- ગરદન પર લાકડુ પડતા મણકાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી
- MRIમાં ગરદાનના ત્રીજા , ચોથા અને પાંચમાં મણકામાં 1400 ઘન સે.મી. જેટલી ગાંઠ જોવા મળી
- અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી આસ્માનુ જીવન પૂર્વવત કર્યુ.
- રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમથી મારી દિકરીની અત્યંત જોખમી અને ખર્ચાળ સર્જરી વિનામૂલ્યે થઇ શકી : સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધા અમારા જેવા ગરીબ પરિવાર માટે વરદાનરૂપ છે : સાજેદાબાનુ(માતૃશ્રી)

WatchGujarat 11 વર્ષીય આસ્માબાનુ 6 મહિના પહેલા લોકડાઉનના સમયગાળા દરમિયાન ઘરમાં રમી રહી હતી. ત્યારે એકાએક ગરદાનના ભાગ પર લાકડાનું પાટીયું પડ્યું હતું . જેના કારણે તેને ગળાના ભાગ પર સતત દુખાવો રહેવા લાગ્યો હતો. ધીમે ધીમે દુખાવાની સાથે સોજો પણ વધવા લાગ્યો. જે જોઇને તેના પરિવારજનો ચિંતીત બન્યા હતા. આ તકલીફના નિદાન માટે તેઓ સુરત ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. #Ahmedabad
સુરતની ખાનગી હોસ્પિટલમાં સંતોષકારક જવાબ ન મળતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં આ સમસ્યાનું નિદાન અત્યંત ખર્ચાળ જણાઇ આવતા નિરાશ થઇને ઘરે પરત ફર્યા હતા. ત્યારે એકાએક આસ્માના હાથપગ પણ કામ કરતા બંધ થઇ ગયા અને લઘુશંકા પણ રોકાઇ ગયુ હતું. જે જોઇ પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતું. દરમિયાન તેમના સગામાંથી કોઇએ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવા જણાવ્યું હતું. જે સાંભળી એકપણ ક્ષણ વ્યર્થ કર્યા વગર તેઓ આસ્માબાનુને લઈને સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે આસ્માનો MRI રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ગરદાનના ત્રીજા , ચોથા અને પાંચમાં મણકામાં 1400 ઘન સે.મી. જેટલી ગાંઠ હોવાનું જાણવા મળ્યુ હતું.ગરદાનના ભાગમાં આ ત્રણ મણકામાં ગાંઠ હોવી તેને સર્વાઇકલ ઓસ્ટીયોબ્લાસ્ટોમા કહેવામાં આવે છે. જેની સર્જરી અત્યંત જટીલ હોય છે. જેમાં ધ્યાન રાખવામાં ન આવે તો સર્જરી અથવા સર્જરી બાદ દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને ઓર્થોપેડિક વિભાગના સહ પ્રધ્યાપક ડૉ. પિયુષ મિત્તલ અને તેમની ટીમ દ્વારા એનેસ્થેસિયા વિભાગના સંકલનથી આ સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી હતી. 3 કલાક ચાલેલી સર્જરીની ભારે જહેમત બાદ મણકાની સ્થિતી પૂર્વવત કરવામાં આવી છે. #Ahmedabad
ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યુ કે, આ સર્જરી મગજના ભાગની ખૂબ જ નજીક હોવાથી અત્યંત સંવેદનશીલ બની રહી હતી. જેની કોઇપણ પ્રકારની ગફલત થઇ જાય તો દર્દીના જીવનું જોખમ વધી શકવાની શક્યતાઓ પ્રબળ રહેલી હતી જેની સંપૂર્ણ તકેદારી સાથે સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. #Ahmedabad
ઓપરેશન કર્યા બાદ આસ્માની તબીબી સ્થિતિ ખૂબ જ સરસ છે. હાલ તે જાતે હલન – ચલન કરી શકે છે. તેમજ અન્ય કુદરતી ક્રિયાઓ કરવા પણ સક્ષમ બની છે. જેથી તેને ઘરે પરત ફરવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આસ્માની માતા સાજેદાબાનુ કહે છે કે, મારી દિકરીએ જ્યારે હલન-ચલન કરવાનું બંધ કર્યુ ત્યારે અમે ખૂબ જ ચિંતીત બની ગયા હતા અને તરત જ અમારા સગા-વ્હાલાની સલાહ મળતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા. અહીં આવ્યા બાદ મારી દિકરીની સર્જરી ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ તબીબોએ અમને સતત હિંમત બાંધી અને સફળતાપૂર્વક સર્જરી કરીને મારી દીકરી સ્વસ્થ કરી છે. જે માટે સિવિલ હોસ્પિટની આભારી છું. #Ahmedabad
સિવિલ હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી કહે છે અમારી હોસ્પિટલમાં કોરોનાકાળમાં કોરોનાની સાથે સાથે નોન કોવિડ વિભાગમાં પણ સતત શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે જેનું ઉક્ત સર્જરી શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગ દ્વારા 214 જેટલી અત્યંત જટિલ ગણાતી સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.