• કોરોના દર્દીઓ અને એમ્બ્યુલન્સની અવરજવર ધરાવતાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં પણ જન્મદિવસની ઉજવણી
  • માસ્ક વગરના લોકોને દંડ ફટકારતાં પોલીસ તંત્રની આબરૂના ધજાગરાં ઉડાડતો કિસ્સો

WatchGujarat. સરકાર દ્વારા લાગુ કરાયેલા કોરોના કર્ફ્યુના ધજાગરાં ઉડાડીને જન્મ દિવસની ઉજવણી કરવાના બે કિસ્સાઓ રાજકોટમાં સામે આવ્યાં છે. માસ્ક વગરના લોકોને શોધી શોધીને દંડ ફટાકારતાં પોલીસ તંત્રની આબરૂ કાઢતી એક ઘટના પોલીસ લાઈનમાં જ જોવા મળી હતી. તો અન્ય કિસ્સામાં કોરોના દર્દીઓ અને એમ્બ્યુલન્સની સતત અવરજવર ધરાવતાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગત 22 એપ્રિલના રોજ પોલીસ પુત્ર રિઝવાન મોગલના બર્થ – ડેની ઉજવણી પોલીસ લાઈનમાં કરવામાં આવી હતી. કોરોના કર્ફ્યુ ટાણે પોલીસ હેડ ક્વાર્ટરમાં હનુમાન મંદિર પાસે કાર પર કેકની લાઈન લગાવી ઉજવણી કરાઈ હતી. તેમજ ફટાકડાં પણ ફોડવામાં આવ્યા હતાં. કોરોના કર્ફ્યુની ઐસી કી તૈસી કરીને ઉજવાયેલી બર્થ – ડે પાર્ટીનો વિડીયો વાઈરલ થતાં મામલો સપાટી પર આવ્યો છે. જોકે, આ મામલે પોલીસ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરાશે કે કેમ? એ પ્રશ્નનો જવાબ હાલના તબક્કે પ્રાપ્ત થતો નથી.

અન્ય એક કિસ્સામાં સિવિલ કોવિડ હોસ્પિટલની અંદર જવાના ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં કાર પર કેક રાખીને જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં દર્દીઓ સારવારની રાહ જોઈને ઉભા રહેતાં હોય છે. સતત એમ્બ્યુલન્સની અવર જવર રહેતી હોય છે. ત્યાં કોરોના કર્ફ્યુની પરવા કર્યા વગર બિન્દાસ્ત રીતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતાં અનેક સવાલો ઉભા થયાં છે.

પોલીસ તંત્રએ એક જ દિવસમાં માસ્ક વગર નિકળેલાં 827 લોકો પાસેથી 8.27 લાખનો દંડ વસૂલ કર્યો છે. જાહેરમાં થુંકનાર 21 લોકો પાસેથી 10,500નો દંડ વસૂલ્યો છે. જાહેરનામા ભંગ હેઠળ 149 કેસ નોંધ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના 28 ગુનાં ચોપડે ચડાવ્યા છે. હવે આ બે કિસ્સામાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? એ જોવું રહ્યું.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ જ આકરો સાબિત થઈ રહ્યો છે. હોસ્પિટલ્સ દર્દીઓથી છલકાઈ રહી છે. આવા સમયે નાગરીકોએ જાગૃત થવાની જરૂર છે. માસ્ક પહેરવાંથી માંડી નાનાં – મોટાં પ્રસંગોની ઉજવણીમાં સમય દર્શાવવો આવશ્યક બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud