• સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પુનઃ વડોદરા પધારેલાં OSD ડો. વિનોદ રાવે ફરી કોરોના એટેકની ધુરા સંભાળી.
  • વડોદરામાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવાં 61 કેસો નોંધાતાં પોલીસ અને કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું.

Watch Gujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર શરૂ થતાં જ તંત્ર દ્વારા કોરોના પરની પકડ ઢીલી કરી દેવામાં આવી હતી. ઠેઠ શિવજી કી સવારી સુધી કોર્પોરેશન કે પોલીસ તંત્રને ટોળાંઓ એકઠાં થવા સામે કોઈ જ પ્રકારનો વાંધો પડ્યો નહોતો. જોકે, હવે જ્યારે કોરોના માંથુ ઉંચકી રહ્યો છે ત્યારે સોમવારથી પોલીસ અને કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવવાનું છે. આ તબક્કે એમ કહી શકાય કે, સોમવારથી માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને પોલીસ કે કોર્પોરેશનના હાથે દંડાતાં શિવજી પણ નહીં બચાવી શકે.

તાજેતરની ચૂંટણીમાં તમામ પક્ષોએ કોરોનાની ચિંતા કર્યા વગર પ્રચાર કર્યો હતો. અને પોલીસ તેમજ કોર્પોરેશન તંત્ર દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. એક તબક્કે તો જાણે શહેરમાં કોરોનાનો સ્હેજપણ ખતરો ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એમાં ગત મહાશિવરાત્રિના રોજ શહેરમાં નિકળેલી શિવ પરિવારની શિવજી કી સવારીમાં તો બે – અઢી લાખ લોકો ઉમટી પડ્યા હતાં.

શિવજી કી સવારીના આયોજક મંત્રી યોગેશ પટેલને જ્યારે પત્રકારો દ્વારા પુછવામાં આવ્યું કે, આવી રીતે ભીડ એકઠી થવાથી કોરોના સંક્રમણ વકરે તો જવાબદાર કોણ? ત્યારે તેમણે ભગવાનને જવાબદાર ઠેરવતું બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું હતું. તેમજ આમંત્રણ વગર લોકો એકઠાં થઈ ગયા હોવાની દલીલ કરવા સાથે ભગવાન બધું સારું કરી દેશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

મંત્રીના કહેવા પ્રમાણે કોરોના કેસ પર ભગવાને અંકુશ નથી લગાડ્યો પરંતુ, સોમવારથી તંત્ર કોરોના પર આક્રમણ કરવા સજ્જ થયું છે ત્યારે કોરોના અને તંત્રની લડાઈમાં સામાન્ય નાગરીકોને દંડાવાનો વારો આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અત્રે નોંધનિય છે કે, કોરોનાની ઝપટમાં આવેલી ચાર દરવાજા વિસ્તારમાં રહેતી એક વૃદ્ધનું મોત નિપજ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલાં આંકડા અનુસાર, છેલ્લાં ચોવીસ કલાકમાં વડોદરાના શિયાબાગ, એકતાનગર, રામદેવનગર, કિશનવાડી, ગોત્રી, સમા, મકરપુરા, માણેજા, તાંદલજા, પાણીગેટ વિસ્તારોમાંથી 61 નવા કેસ નોંધાયા છે. પાદરા, ડભાસા, કરજણ, લીમડા, ડભોઈ, સાવલી, વાઘોડીયા, પોર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવા કેસ નોંધાયા છે.

વડોદરામાં કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા OSD ડૉ. વિનોદ રાવ ચૂંટણીના પડઘમ શરૂ થતાં જ સુસુપ્ત અવસ્થામાં જતાં રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ડૉ. રાવ પુનઃ જાગૃત થયાં છે અને તેમણે કોરોનાને નાથવા પુનઃ પહેલાં જેવી સર્તકતાથી કાર્ય કરવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે.

મ્યુનિ. કમિશનર પી. સ્વરૂપે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, સોમવારથી પોલીસ અને કોર્પોરેશનની બનેલી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા અસરકારક કામગીરી શરૂ કરી દેવામાં આવશે. છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને અંકુશમાં લેવા ડોર ટુ ડોર સર્વેમાં વધારો કરાશે. સંજીવની રથ હવે દિવસમાં એક વખતને બદલે બે વાર ફરતા કરાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સમાં વર્ષ દરમિયાન કોરોનાને અટકાવવા માટે કરાયેલી કામગીરીની સમીક્ષા કરી ફરીથી અસરકારક કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.

એકંદરે, કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર એક્શનમાં આવશે. આ સંજોગોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર, માસ્ક નહીં પહેરનાર દંડાશે. એ નક્કી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud