• મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક મળી હતી
  • બેઠક બાદ રાજ્યના મહાનગરો સિવાયના અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવાની જાહેરાત કરવામાં આવી
  • માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે

WatchGujarat. ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26એપ્રિલની માર્ગદર્શિકાના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કર્યો છે.રાજ્યમાં હવે 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે તદઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તમામ શહેરોમાં 28 એપ્રીલ થી 5 મે સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ નિયંત્રણો દરમિયાન 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. તમામ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લાદી દીધા બાદ પણ કોરોનાની સ્થિતીમાં કોઇ સુધારો જોવા મળતો નથી. કોરોના કેસોમાં ઉત્તરોત્તર વધારો યથાવત છે. તેવા સમયે અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયમો લાદી દેવા પાછળનું કોઇ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud