કોરોનાકાળ શરૂ થયો ત્યારથી એટલે કે ડિસેમ્બર, ૨૦૧૯થી વિશ્વના તમામ દેશો તેની સામે ઝઝૂમી રહ્યા છે. કેટલીક સરકારોએ કોરોનાને તૂત ગણાવીને અવગણ્યો, તો અન્યોએ લૉકડાઉન લાદીને પોતાના નાગરિકોને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રાઝિલ પ્રમુખ જૈર બોલ્સોનારો અને બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહ્નસન જવાબદાર નેતા હોવા છતાં કોરોનાને અવગણીને પોતાની પ્રજાને જોખમમાં મૂકી. કોરોનાને સામાન્ય તાવ-શરદી ગણનાર આ ત્રણેય પ્રમુખો પર હવે ‘કોરોનાગ્રસ્ત દર્દી’નું ટેગ લાગી ચૂક્યું છે.

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના પ્રેસિડન્ટને ચૂંટણી વેળા કોરોના લાગુ પડ્યો હોવાની વાતને ઘણા લોકોએ તૂત ગણાવી. કેટલાકે તેને ડોનાલ્ડ ટ્રમ્પનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો, તો કેટલાકે તેના વધુ પડતાં આત્મવિશ્વાસનું દુષ્પરિણામ! સચ્ચાઈ એ છે કે, કોરોનાગ્રસ્ત થવાને કારણે ટ્રમ્પ, બોલ્સોનારો અને બોરિસની લોકપ્રિયતામાં જબરો ઘટાડો આવ્યો છે. નાગરિકો સમક્ષ એવું ચિત્ર ખડું થયું છે કે એમના દેશના સર્વોચ્ચ નેતાઓ પોતપોતાની બેદરકારીને લીધે એવા સમયે બિમાર પડ્યા, જ્યારે રાષ્ટ્રને એમની સૌથી વધારે જરૂર હતી!

ભારતે શરૂઆતથી જ કોરોનાને ગંભીરતાપૂર્વક લઈને લૉકડાઉન લાદી દીધા હતાં. તેનો ફાયદો થયો કે નુકશાન, એ ચર્ચાઓ તો ઘણી બધી વખત આપણે કરી ચૂક્યા છીએ. ‘લૉકડાઉન ન હોત તો?’ આ પ્રશ્ન પર ઘણા નિષ્ણાંતો પહેલેથી જ પોતાનો મત આપી ચૂક્યા છે. આજે વાત કરવી છે એવા પ્રમુખોની, જેઓ કોરોનાની અવગણના કરીને લૉકડાઉન ન લાદવાની ભૂલ કરી ચૂક્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, બ્રાઝિલ અને યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશો કોરોનાને ફક્ત મજાક ગણતાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો કોરોનાને સાવ હળવાશથી લેતાં આવ્યા છે. એમણે ફેબ્રુઆરીમાં એવું નિવેદન આપ્યું હતું કે, કોરોના જે રીતે આવ્યો એવી જ જાદુઈ રીતે ચાલ્યો પણ જશે!

ટ્રમ્પને કોરોના થયો ત્યારે કોઈને આશ્ચર્ય નહોતું થયું. સૌ જાણતાં હતાં કે ટ્રમ્પ જે રીતે બેદરકારીભર્યુ વર્તન દાખવી રહ્યા હતાં, માસ્ક વગર બડાઈ મારી રહ્યા હતાં અને જાહેર રેલીઓ યોજીને લોકોના સતત સંપર્કમાં આવી રહ્યા હતાં એના કારણે આજે નહીં તો કાલે, પણ એમને કોરોના થવાનો જ હતો!

(૧) ડોનાલ્ડ ટ્રમ્પ

આજે અમેરિકામાં ૭૨ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ છે અને બે લાખથી વધુ મોત થઈ ચૂક્યા છે. પેન્ડેમિકની ગાઇડલાઇનનું પાલન આખા અમેરિકા પાસે કરાવવાની વાત તો દૂર, ટ્રમ્પ પોતે પણ એનો ભંગ કરતા નજરે ચડ્યા. વ્હાઇટ હાઉસે જે નિયમો નક્કી કર્યા હતાં, એની ખિલાફમાં જઈને ટ્રમ્પ પોતે ત્યાંના નાગરિકોની દ્રષ્ટિમાં ઊણા ઉતરતાં રહ્યા. ફેબ્રુઆરીથી શરૂ કરીને ઑક્ટોબર સુધી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જૂઠ્ઠી પોઝિટિવ સ્ટોરીનો આશરો લઈને લોકોને ઉલ્લુ બનાવતાં રહ્યા. એમનું કહેવું હતું કે ટેસ્ટ વધ્યા હોવાને કારણે કેસ વધી રહ્યા છે, જેમાં રત્તીભરની પણ સચ્ચાઈ નથી એવું અમેરિકનો સમજી ગયા.

એમને કોરોના થયો એ વખતે લોકોએ માન્યું કે કદાચ ટ્રમ્પને હવે સદ્બુદ્ધિ આવે! પરંતુ એવું કશું થયું નહીં. ઉલ્ટું, ટ્રમ્પ હોસ્પિટલમાંથી વીડિયો બનાવતાં નજરે ચડ્યા. ચાર જ દિવસની અંદર એમણે પોતાની જાતને ફિટ અને ફાઇન જાહેર કરી દીધી. લોકોને લાગ્યું કે ટ્રમ્પ હોસ્પિટલમાંથી પરત ફરીને કોરોના સામે સાવધ રહેવાની સૂચનાઓ આપશે, રેલીઓ પર નિયંત્રણ લાદવાની કોશિશ કરશે. એ આશા પણ ઠગારી નીવડી. ટ્રમ્પ ફરી બહાર કરીને ‘કોરોના કંઈ નથી’ના રાગ આલાપવા માંડ્યા છે. એમની આ બેદરકારીનું કેવું પરિણામ આવશે એ તો આગામી ચૂંટણીમાં અમેરિકાના મતદારો જ એમને જણાવી દેશે.

(૨) જૈર બોલ્સોનારો

બ્રાઝિલના પ્રેસિડન્ટ બોલ્સોનારો જુલાઈ મહિનામાં કોરોના પોઝિટિવ થયા. એ જ સમય પર બ્રાઝિલનું નામ કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં બીજા ક્રમ પર હતું. અત્યારે તો જોકે ભારત આ યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. બોલ્સોનારો એવા નેતાઓમાંના એક છે, જેમણે કોરોનાને કારણે થઈ રહેલાં લૉકડાઉનનો પ્રચંડ વિરોધ કર્યો હતો. તેઓ બ્રાઝિલમાં ક્યારેય લૉકડાઉન લાદવા માંગતા જ નહોતાં. કોરોનાને તેઓ ‘સામાન્ય ફ્લ્યુ’ ગણીને અવગણી નાંખતા હતાં. ગત માર્ચ મહિનામાં તો એમણે ત્યાં સુધી કહી દીધું હતું કે ‘આપણે સૌ એક દિવસ તો મરવાના જ છીએ, તો પછી કોરોનાથી આટલું ગભરાવાનું કેમ?’

બ્રાઝિલના લોકોને એમની થિયરી અને કપોળકલ્પિત વાતો ક્યારેય ગળે ન ઉતરી. આમ છતાં બોલ્સોનારો પ્રજાની વિરૂદ્ધમાં જઈને એન્ટિ-લૉકડાઉન પ્રોટેસ્ટ તેમજ ઇવેન્ટ્સ અટેન્ડ કરતા રહ્યા. પોતાના સમર્થકોને માસ્ક કે હેન્ડ ગ્લોવ્ઝ વગર મળવાની એમની વૃત્તિ મીડિયા ચેનલોમાં છલકાતી રહી. બ્રાઝિલના લોકો ટપોટપ મરી રહ્યા હોવા છતાં એમને બિઝનેસ અને કોર્પોરેટ કંપનીઓ વધુ વ્હાલી રહી. અર્થતંત્ર અટકાવીને તેઓ પૈસાનો પ્રવાહ અને ધંધા-રોજગારને અટકાવવામાં નહોતાં માનતાં! આ બાબતને લીધે બ્રાઝિલના લોકોને સતત એવું જ મહેસૂસ થતું રહ્યું કે એમના પ્રમુખને લોકોની જાન કરતા વધારે રસ અર્થતંત્રમાં છે!

એક સમય તો એવો આવ્યો, જ્યારે બ્રાઝિલના બબ્બે હેલ્થ મિનિસ્ટર પોતાનું પદ છોડી ગયા! હેલ્થ ઇમરજન્સી દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીઓની જરૂરિયાત સૌથી વધુ હોય છે. એવા સમયે બોલ્સોનારોએ એક મંત્રીને નોકરીમાંથી કાઢી મૂક્યો, જ્યારે બીજાએ પોતાની જાતે હેલ્થ મિનિસ્ટરનું પદ છોડી દીધું! આટલું જ નહીં, દવાના મામલે પણ તેમના કેટલાક વિવાદો સતત સપાટી પર આવતાં રહ્યા. કોરોનાની કથિત અસરકારક દવા ‘હાઇડ્રોક્સિક્લોરોક્વિન’ને તેઓ નિરંતર પ્રોત્સાહન આપતાં રહ્યા. મેડિકલ જગત સાફ સાફ શબ્દોમાં કહી ચૂક્યું હતું કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન કોરોના માટે ઉપયોગી નથી. આમ છતાં તેઓ પોતાની પ્રજાને એનું સેવન કરવાની સલાહો આપતાં નજરે ચડ્યા. બીજી બાજુ, તેઓ પોતે જુલાઈમાં જ્યારે બિમાર પડ્યા ત્યારે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ખાઈ-ખાઈને જ સાજા થયા, એવું તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે.

(૩) બોરિસ જોહ્નસન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસને શરૂઆતમાં લૉકડાઉન લાદવાની ના પાડી. તેઓ કોરોનાને અત્યંત હળવાશથી લેતાં રહ્યા. પણ જ્યારે બ્રિટિશ નાગરિકોનો મૃત્યુઆંક વધવા લાગ્યો એ વખતે એમણે ફરજિયાતપણે લૉકડાઉન લાદવાની નોબત આવી. આખરે માર્ચ મહિનાના અંત સમયે એમણે દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યુ! આ બદલાવનું મૂળ કારણ પ્રકાની સલામતી ઠીક, પણ જાત અનુભવ હતું! બોરિસ જોહ્નસન કૉવિડકાળની શરૂઆતમાં કોરોનાના દર્દીઓ સાથે હાથ મિલાવતાં જોવા મળ્યા. માર્ચ મહિનાની શરૂઆતમાં એમણે લીધેલી હોસ્પિટલ મુલાકાતોમાં તેઓ બિંદાસ્તપણે કોરોનાના દર્દી સાથે ફોટો ખેંચાવતા અને ઠઠા-મશ્કરી કરતા જોવા મળ્યા. આખી દુનિયાએ એમના આવા બેદરકારીભર્યા વલણની આકરા શબ્દોમાં નિંદા કરી. પરંતુ બોરિસને ફર્ક ન પડ્યો. આખરે ૨૭મી માર્ચના રોજ એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એ વખતે એમને ટ્રીટમેન્ટ લેવા માટે એક મહિના સુધી આઇસોલેશનમાં રહેવું પડ્યું. ૨૭ એપ્રિલ સુધી તેઓ ફરજ પર હાજર ન થયા. નેશનલ ઇમરજન્સી વચ્ચે દેશના વડાપ્રધાન એક-એક મહિના સુધી પોતાની બેદરકારીને લીધે ગાયબ રહે એ વાતથી બ્રિટિશ નાગરિકો ભયંકર નારાજ થયા.

ત્યારબાદ એમની શાન ઠેકાણે આવી અને તેઓએ કોરોનાને ગંભીરતાપૂર્વક લઈને સાવચેતીપૂર્વક અર્થતંત્રને રિ-ઓપન કરવાની સૂફિયાણી સલાહો આપી. જોકે, ત્યારબાદ પણ એમના નેતૃત્વ પર ઘણી આંગળી ચીંધાતી રહી.

અમેરિકા, બ્રિટન અને બ્રાઝિલ જેવા માતબર દેશોના વડા આવી ગંભીર ભૂલો કરી શકે એવું ઘડીભર માન્યામાં આવતું નથી. આપણે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન લાદ્યુ એમાં ઘણાને તકલીફ પડી. વિરોધો થયા. નારા લગાવાયા. પણ ધારી લો કે, નરેન્દ્ર મોદીએ પણ લૉકડાઉન ન લાદીને અર્થતંત્ર દોડતું રાખવાનો જ વિકલ્પ પસંદ કર્યો હોત તો? ચિત્ર શું હોત? જવાબ એ છે કે, એમના એ નિર્ણયનો પણ આપણે વિરોધ કરી રહ્યા હોત! કારણકે ભારતની મૂળ પ્રકૃતિ જ વિરોધ કરવાની છે. કોઈ નિર્ણય બાબતે સંતોષ વ્યક્ત કરવાની ફિતરત આપણામાં છે જ નહીં!

બ્રાઝિલના પ્રેસિન્ડન્ટ જેવું વિધાન અગર ભારતના વડાપ્રધાને ઉચ્ચાર્યુ હોત તો આપણા દેશની હાલત કેવી હોત એની કલ્પના કરી શકો છો?

‘મને તો ખબર જ હતી કે એક દિવસ મને કોરોના થશે! હકીકત તો એ પણ છે કે, અહીંયા સૌને કોરોના થવાનો છે, તો પછી ડરવાનું કેમ? તેને લીધે થઈ રહેલાં મૃત્યુનો મને ખેદ છે, પરંતુ લોકો તો દરરોજ મરે છે… અને એનું નામ જ જિંદગી!’ બ્રાઝિલના પ્રેસિડન્ટ બોલ્સોનારોના આવા બેજવાબદારીભર્યા નિવેદન અને દ્રષ્ટિકોણને લીધે આજે ત્યાં દોઢ લાખ જેટલા નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે! આવું વિધાન અગર ભારતના વડાપ્રધાને ઉચ્ચાર્યુ હોત તો આપણા દેશની હાલત કેવી હોત એની કલ્પના કરી શકો છો?

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !