watchgujarat: વડોદરા શહેરમાં મહાનગર પાલિકા વતી સાત નવા વોર્ડની કચેરીઓનું ગઈકાલે મેયર કેયુર રોકડિયાએ ઉદ્ઘાટન કર્યું હતું. જે-તે વોર્ડના કાઉન્સિલરો અને લોકોની હાજરીમાં મેયરે વોર્ડની ઓફિસોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના વોર્ડ 5ના ભાજપના કાઉન્સિલર અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ ચૂંટણીના વોર્ડ પ્રમાણે 7 વોર્ડમાં વહીવટી કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આ નવી ઓફિસોથી લોકોને સુવિધા મળશે.

વોર્ડ 5 ના ભાજપના કાઉન્સિલર ડો. પટેલે જણાવ્યું કે આ સિસ્ટમથી લોકોને એક જ ઓફિસમાં જઈને તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે. કાઉન્સિલરોને પણ આ ઓફિસોમાંથી સરળતા રહેશે. વોર્ડ 5માં વહીવટી કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે કાઉન્સિલર તેજલ વ્યાસ અને અન્ય કાઉન્સિલરો હાજર રહ્યા હતા.

વોર્ડ ઓફિસમાં ફર્નિચર સહિતની સુવિધાઓ

નવી શરૂ થયેલી વહીવટી કચેરીઓમાં ફર્નિચર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઓફિસોમાં આસિસ્ટન્ટ કમિશનર, રેવન્યુ ઓફિસર, વોર્ડ ઓફિસરની 100% બદલી કરવામાં આવી છે. કચેરી શરૂ થતાની સાથે જ તમામ અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી કમિશનર (વહીવટ) એસ.કે. પટેલના જણાવ્યા મુજબ આગામી તબક્કામાં અધિક ઈજનેર, કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેરની બદલી કરવામાં આવશે. બાકીના અધિકારીઓ અને કર્મચારીઓની તબક્કાવાર બદલી કરવામાં આવશે.

અગાઉ 12 ઓફિસો હતી

મહાનગરપાલિકાના 19 ચૂંટણી વોર્ડમાં 12 વહીવટી કચેરીઓ હોવાના કારણે લોકો અને કાઉન્સિલરોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. આ કારણોસર મહાનગરપાલિકા દ્વારા 19 ચૂંટણી વોર્ડમાં 19 વહીવટી કચેરીઓ ખોલવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners