• હજુ થોડા દિવસ પહેલા જ મોટા ભાઈ મહેશ કનોડિયાનું થયું હતું નિધન
  • નરેશ કનોડિયા યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર

અમદાવાદ. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાનું નિધન થયું છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવતાં નરેશ કનોડિયાનો તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં તેમની સારવાર ચાલુ હતી. થોડા દિવસ પહેલા જ તેમના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું.
પહેલા મહેશ અને હવે નરેશની વિદાયથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વેલીને આવ્યા ફૂલથી તેમણે ગુજરાતી ફિલ્મમાં કરિયરની શરૂઆત કરી હતી. સ્નેહલતા સાથે તેમની જોડી સુપરહિટ સાબિત થઈ હતી.

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી. આશરે 40 વર્ષની કરિયરમાં તેમણે અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપીને અનોખો ચાહકવર્ગ ઉભો કર્યો હતો.

નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

નરેશભાઈ કનોડિયાના પાર્થિવ દેહને ગાંધીનગર સેકટર ૩૦ ના સ્મશાન ગૃહ ખાતે લઇ જવાશે અને અંતીમ સંસ્કાર થશે. તે પહેલાં પાંચ મીનીટ માટે પરીવાર, મીડીયા અને નજીકના વતૃળો માટે અંતીમ દર્શન માટે લાવવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud