અમદાવાદ. ૭ વર્ષની રોશની અમદાવાદના વિંઝોલમાં પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યાં એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતા પેટ પર પૈડુ ફરી ગયુ હતું. રોશનીને ઘણી ગંભીર ઇજા થઇ હતી.  તેના પિતાને ઇજાની જાણ થતા તેઓ ૧૦૮ એમ્બ્યુલન્સમાં રોશનીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. ત્યાર બાદ જે થયુ તે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ માટે ઐતિહાસિક સર્જરી બની રહી.

ગત તા. ૩૦મી સપ્ટેમ્બરના રોજ રોશની સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં સારવાર માટે આવી હતી. ત્યારે તે અત્યંત ગંભીર અવસ્થામાં હતી. પેટના ભાગમાંથી સતત રક્તસ્ત્રાવ વહી રહ્યો હતો. જેને કાબૂમાં લેવું ખૂબ જ જરૂરી હતુ. સોનોગ્રાફી કરતા લીવરના ભાગમાં તેમજ ડાબી બાજુના ફેફસામાં અતિ ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડ્યુ. રોશનીના પેટમાંથી સતત રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો. આ રક્તસ્ત્રાવને અટકાવવા આકસ્મિક સંજોગોમાં ૭ વર્ષીય રોશનીની સર્જરી કરવી પડી. સિવિલ સર્જરી વિભાગના તબીબ મૌલિક મહેતા અને તેમની ટીમ તેની સાથે સિવિલ સંકુલની કિડની હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત તબીબ ડૉ. વૈભવ સુતરિયાના માર્ગદર્શન હેઠળ સાત વર્ષીય રોશનીની સર્જરી હાથ ધરવામાં આવી.

આ સર્જરી કે જેને હિપેટેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં દર્દીના લીવરનો અમૂક ભાગ કાપી દેવામાં આવે છે તે ૭ વર્ષીય રોશની પર હાથ ઘરવામાં આવી. સતત વહેતો રક્તસ્ત્રાવ તેમજ અન્ય ભાગ પર ઇન્ફેક્શન  થતુ અટકાવવા માટે તે ખૂબ જ જરૂરી બની રહ્યુ હતુ. જેથી હિપેટેક્ટોમી કરીને રોશનીને પીડામુક્ત કરવામાં આવી હતી. તેની સાથે ફેફસામાં થયેલી ઇજાની સારવાર માટે ત્યાં એક નળી મૂકવામાં આવી હતી.

સર્જરી વિભાગના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. મૌલિક મહેતા કહે છે કે સીટી સ્કેનના રિપોર્ટમાં ડાબી બાજૂના લીવરનો ભાગ સંપૂર્ણપણે નેટ્રોસ એટલે કે કાળો પડી ગયા હોવાનું માલૂમ પડ્યુ હતુ. આક્સિમ્ક પરિસ્થિતિમાં લોહી ચઢાવ્યા બાદ પણ જોઇએ તે પ્રમાણમાં સુધાર આવી રહ્યો ન હતો.

હિમોગ્લોબીન પણ ૭ અંક જેટલુ પહોંચ્યું હતુ. સાથે સાથે પેટના ભાગમાં દુખાવો વધવા લાગ્યો આ તમામ કારણોસર જ હિપેટેક્ટોમી કરવામાં આવી. હિપેટેકટોમી કરીને રોશનીના લિવરનો અમૂક ભાગ કાપી નાંખવામાં આવ્યો જે ૨થી ૩ મહિનામાં કુદરતી રીતે આપમેળે પૂર્વવત થઇ જશે. આજે સર્જરીને ૧૨ દિવસ થઇ ગયા છે અને રોશની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સ્વગૃહે પરત ફરશે. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં ૭ વર્ષીય બાળકી પર હિપેટેક્ટોમી કરીને લીવરનો ભાગ કાપવામાં આવ્યો હોય અને તે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ઘરે પરત ફરી હોય તેવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌપ્રથમ ઘટના હોવાનું ડૉ. મહેતા ઉમેરે છે.

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં નિરંતરે અત્યંત જટિલ પ્રકારની સર્જરીઓ હાથ ધરવામાં આવે છે. સમગ્ર ગુજરાતભરમાંથી સિવિલ હોસ્પિટલમાં આક્સમિક પરિસ્થિતિઓમાં ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. ગત સપ્ટેમ્બર માસમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા ૩૨૫ આક્સમિક સર્જરીઓ હાથ ધરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !