• રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 82 દર્દીનાં મોત થયા છે
  • શહેરમાં રોજ કોઈનો લાડકવાયો, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈના પિતા, કોઈના દાદાને કોરોના ભરખી રહ્યો છે
  • ગતરાત્રે એક પરિવારનાં મોભીનું નિધન થતા માતા પુત્રએ રીતસરનો આક્રંદ મચાવ્યો
  • પરિવારમાં જ્યારે કમાનાર મોભીનું નિધન થાય ત્યારે પરિવાર માટે પડ્યાં પર પાટું જેવો ઘાટ ઘડાય છે

Watchgujarat. સિવિલ હૉસ્પિટલ બહાર પરિવારના મોભીનું નિધન થયા બાદ હૈયાફાટ રૂદન કરતા એક પરિવારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પરિવારના મોભીનાં નિધન થયા બાદ માતા અને પુત્ર હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. પત્ની તેના પતિને ઊભા થવાની બૂમો પાડી રહી છે, જ્યારે પુત્ર તેની માતાને દિલાસો આપતાં આપતાં રડી રહ્યો છે. પુત્ર તેની માતાને કહી રહ્યો છે કે હવે તેઓ ક્યારેય ઊભા નહીં થાય. આ દ્રશ્યો જોઈને ત્યાં મોજુદ સૌકોઈની આંખો ભીની થઇ જાય છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 82 દર્દીનાં મોત થયા છે. જોકે, મોત અંગેનો અંતિમ નિર્ણય ડેથ કમિટી લેતી હોવાથી સરકારી ચોપડે બહુ ઓછા મોત બતાવવામાં આવે છે. રાજકોટમાં સિવિલની કોવિડ હૉસ્પિટલ ખાતે અનેક દર્દીઓ મોતને ભેટે છે. જે જે દર્દીનું મોત થાય છે તેમના પરિવારનું સવારથી સાંજ સુધી અહીં રૂદન સંભળાય છે. કોઈનો લાડકવાયો, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈના પિતા, કોઈના દાદાને કોરોના ભરખી રહ્યો છે. જેના પગલે સિવિલ ખાતે સવારથી રાત સુધી હૈયાફાટ રૂદન સાંભળવા મળે છે. ત્યારે ગતરાત્રે એક પરિવારનાં મોભીનું નિધન થતા માતા પુત્રએ રીતસરનો આક્રંદ મચાવ્યો હતો. સાથે જ એકબીજાને સહારો આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કાળમુખા કોરોનાએ અનેક હસતા રમતા પરિવારોના માળા વીખી નાખ્યા છે. ખાસ કરીને પરિવારમાં જ્યારે કમાનાર મોભીનું નિધન થાય છે ત્યારે પરિવાર માટે પડ્યાં પર પાટું જેવો ઘાટ ઘડાય છે. ગુજરાત રાજ્યની હાલત એવી થઈ છે કે દરરોજ હૉસ્પિટલોમાં અનેક જીવ ગુમાવે છે. હૉસ્પિટલોમાં દાખલ થવા માટે લાઈનો છે, તેવી જ રીતે કોરોનાથી મોતને ભેટનાર લોકોને વિધિ પતાવીને સ્મશાને લઈ જવા માટે પણ લાઇનો લાગી છે. સ્મશાન ખાતે વળી અંતિમસંસ્કાર માટેની લાઈનો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud