• કુવાડવા રોડ પરની હોટલમાં કોઈ જ મંજૂરી વિના બોગસ ડોક્ટરે કોવિડ કેર સેન્ટર શરૂ કરી દીધું હતું
  • પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં ભેજાબાજ પિતા હેમંત રાજાણી અને પુત્ર શ્યામ રાજાણીનું ભોપાળું સામે આવ્યું

WatchGujarat. કોરોના કાળમાં એક તરફ લોકો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ લેભાગુ તત્વો પણ બેફામ બન્યાં છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલી હોટેલમાં કોઈ જ પ્રકારની મંજૂરી વિના કોવિડ કેર સેન્ટર ખોલનાર બોગસ ડોક્ટર પિતા – પુત્ર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બોગસ ડોક્ટર પિતા પોલીસના સકંજામાં આવી ચડ્યો છે, જોકે, પુત્ર નાસી છૂટ્યો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બોગસ ડોક્ટર પિતા – પુત્ર અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યાં છે.

કુવાડવા રોડ પર આવેલી ધ ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં બોગસ ડોક્ટર દ્વારા કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યું હોવાની બાતમી બી-ડિવિઝન પોલીસને પ્રાપ્ત થઈ હતી. જેને પગલે પોલીસે હોટેલમાં તપાસ કરી હતી. હોટલ એન્ડ રેસ્ટોરન્ટની બહાર હાજર લોકોની પુછપરછ કરતાં હોટેલમાં કોરોનાની હોસ્પિટલ ચાલુ હોવાની જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ હતી.

પોલીસ કર્મીઓએ હોટલમાં જઈને તપાસ કરતા કોરોનાના દર્દીઓ જોવા મળ્યા હતા. એટલું જ નહીં દર્દીઓને સીલીન્ડર મારફતે ઓકસીજન તથા શરીરમાં બાટલા ચડાવેલા જોવા મળ્યાં હતાં. આ અંગે હોટેલના માલિક 60 વર્ષીય હેમંતભાઇ દામોદરભાઇ રાજાણીને પુછપરછ કરતાં, તેણે જણાવેલ કે તેનો દિકરો શ્યામ હેમંતભાઈ રાજાણી કોરોનાના દર્દીઓની સારવાર કરે છે, અને સાથે-સાથે પોતે દીકરાને આ કામમાં મદદ કરી રહ્યાં છે.

પોલીસે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા શ્યામ રાજાણી વિરુધ્ધ અગાઉ બી. ડિવિઝન પોલીસ મથકમાં બોગસ ડોક્ટરનો ગુન્હો દાખલ થયો હોવાનું તથા હેમંતભાઇ સામે સિવિલ હોસ્પીટલમાંથી દવાઓની ચોરી કરવાનો ગુન્હો દાખલ થયો હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસ કરતા આ હેમંતભાઇ રાજાણી કે તેના દિકરા શ્યામનું કોઇ માન્ય સંસ્થાનું તબીબી પ્રેક્ટીસ કરવા માટે કોઇ ડીગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનું પણ સામે આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં બંને દર્દીઓ પાસેથી રૂપિયા 18 હજાર વસુલતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંને વિરુદ્ધ ગુનો નોંધી હેમંત રાજાણીની ઝડપી પાડ્યો છે જ્યારે ફરાર શ્યામ રાજાણીની શોધખોળ હાથ ધરી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud