ભારતમાં હજુ યુટ્યુબને બિઝનેસ કે ફુલ ટાઈમ જોબ તરીકે ધ્યાનમાં લેવાય એ દિવસોને ભવની વાર છે. કારણકે અન્ય સામાન્ય નોકરીની માફક અહીં કોઈ ફિક્સ્ડ સેલરી કે ભથ્થું બાંધી અપાતું નથી. પોતપોતાની ટેલેન્ટ અને કન્ટેન્ટ યુનિકનેસનાં આધાર પર યુટ્યુન સૌને રોજીરોટી કમાવી આપવામાં મદદ કરે છે. ઈન્ડિયન પેરેન્ટ્સને હજુય ‘નાઈન ટુ ફાઈવ’ની જોબ વધુ સેફ અને સાઉન્ડ લાગે છે. આજનો આ લેખ એવાં અમુક યંગસ્ટર્સને સમર્પિત છે જેઓ પોતાની કરિયર યુટ્યુબ થકી શરૂ કરવા માંગે છે, યુટ્યુબને પોતાનો પાર્ટૅ-ટાઈમ નહિ પરંતુ ફુલ-ટાઈમ બિઝનેસ બનાવવા માંગે છે અને ખાસ કરીને એવાં વાલી માટે, જેમનાં માટે યુટ્યુબ ફક્ત વીડિયો જોવાનું અને શેર કરવાનું માધ્યમ છે; પૈસા કમાવવા માટેનું નહી!

ટોરન્ટોમાં જન્મેલી ઈન્ડો-કેનેડિયન લિલી સિંહ આજે સફળ યુટ્યુબર છે. તેણે ફક્ત યુટ્યુબ જ નહી, ટીવી-ડોક્યુમેન્ટરિઝ-વીડિયો લોગ-પ્લેબેક સિંગિંગ અને ફિલ્મોમાં પણ વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન જમાવ્યું છે.  તેનાં વીડિયોને કુલ બે અબજથી પણ વધારે વ્યુઅર્સ મળી ચૂક્યાં છે. લિલીએ સાયકોલોજી વિષય સાથે સ્નાતક થઈને અભ્યાસમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો. આ સમય દરમિયાન તે પોતાનાં કરિયર બાબતે અતિશય ટેન્શનમાં આવી ગઈ હતી. શું કરવું અને શું ન કરવુંની મૂંઝવણ દિવસે ને દિવસે વધતી જતી હતી. માતા-પિતા પાછા ભારતીય એટલે સ્વાભાવિક રીતે જ લિલીને ભણવાનું આગળ વધારીને સારી નોકરી મેળવવાનું દબાણ પણ ખાસ્સું હતું. આખરે એમની વાત માનીને લિલીએ સાયકોલોજી વિષયમાં જ માસ્ટર્સ કરવાનું નક્કી કરી લીધું. પણ તેનું મન અંદરથી ના પાડતું હતું.

અભ્યાસમાંથી લીધેલાં બ્રેક દરમિયાન મેક્સિકો ફરવા ગયેલી લિલી એક દિવસ એકલી-અટૂલી બીચ પર ટહેલતી ટહેલતી પોતાની જાત સાથે મનોમંથન કરતી હતી કે તેણે આગળ જીંદગીમાં કરવું શું છે! તેનાં જીવનનો ધ્યેય શું છે? એવું કયું કામ છે જે તેને જિંદગીભર કરતા રહેવાનો આનંદ આવશે? – અને જવાબમાં તેનાં દિલોદિમાગમાંથી એક જ શબ્દ નીકળ્યો—‘યુટ્યુબ’!

મેક્સિકોથી પરત ફર્યા બાદ લિલીએ પોતાનાં માતા-પિતાને જઈને કહી દીધું કે પોતે હવે માસ્ટર્સને બદલે યુટ્યુબ પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પોતાનું પ્રોફેશન બનાવવા ઈચ્છે છે. એ દિવસ અને આજની ઘડી, લિલીએ યુટ્યુબ પર વીડિયો બનાવવામાં પાછું વળીને નથી જોયું.

માર્ચ, ૨૦૧૭માં લિલીએ પોતાની આ યુટ્યુબ જર્ની અને જિંદગી જીવવાની ફોર્મ્યુલા બતાવતી એક બુક રીલિઝ કરી છે, જેનું નામ છે-’હાઉ ટુ બી અ બોઝ : અ ગાઈડ ટુ કોન્ક્વેરિંગ લાઈફ’! જે ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર રેન્કિંગમાં નંબર વન પર રહી ચૂકી છે.

યુટ્યુબ ઉપરાંત, અભિનય અને સંગીતક્ષેત્રે પણ લિલી સિંહે પોતાનાં ઝંડા ગાળ્યાં છે. ઓગસ્ટ ૨૦૧૩માં માધુરી દીક્ષિત અભિનીત ‘ગુલાબ ગેંગ’ ફિલ્મનાં એક ગીત ‘મોજ કી મલ્હારેં’ માટે લિલીએ પોતાનો અવાજ આપ્યો છે. તદ્દુપરાંત, તેણે ઘણાં-બધાં અંગ્રેજી રેપ સોંગ પણ ગાયા છે. સ્પીડી-સિંહ અને થેન્ક યુ(૨૦૧૧) જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ છે. ૨૦૧૬માં આવેલી ‘આઈસ-એજ’ એનિમેટેડ ફિલ્મનાં બે પાત્રો બબલ્સ અને મિસ્ટી માટે તેણે ડબિંગ કર્યુ છે. ‘બેડ મોમ્સ’ ફિલ્મમાં એક કેમિયો રોલ કર્યો છે અને આવું તો ઘણું બધું…

ટૂંકમાં કહીએ તો, લિલી સિહં અત્યારે સફળતાની ટોચ પર બિરાજમાન છે. તેને યુનિસેફ દ્વારા બાળકોનાં હકહિતો માટેની ‘ગુડવીલ એમ્બેસેડર’ જાહેર કરાઈ છે.

પ્રથમ ભારતીય સક્સેસફુલ યુટ્યુબર હોવાને નાતે લિલીએ ઘણી કઠિનાઈઓનો પણ સામનો કરવો પડ્યો છે. અમેરિકન મીડિયા લિલીનાં સફળ હોવા પર ઘણું જ અચંબિત થયું હતું. લિલી તમામ યંગસ્ટર્સને પોતાનાં કામ પ્રત્યે વફાદાર રહેવાની સલાહ આપે છે. કારણકે આ ક્ષેત્રમાં તમને નફરત કરનાર લોકો પણ હોવાનાં અને ટીકાકારો પણ! તેમનાથી ગભરાયા વગર કે પીછેહઠ કર્યા સિવાય યુટ્યુબને વળગી રહીને મનોરંજક કન્ટેન્ટ પીરસતાં રહેવું એ જ એક યુટ્યુબરને સફળતાની સીડી ચડવામાં મદદ કરે છે.  સો કીપ લર્નિંગ એન્ડ કીપ ગોઈંગ…!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud