• મેઘરાજાની ફરી પધરામણીથી 83,000 હેકટરમાં વાવણીને જીવતદાનની આશ
  • અસહ્ય ઉકળાટ અને ગરમીથી આકુળવ્યાકુળ લોકોને પણ ઠંડક થતા રાહત

WatchGujarat. ભરૂચ જિલ્લામાંથી પણ છેલ્લા 20 દિવસથી ચોમાસું ખેંચાઈ જતા જળસંકટ સાથે 83 હજાર હેકટરમાં વાવણી ઉપર ખતરો મંડરાયો હતો. શનિવારે સમી સાંજે આકરી ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને પણ રાહત સાંપડી છે. વાલિયા તાલુકાના દેશાડ ગામે આકાશી વીજળી પડતા નારિયેળનું ઝાડ સળગવા લાગ્યું હતું, જેના વાયરલ વિડીયોએ લોકોમાં કુતુહલ સર્જ્યું હતું.

વરસાદ ગાયબ થઈ જવા સાથે ઉકળાટ અને બફારાએ લોકોને આકુળ વ્યાકુળ કરી દીધા હતા. ચોમાસાની સિઝન ખેંચાઈ જતા આકરી ગરમી સાથે પાણીની સમસ્યા પણ ઉભી થવાની પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું હતું. બીજી તરફ જુનના પ્રારંભે ખેતીલાયક વરસાદથી જિલ્લામાં 83 હજાર હેકટરમાં વાવણી કરી બેસેલા ખેડૂતો બિયારણ બળી જવાની દહેશત વચ્ચે ચિંતામાં ગરક થઈ ગયા હતા.

શનિવારે બપોર સુધી આકરી ગરમીનો દોર રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વાલિયા, ઝઘડિયા, ભરૂચ સહિત પંથકમાં મેઘમહેર શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ભરૂચમાં મેઘરાજા માત્ર માર્ગો ભીનાં કરી વિરામ લઈ લેતા લોકોએ નિરાશ થવાનો વારો આવ્યો હતો.

વાલિયા તાલુકાના દેશાડ ગામે આકાશી વીજળી નારીયેળી ઉપર પડતા વૃક્ષ આગમાં સળગવા લાગતા તેનો વિડ્યો વાયરલ થયો હતો. ઇન્દ્રદેવે આભમાંથી શીતબાણ વરસાવી છેલ્લા કેટલાક દિવસથી ધગધગતી ધરાને ઠંડક પ્રદાન કરવા સાથે પાક બળી જવાની ચિંતામાં ગરક થયેલા ધરતીપુત્રોને પણ તૃપ્ત કર્યા હતા. દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસમાં ભારે વરસાદની આગાહી ને લઈ ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud