• સુરત બાદ અમદાવાદમાં પણ પોલીસ પતિનો પત્ની ઉપર ત્રાસનો કિસ્સો સામે આવ્યો
  • પોલીસ પતિ હંમેશા પત્ની પર ઉશ્કેરાઈ જઇ માર મારતો
  • પોલીસ પતિએ પત્નીને ઠપકો આપ્યો અને પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • પત્નીનું ડેથ ડેક્લેરેશન નિવેદન લેવામાં આવ્યા બાદ પોલીસ પતિ, નણંદ અને જેઠ વિરુદ્ધ શાહીબાગ પોલીસમાં ગુનો નોંધાયો

WatchGujarat  અમદાવાદ શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી મહિલાએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પતિ નાની નાની બાબતોમાં પત્ની સાથે માર ઝૂડ કરી માનસિક અને શારીરીક ત્રાસ ગુજારતો હોવાથી પત્નીએ જીવનનો અંત લાવવાનુ પગલુ ભર્યું હતુ. જોકે સદનસીબે પાડોશીઓએ પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા ICUમાં તેને સારાવર આપવામાં આવી રહીં છે. બનાવને પગલે પરિણીતાએ હોસ્પિટલમાં ડાઇંગ ડેક્લેરેશન નોંધાવતા પોલીસે પતિ સહીત નણંદ અને જેઠ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક ચૌહાણના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતિ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના થોડા સમય બાદથી જ પોલીસ પતિ તેની પત્ની સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કરી માર ઝૂડ કરતો હતો. તેમ છતા પરિણીતા પતિનો ત્રાસ સહન કર્યા કરતી હતી. એક વર્ષ અગાઉ પોલીસ પતિને પીયરમાંથી બાઇક ચલાવવા માટે આપી હતી. થોડા સમય પહેલા બાઇક ઉપર વાંદરાઓ કુદતા નુકશાન પહોંચ્યું હતુ. જેથી બાઇક પરત કરી દેવા પત્નીએ જણાવતા પોલીસ પતિએ હાથ ઉગામી દીધો હતો.

લોકડાઉન સમયે પોલીસ પતિ તેના પરિવારને વતનમાં મુકી આવ્યો હતો. જોકે થોડા સમય પૂર્વે પરિવારમાં સગાઇનો પ્રસંગ હોવાથી તેઓ પરત આવ્યાં હતા. આ સમયે પરિણીતાએ તેની નણંદ પાસે ચણીયા ચોલી પહેરવા માટે માંગતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તેવામાં ઉશ્કેરાયેલા પોલીસ પતિએ વધુ એક વાર પત્ની ઉપર હાથ ઉગામી “જો તું તારા સાચા બાપની દીકરી હોય તો એસિડ પી જા”, પતિની વાતનુ લાગી આવતા પરિણીતાએ બાથરૂમમાં પડેલી એસીડની બોટલમાંથી ઘૂંટડો ભરી લીધો હતો.

શરીરીમાં એસિડ પહોંચતા જ તેણીને બળતરા શરૂ થયા, પોતે એસીડ પી લીધુ હોવાનુ પતિને કહેતા તેણે ફરી માર ઝૂડ કરી હતી. દરમિયાન પાડોશીઓને જાણ થતાં તેઓ પરિણીતાને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબઓ દ્વારા પરિણીતાની સારવાર હાથ ધરતા તબીયત નાજુક જણાતા ICUમાં લઇ જવાઇ હતી. જ્યાં બીજી દિવસે પત્નીને જોવા આવેલા પોલીસ પતિએ કહ્યું , ” તું રહી કે ગઇ”. જોકે સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવતા મોત સામે ઝઝૂમી રહેલી પરિણીતાનુ હોસ્પિટલમાં ડાઇંગ ડેક્લેરેશન નોંધવામા આવ્યું હતુ. જેમાં તેણીએ ઉપરોક્ત તમામ વિગતો નોંધાવી હતી. જેથી શાહીબાગ પોલીસે પતિ અશોક ચૌહાણ, નણંદ લક્ષ્મીબેન અને જેઠ નાગર ચૌહાણ વિરુદ્ધ બનાવની ગંભીરતા જોતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત તા. 5 ડીસેમ્બરના રોજ સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અમિતા જોષીએ પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઇ મોતને વ્હાલુ કર્યું હતુ. ત્યારબાદ અમદાવાદમાં પોલીસ પતિના ત્રાસથી કંટાળી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud