• ગુજરાતની 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 576 બેઠકોમાં સૌ પ્રથમ જીત ભાજપની
  • આપના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતાં અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા બેઠક બિનહરીફ
  • BJPના બિન્દા સુરતી બિનહરીફ જાહેર થતા સૌ પહેલા કાઉન્સિલર બન્યા

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. એક તરફ મતદાનની તારીખ નજીક આવી રહી છે. તો બીજી તરફ આજે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે આ બેઠક બિનહરીફ જીતી લીધી છે. 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની આ પહેલી જીત છે. ત્યારે નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે. જેથી તેઓ અમદાવાદના સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપને વગર મતદાન થયે લોટરી લાગી છે અને બિન્દા સુરતી બિનહરીફ થયા છે. સોમવારે નારણપુરાની રિઝર્વ સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. અમદાવાદમાં આજે 317 ફોર્મ પાછા ખેંચાયા હતા. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે 480 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

અમદાવાદના નારણપુરા વોર્ડની બક્ષીપંચની રિઝર્વ બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકા રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે બિન્દા સુરતીને ટિકિટ આપી હતી. તેવામાં પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પુષ્પાબેન નામના મહિલાને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ સોમવારે થયેલી ફોર્મ ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. જોકે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે નારણપુરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેના પગલે આ બેઠક પર એક માત્ર ભાજપના બિન્દા સુરતી જ ઉમેદવાર છે, જેથી તેઓ બિનહરીફ થઈ ગયા છે. હવે આ બેઠક ઉપર ચૂંટણી યોજાશે નહી. નારણપુરા વોર્ડમાં 3 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.

ભાજપે 1 બેઠક જીતી કોંગ્રેસે 1 ગુમાવી દીધી

અમદાવાદમાં ઉમેદવાર પસંદગી સમયે કોંગ્રેસે પોતાના ઉમેદવારો પાસે પક્ષ પલટો ન કરવાના સોગંદનામા કરાવ્યા હતા. તેમ છતાં મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે. સોમવાર ફોર્મ ચકાસણીના દિવસે સરદાનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે વગર મતદાને 192 બેઠકો પૈકી 3 બેઠકો ગુમાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની 189 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તેની સામે ભાજપે વગર ચૂંટણીએ એક બેઠક જીતી લીધી છે અને 191 બેઠકો ઉપર ચૂંટણી લડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud