• વરસતા વરસાદમાં પણ બેજવાબદાર ઉધોગોએ પોતાનું પોત પ્રકાશયું, કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનો કર્યો નિકાલ
  • લાંબા સમયે મેઘમહેરથી આકરી ગરમીમાંથી લોકોને છૂટકારા સાથે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો
  • વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતા રવિવાર લોકો માટે ખુશનુમા બની ગયો હતો
WatchGujarat. ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ અષાઢી માહોલ જામતા રવિવારે સવારથી જ ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘરાજા વરસી પડ્યા હતા. અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ 64 મિમી અને નેત્રંગમાં 57 મિમી વરસાદ રવિવારે બપોરે 2 કલાક સુધીમાં નોંધાયો હતો.
છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમીથી ત્રાસી ગયેલા લોકોને વરસાદથી આહલાદક ઠંડક પ્રસરી જતા રવિવાર ખુશનુમા બની ગયો હતો. ખેડૂતોમાં પણ ચોમાસાની ફરી જમાવટથી હવે પાકને નવજીવન મળવાની આશાએ ખુશીની લહેર છવાઈ ગઈ હતી. અંકલેશ્વરમાં માત્ર દોઢ કલાકમાં જ 2 ઇંચ આકાશી જળ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હતા.
વરસતા વરસાદ વચ્ચે કેટલાક બેજવાબદાર ઉધોગોએ પોતાનું પોત પ્રકાશવામાં કમી છોડી ન હતી. ધોધમાર વરસાદનો લાભ ઉઠાવી અંકલેશ્વરમાં વરસાદી પાણી સાથે જ કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી છોડી દેવાની ઘટના સામે આવી હતી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ચોમાસાનો લાભ લઇ જાહેરમાં વરસાદી પાણી સાથે કેમિકલ વ્હેવડાવતા ઉદ્યોગો સામે તવાઈ બોલાવે તેવી માંગ લોકોમાંથી ઉઠી હતી.
નેત્રંગ તાલુકામાં પણ બપોરે 2 કલાક સુધીમાં 57 મિમી એટલે કે 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નવા નીરની આવક સાથે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લા અન્ય તાલુકાઓમાં વાલીયામાં 16 મિમી, ઝઘડિયામાં 15 મિમી, ભરૂચમાં 7 મિમી, હસોટમાં 3 અને આમોદમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો હતો. જંબુસર અને વાગરા તાલુકામાં વરસાદે હાજરી નહિ નોંધવતા કોરા ધાકોર રહ્યાં હતાં. રવિવારે સવારથી જ જામેલા વરસાદી માહોલ અને આહલાદક ઠંડક ને લઈ રજાની મજા માણવા શહેરીજનો વિવિધ સ્થળોએ ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે ખુશનુમા વાતાવરણમાં લોકોએ વિવિધ સ્થળોએ લટાર મારવા સાથે ખાણીપીણીની મજા માણી હતી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud