• યુપીમાં સારવાર શક્ય ન બનતાં સ્મિમેરમાં સફળ ઓપરેશન કરાયું
  • એક પગના ઘૂંટણનું રિપ્લેસમેન્ટ થયાં બાદ હવે બીજા પગનો ઈલાજ પણ શરૂ કરાયો
  • પૈસા ન હોવાથી માઁ કાર્ડ થકી ઘૂંટણનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું

WatchGujarat. ઉત્તરપ્રદેશના જોનપુરમાં રહેતી અને ઘૂંટણની ખરાબીને લીધે ચાલી ન શકતી મહિલાને સ્મિમેરના ડોકટરોએ ચાલતી કરી છે. મહિલાના એક પગના ઘૂંટણનું રિપ્લેસમેન્ટ થયાં બાદ હવે બીજા પગનો ઈલાજ પણ શરૂ કરાયો છે. અત્યંત સામાન્ય પરિવારની શાંતિદેવી પાલ (58) વર્ષોથી ઘૂંટણની અસહ્ય પીડાથી પીડાતી હતી.

મિડીયા રિપોર્ટ મુજબ યુપીમાં અલગ અલગ ડોક્ટરોને દેખાડ્યા બાદ પણ ફરક ન પડતા પાંડેસરા રહેતી દીકરીને ત્યાં આવી હતી. શાંતિબેનને સ્મિમેરના ડોકટરોએ ચેક કરી જાણ્યું કે, ઘૂંટણ બદલ્યા વગર ઈલાજ શક્ય જ નથી. પૈસા ન હોવાથી માઁ કાર્ડ થકી ઘૂંટણનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

મહિલાના બંને પગના હાડકા વળેલી હાલતમાં હતા

મહિલાનો એક્સ રે ચેક કરતા બંને પગના ઘૂંટણના એક્સ રેમાં ઘૂંટણ પાસે પગનું હાડકું વળેલી હાલતમાં હતું.જે ઠીક કરવું ઘૂંટણ બદલ્યા વિના શક્ય ન હતું. ઓર્થો વિભાગના હેડ ડો. જનક રાઠોડ અને ટીમે મહિલાના પરિવાર સાથે વાત કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની તૈયારી કરી હતી. આખરે એક પણ રૂપિયાના ખર્ચ વગર શાંતિદેવીને દર્દ મુક્ત કરાયા હતા. ડોકટરોએ બીજા પગમાં પણ ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની તૈયારી હાથ ધરી હતી.

ડોક્ટરને હાથ જોડી કહ્યું, તમે મારા માટે ભગવાન બનીને આવ્યા

મહિલાને વર્ષો જુના દર્દમાંથી મુક્તિ મળતા મહિલાએ ઓર્થોના ડોક્ટર જનક રાઠોડનો હાથ જોડી આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, ચાલવા, ટોયલેટ જવા અને અન્ય સામાન્ય કામ કરવામાં પણ ખૂબ જ દર્દ થતું હતું. ડોક્ટર મારાં માટે ભગવાન બનીને આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners