી પ્રેરણા લઈને રાજસ્થાન, બિહાર, ઓરિસા, મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના બધા ગામોમાં આવા પ્રકારનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો જેમાં ખેતીથી લઈને સંગીત સુધીની માહિતી અપાતી. અચાનક પછાત ગામો શિક્ષિત થવા માંડ્યા. ઓરિસામાં તો હજી કેટલાય ગામોમાં વીજળી પણ નહોતી પહોચી ત્યાં ગામોમાં સ્કુટર અને કારની બેટરી વડે ટીવી ચાલુ કરવામાં આવ્યા. ખાતરથી લઈને રસી, દવાઓ, આસપાસના રાજ્યોના લોકગીતો, લોકનૃત્ય વિષે લોકોને જાણ થવા માંડી. દસ વર્ષ પછી યુનેસ્કો દ્વારા ખેડા પ્રોજેક્ટને પ્રતિષ્ટિત પુરસ્કાર આપવામાં આવ્યો;.

૧૯૮૫ સુધી ઘેરઘેર દુરદર્શન પહોચવા માંડ્યું હતું અને અમદાવાદ ખાતે પણ દુરદર્શનનું મોટું મથક સ્થપાઈ ચુક્યા પછી પીજ ખાતેના ટ્રાન્સમીટરને હવે ચેન્નાઈ શિફ્ટ કરી દેવાનો વિચાર સરકારે કર્યો જેથી ચેન્નાઈમાં પીજની બીજી ચેનલ શરુ થઇ શકે. ‘મારી મહેનત મારી કમાણી’, ‘હું અને મારી ભૂરી’, કાકા ચાલે વાંકા અને નારી તુ નારાયણી જેવા લોકપ્રિય કાર્યક્રમોના ચાહકો અને પીજ ગામના રહેવાસીઓ આ એતિહાસિક ચેનલને જવા દેવા નહોતા માંગતા. ખેડાના લોકપ્રિય થયી ગયેલા કલાકારો પણ ફરી બેરોજગાર થઇ જાત. સમગ્ર ખેડામાં ‘પીજ ટીવી કેન્દ્ર બચાઓ’ના નારા ગુંજી ઉઠ્યા અને સત્યાગ્રહની એતિહાસિક ક્ષણની જેમ ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું. વિધાનગરમાં પોલિટીકલ સાયન્સના પ્રોફેસર ઘનશ્યામભાઈ ધડીયાળી આ ચળવળનું નેતૃત્વ કરી રહ્યા હતા. દુરદર્શન કરતા પણ પહેલા પીજનું સ્થાનિક કેન્દ્ર લોકો ઘેરઘેર પહોચ્યું હતું એટલે સ્વાભાવિક રીતે પીજનું કેન્દ્ર લોકોને પોતિકુ લાગતું હતું.

ઘનશ્યામભાઈએ સ્થાનિક લોકોને સમજાવ્યા કે અમદાવાદમાં સરકારની ચેનલ દુરદર્શનનું ૧૦ કે.વી.નું મોટું ટાવર સ્થપાઈ રહ્યું હોવાથી પીજનું ૧ કે.વીનું નાનું ટાવર ઝાંકુ પડી જશે અને એટલે જ દુરદર્શનનું ટાવર લાવતા વાહનોને અટકાવી દેવા લોકો રસ્તા પર આવી ગયા હતા. ડૉ. કુરિયનથી લઈને મૃણાલિની સારાભાઈ જેવા પ્રભાવશાળી લોકો આ આંદોલનને ટેકો આપી રહ્યા હોવા છતાં ૫ વર્ષ આંદોલન ચાલ્યા બાદ, ૧૯૯૦માં ટ્રાન્સમીટરને ચેન્નાઈ ખાતે શિફ્ટ કરી જ દેવાયું.

ગામના જે સ્થળે ટ્રાન્સમીટર હતું અને જે જગ્યાએથી આખા ભારતના ગામોમાં ટીવી ક્ષેત્રે ક્રાંતિ આવી અને લોકો વધુ સજાગ અને શિક્ષિત થયા તે જગ્યા આજે ખેતી માટે વપરાય છે. પણ પીજ ગામે રહેતા વડીલોના હ્રદયમાં હજુ એ ટેકનોલોજીની ક્રાંતિની યાદો તાજી છે. સ્વતંત્ર થયા પછી ભારતે ટેકનોલોજી ક્ષેત્રે બતાવેલો આ ગજબનો પરચો હતો જેની નોંધ દુનિયાભરમાં લેવાઈ હતી  મશહુર સાયન્સ ફિક્શન લેખક આર્થર કલાર્કે કહ્યું હતું કે ખેડા ખાતેનો પ્રયોગ ઈતિહાસમાં થયેલો આજ સુધીનો સૌથી મોટો અને સફળ પ્રયોગ હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud