• અંદાજે 200 વર્ષ જૂની સુરતની આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે
  • કહેવાય છે કે જ્યારે અરબો આવ્યા ત્યારે આ મસ્જિદ બંધાઈ હતી
  • મસ્જિદના લાકડાના સપોર્ટ પર અને દીવાલો પર કરાયેલ કારીગરી પણ બેનમૂન
  • કોઈપણ આર્કિટેક્ટની મદદ લીધા વિના મસ્જિદનું નિર્માણ કરાયું – મસ્જિદના પૂર્વ ટ્રસ્ટી પ્રિન્સિપલા એમ.એસ મિચલા

WatchGujarat. સુરત હાલ ભલે સ્માર્ટ સીટીની હરોળમાં દોડી રહ્યું હોય પણ આ શહેરનો ઇતિહાસ તેટલો જ ભવ્ય રહ્યો છે. તાપી નદીના કિનારે વસેલું સુરત પહેલા સૂર્યપુર તરીકે જાણીતું હતું. અને અહીં અસંખ્ય ઐતિહાસિક ઇમારતો એવી આવેલી છે જે લોકો માટે આજે પણ અજાયબી બની રહી છે. આવી જ એક અજાયબી છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ.

શું છે આ મસ્જિદની ખાસિયત ?

અંદાજે 200 વર્ષ જૂની આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે. મસ્જિદનું બાંધકામ કોણે કર્યું તે અંગે કોઈ ઇતિહાસ જાણતું નથી પણ એવું કહેવાય છે કે જ્યારે અરબો આવ્યા ત્યારે આ મસ્જિદ બંધાઈ હતી. મસ્જિદની સૌથી મોટી ખાસિયત તેનો એક પિલર છે. જ્યાં દાદરથી ઉતરીને નીચે જવાય છે. ત્રણ વ્યક્તિઓ હાથ પહોળા કરીને પકડીને ઉભા રહે તેટલી પહોળાઈનો એક પિલર થાય છે. આ એક જ પિલર એવો છે જેના પર આખી બે માળની મસ્જિદ ઉભી છે. પિલરની બાજુમાં ચાર કમાન પર આખી મસ્જિદ સપોર્ટ પર છે. મસ્જિદ 80×65 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તરેલી છે.

પિલરની ઉપરના માળ પર જમાતખાના છે જ્યાં નમાઝ અદા થાય  

મસ્જિદમાં કુદરતી હવા ઉજાસ પણ આવતા તે વધારે શાંતિ આપે છે.  મસ્જિદના લાકડાના સપોર્ટ પર અને દીવાલો પર કરાયેલ કારીગરી પણ બેનમૂન છે. તે સમયના ઝૂમર પણ આજે ભાગ્યે જ જોવા મળે એવા સુંદર છે. મસ્જિદનું જે આર્કિટેક્ચર છે તે પણ આશ્ચર્યચકિત કરે એવું છે. અંડરગ્રાઉન્ડમાં આવેલ એક પિલર, ત્યાં જ વોટર હારવેસ્ટિંગ માટે બનાવવામાં આવેલ વિશાળ પાણીનો ટાંકો તે સમયના કારીગરોની સૂઝબૂઝ દર્શાવે છે. જ્યાં આજે પણ મીઠું પાણી મળી રહે છે, જેનાથી અહીં આવતા નમાઝીઓ નમાઝ પઢતા પહેલા હાથ પગ ધુએ છે.

ઘણી આપત્તિઓ વચ્ચે પણ અડીખમ ઉભી છે મસ્જિદ

સુરતમાં ધરતીકંપ, વરસાદ, પુર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયે જૂની ઇમારતોને ટકવું મુશ્કેલ હોય છે. પણ આ મસ્જિદની એક ઈંટ કે દિવાલ પણ હલી શકી નથી. જે ફક્ત સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં પણ ધાર્મિક રીતે પણ મુસ્લિમ સમાજ માટે ખૂબ મહત્વ રાખે છે. રિટાયર્ડ પ્રિન્સિપાલ અને મસ્જિદના પૂર્વ ટ્રસ્ટી પ્રિન્સિપલા એમ.એસ મિચલા જણાવે છે કે કોઈપણ આર્કિટેક્ટની મદદ લીધા વિના મસ્જિદનું નિર્માણ કરાયું છે. ઘણા આર્કિટેકચરના વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતોની ટીમ અહીં આવે છે અને તેઓ અહીંની કોતરણી અને સ્ટ્રક્ચરથી પ્રભાવિત થઈને જાય છે.

આ મસ્જિદના મિનારા જમીન લેવલથી 80 ઊંચા હોય છે. લોકવાયકા પ્રમાણે રાંદેરના બાવા મિયા નામના વ્યક્તિએ આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું હતું. સુથાર કડીયાના 3 પૈસા રોજના આપીને કામ કરાયું હતું. મસ્જિદ પર કારીગરી ઐતિહાસિક અને પૌરાણિક છે. મસ્જિદના હાલના ટ્રસ્ટી અહેમદ મોદન જણાવે છે કે ભૂકંપમાં પણ જરાય ડેમેજ નહિ થયું હતું. મસ્જિદ ફક્ત રૂ. 1,18,000 માં બની હતી. આજે અહીં રોજના 300 થી 400 જેટલા નમાજી આવે છે. તેમના કહેવા પ્રમાણે પૂર્વજો સારી સગવડ કરી ગયા છે. હવે તેઓ તેને મેઇન્ટેનન્સ કરી રહ્યા છે. આગામી દિવસોમાં સોલર ઉર્જાથી વીજ બચત કરી શકાય તે દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud